IRCTC માં સિંગાપુર સરકારે હિસ્સો ઘટાડયો, કંપનીના રિટેલ હોલ્ડિંગમાં 21% સુધી વધારો થયો
વર્ષ 2021 માં સ્ટોક લગભગ 212% વધ્યો છે. છેલ્લા એક વર્ષમાં તેણે તેના રોકાણકારોને 230% વળતર આપ્યું છે. IRCTC IPO ઑક્ટોબર 2019 માં લૉન્ચ કરવામાં આવ્યો હતો.
સિંગાપોર સરકારે(Singapore Government) ઈન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC)માં તેનો હિસ્સો ઘટાડી દીધો છે. IRCTCએ બુધવારે સ્ટોક એક્સચેન્જને મોકલેલા દસ્તાવેજમાં 5 નવેમ્બર, 2021 સુધીની તેની અપડેટેડ શેરહોલ્ડિંગ પેટર્ન વિશે માહિતી આપી હતી. આ દસ્તાવેજ અનુસાર સિંગાપોર સરકારે IRCTCમાં તેનો હિસ્સો ઘટાડ્યો છે.
સિંગાપોર સરકાર શેરહોલ્ડિંગ પેટર્ન મુજબ 30 સપ્ટેમ્બર સુધીમાં IRCTCમાં 1.36% હિસ્સો ધરાવે છે. લેટેસ્ટ શેરહોલ્ડિંગ પેટર્નમાં તેમનું નામ દેખાતું નથી. દરમિયાન, કંપનીમાં રિટેલ રોકાણકારોનો હિસ્સો 30 સપ્ટેમ્બરના રોજ 14.17 ટકાથી વધીને 20.80 ટકા થયો છે.
લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન (LIC), કે જે IRCTCના શેરધારકોમાંનું એક છે, તેનું શેરહોલ્ડિંગ 2.11% પર યથાવત છે. ઉલ્લેખનીય છે કે 28 ઓક્ટોબરે IRCTC નો સ્ટોક સ્પ્લિટ થયો હતો. એક શેરને 5 શેરમાં વહેંચવામાં આવ્યો હતો. શેરબજારમાં તેનું લિસ્ટિંગ થયું ત્યારથી IRCTCના શેરમાં સતત વધારો જોવા મળ્યો હતો.
27 ઓક્ટોબરે IRCTC નું એક સામે પાંચ શેરોમાં વિભાજન થયું IRCTCનું બહુપ્રતીક્ષિત સ્ટોક સ્પ્લિટ કરવામાં આવ્યું હતું. કંપનીનો એક શેર પાંચ શેરમાં વિભાજીત થયો હતો. મતલબ કે જો તમારી પાસે IRCTCના 10 શેર હોય તો તે 50 શેર થયા છે. શેરના વિભાજન પછી, IRCTCના શેરમાં ઉતાર – ચઢાવ જોવા મળ્યો હતો. સ્ટોકને કિફાયતી બનાવવા માટે બીજા ક્વાર્ટરમાં તેના શેર 1:5 ના ગુણોત્તરમાં વહેંચવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
બુધવારે, NSE પર IRCTCનો શેર લગભગ 2 ટકા ઘટીને રૂ. 902.85 પર બંધ થયો હતો. વર્ષ 2021 માં સ્ટોક લગભગ 212% વધ્યો છે. છેલ્લા એક વર્ષમાં તેણે તેના રોકાણકારોને 230% વળતર આપ્યું છે. IRCTC IPO ઑક્ટોબર 2019 માં લૉન્ચ કરવામાં આવ્યો હતો. ત્યારથી, શેરે તેના રોકાણકારોના નાણામાં 5 ગણો વધારો કર્યો છે અને આ સમયગાળામાં 479.38% વળતર આપ્યું છે.
સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીએ 386% નફો નોંધાવ્યો હતો ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) એ તાજેતરમાં ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરના નાણાકીય પરિણામો (IRCTC Q2 Results) જાહેર કર્યા હતા. કંપનીએ જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન તેના નફામાં 386% નો વધારો નોંધાવ્યો હતો.
કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ 158.5 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો જે અગાઉના નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ 32.6 કરોડ હતો. જો કે, એ પણ નોંધનીય છે કે ગયા વર્ષે કોરોના મહામારીને કારણે દેશમાં ઓછી ટ્રેનો દોડી હતી.
આ પણ વાંચો : Petrol Diesel Price Today: આજે ન બદલાયા પેટ્રોલ – ડીઝલના ભાવ, જાણો તમારા શહેરમાં 1 લીટર ઇંધણની કિંમત શું છે?
આ પણ વાંચો : Paytm IPO: દેશના સૌથી મોટા IPO નું આજે શેરબજારમાં લિસ્ટિંગ થશે, જાણો શું છે નિષ્ણાતોનું અનુમાન