
શેરબજારમાં હાલમાં ત્રિમાસિક પરિણામો જોવા મળી રહ્યા છે. પરિણામોના આધારે, વિવિધ કંપનીઓના શેરમાં વધઘટ થઈ રહી છે. આ વધઘટના વલણ વચ્ચે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુના પત્ની ભુવનેશ્વરીએ માત્ર એક જ દિવસમાં 78.8 કરોડ રૂપિયાની કમાણી કરીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. તેમણે આ પૈસા શેરબજારમાં લિસ્ટેડ FMCG કંપની હેરિટેજ ફૂડ્સના શેરમાં થયેલા વધારાથી મેળવ્યા છે. ભુવનેશ્વરીને આ કંપનીના નફામાંથી સૌથી વધુ ફાયદો મળ્યો છે.
હેરિટેજ ફૂડ્સે નાણાકીય વર્ષ 2025-26 માટે તેના ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા છે. કંપનીએ આ ક્વાર્ટરમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેના કારણે શેરમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો. નાણાકીય વર્ષ 2025-26 માટે કંપનીના પ્રથમ ક્વાર્ટરના પરિણામોએ રોકાણકારોને એટલા ઉત્સાહિત કર્યા કે, શેર સીધો 20% ના અપર સર્કિટે પહોંચી ગયો.
હેરિટેજ ફૂડ્સની સ્થાપના વર્ષ 1992માં ચંદ્રબાબુ નાયડુ દ્વારા કરવામાં આવી હતી. આ કંપની હાલમાં દક્ષિણ ભારતની સૌથી મોટી ડેરી કંપનીઓમાં ગણાય છે. દૂધ, દહીં, લસ્સી, પનીર, માખણ અને આઈસ્ક્રીમ જેવા FMCG ઉત્પાદનોનું ઉત્પાદન કરતી આ કંપની હજુ પણ નાયડુ પરિવારના નિયંત્રણ હેઠળ છે.
સીએમ નાયડુના પત્ની ભુવનેશ્વરી આ કંપનીના સૌથી મોટા શેરહોલ્ડર છે. તેમની પાસે કંપનીમાં 51.64% હિસ્સો એટલે કે 1,91,26,483 શેર છે. 12 જુલાઈના રોજ હેરિટેજ ફૂડ્સના શેર 430 પર બંધ થયા હતા પરંતુ 15 જુલાઈના રોજ કંપનીએ તેના શાનદાર Q1FY26 પરિણામો રજૂ કરતાની સાથે જ શેર 20% વધીને 516.30 પર પહોંચી ગયો.
જો કે, પાછળથી પ્રોફિટ બુકિંગ થયું અને શેરનો ભાવ નીચે આવ્યો પરંતુ 18 જુલાઈના રોજ કંપનીનો શેર 7.17% ના વધારા સાથે 491.90 પર બંધ થયો. હેરિટેજ ફૂડ્સના શેરના ભાવમાં થયેલા વધારાને કારણે ભુવનેશ્વરીના હોલ્ડિંગની વેલ્યૂ રૂ. 78.8 કરોડ વધી છે.
હેરિટેજ ફૂડ્સે Q1FY26 માં શાનદાર પ્રદર્શન કર્યું અને રૂ. 29.6 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો, જે વાર્ષિક ધોરણે 67% ની ગ્રોથ દર્શાવે છે. આ સાથે, કંપનીની કુલ આવક રૂ. 814 કરોડ થઈ. EBITDA માર્જિન 7.3% રહ્યું, જે ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળા કરતા 5.1% વધુ છે.
કંપનીના વિકાસ માટેના ત્રણ સૌથી મોટા કારણો છે, પ્રથમ ઉત્પાદનના જથ્થામાં 11% ની ગ્રોથ, આ ઉપરાંત વધુ સારી પ્રોડક્ટ મિક્સ અને ઓપરેશનલ કાર્યક્ષમતાથી પણ કંપનીને ફાયદો થયો છે.
4,500 કરોડ રૂપિયાના માર્કેટ કેપ અને 26X P/E સાથે કંપનીનો ROE 20% અને ROCE 25% છે. હેરિટેજ ફૂડ્સની ડેરી ક્ષમતા 27.8 લાખ લિટર પ્રતિ દિવસ છે. આ ઉપરાંત, કંપનીએ ડેરીની સાથે રિન્યુએબલ એનર્જી અને એનિમલ ફીડ ક્ષેત્રમાં પણ પગલા લીધા છે. આમ, હેરિટેજ ફૂડ્સ એક મિડકેપ FMCG સ્ટોક તરીકે ઉભરી રહ્યો છે જે બ્રાન્ડ વેલ્યુ અને રિટેલ નેટવર્ક બંનેમાં મજબૂત છે.