ચાલુ નાણાકીય વર્ષ 2021-22ના બીજા ક્વાર્ટરમાં ઓટો કંપની ટાટા મોટર્સની (Tata Motors) કોન્સોલિડેટેડ નેટ લોસ વધીને 4,415.54 કરોડ રૂપિયા થયું છે. સેમિકન્ડક્ટર્સની અછતને કારણે બ્રિટિશ યુનિટ જેએલઆરના (Jaguar Land Rover – JLR) ઓછા વેચાણ અને ખર્ચમાં વધારો થવાને કારણે કંપનીની ખોટ વધી છે. ટાટા મોટર્સે સોમવારે શેરબજારને આપેલી માહિતીમાં જણાવ્યું હતું કે પાછલા નાણાકીય વર્ષ 2020-21ના સમાન ક્વાર્ટરમાં કંપનીની કોન્સોલિડેટેડ નેટ લોસ એટલે કે ચોખ્ખી ખોટ 307.26 કરોડ રૂપિયા હતી.
ટાટા મોટર્સના જણાવ્યા અનુસાર સપ્ટેમ્બર 2021ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં કંપનીની કોન્સોલિડેટેડ રેવેન્યુ 61,378.82 કરોડ રૂપિયા હતી, જે એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં 53,530 કરોડ રૂપિયા હતી. જુલાઈ-સપ્ટેમ્બર 2021 ક્વાર્ટરમાં કંપનીનો ઓપન ખર્ચ 65,712.83 કરોડ રૂપિયા હતો. એક વર્ષ પહેલા, 2020-21ના સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કુલ ખર્ચ 54,982.77 કરોડ રૂપિયા હતો.
કંપનીના બ્રિટિશ યુનિટ જેગુઆર લેન્ડ રોવરની આવક 3.9 અરબ પાઉન્ડ રહી હતી. તે જ સમયે કર પહેલાંની ખોટ 30.2 કરોડ પાઉન્ડ નોંધવામાં આવી હતી. સપ્ટેમ્બર 2021 ક્વાર્ટરમાં JLRનું જથ્થાબંધ વેચાણ 12.8 ટકા ઘટીને 64,032 યુનિટ થયું છે. આ સિવાય છૂટક વેચાણ (ચીનમાં સંયુક્ત સાહસો સહિત) 18.4 ટકા ઘટીને 92,710 યુનિટ થયું છે. સેમિકન્ડક્ટરની અછત અને રિટેલરો સાથે ઓછી ઈન્વેન્ટરીની અસર છૂટક વેચાણ પર સ્પષ્ટપણે દેખાઈ રહી હતી.
સપ્ટેમ્બર 2021 ક્વાર્ટરમાં ટાટા મોટર્સ લિમિટેડની સ્ટેન્ડઅલોન લોસ ઘટીને 659.33 કરોડ રૂપિયા થઈ હતી. સપ્ટેમ્બર 2020 ક્વાર્ટરમાં આ નુકસાન 1,212.45 કરોડ રૂપિયા હતું. કંપનીની સ્ટેન્ડઅલોન ઓપરેટિંગ રેવેન્યુ 10,996.02 કરોડ રૂપિયા રહી હતી, જે એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં 5,594.60 કરોડ રૂપિયા હતી. Q2FY22માં હોલસેલ્સ (નિકાસ સહિત) 56.3 ટકાના ઉછાળા સાથે 1,71,823 યુનિટ થયું હતું.
ટાટા મોટર્સે એક નિવેદનમાં જણાવ્યું છે કે કંપનીના ભારતીય કારોબારમાં બીજા ક્વાર્ટરમાં વાર્ષિક ધોરણે સારી વૃદ્ધિ જોવા મળી છે, જોકે સપ્લાય ચેઈનના મુદ્દાઓ અને કોમોડિટીના વધતા ભાવને કારણે માર્જિન પર દબાણ જોવા મળ્યું છે. કંપનીના ભારતીય બિઝનેસમાં વાર્ષિક ધોરણે આવકમાં 91 ટકાની વૃદ્ધિ જોવા મળી છે.
આ પણ વાંચો : Festive Special Train: 6 એકસ્ટ્રા ફેસ્ટીવ સ્પેશિયલ ટ્રેન ચલાવશે રેલ્વે, અહીં જુઓ પુરુ લીસ્ટ
આ પણ વાંચો : Share Market : શેરબજારની મજબૂત શરૂઆત, સેન્સેક્સ અને નિફટીએ અડધા ટકાની વૃદ્ધિ સાથે કારોબાર આગળ ધપાવ્યો