
શેર માર્કેટ રેગ્યુલેટર SEBIએ સિક્યોરિટીઝ (શેર, મ્યુચ્યુઅલ ફંડ વગેરે)ના ટ્રાન્સફર સંબંધિત નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. આ બદલાવથી કાનૂની વારસદારો માટે તેમના મૃત માતા-પિતા અથવા સગા સંબંધીઓના શેર અને મ્યુચ્યુઅલ ફંડ પર ક્લેમ કરવું વધુ સરળ બનશે. બિઝનેસ ટુડેના એક અહેવાલ મુજબ, 19 જૂનની બોર્ડ બેઠકમાં મંજૂર કરાયેલા આ ફેરફારોનો હેતુ કાગળની કાર્યવાહી ઘટાડવાનો, ખર્ચ બચાવવાનો અને પ્રક્રિયામાં આવતી અડચણો ઘટાડવાનો છે. નવા માળખા હેઠળ 10,000 રૂપિયા સુધીની રોકડ રકમ અને શેર, મ્યુચ્યુઅલ ફંડ વગેરે માટે 30,000 રૂપિયા સુધીના ક્લેમ ઓછામાં ઓછા દસ્તાવેજો સાથે પ્રક્રિયા કરી શકાશે.
સૂચિબદ્ધ કંપનીઓ માટે ફિઝિકલ હોલ્ડિંગ્સની મર્યાદા 5 લાખ રૂપિયાથી વધારીને 10 લાખ રૂપિયા કરવામાં આવી છે. જ્યારે ડીમેટ હોલ્ડિંગ્સ જેમ કે શેર, મ્યુચ્યુઅલ ફંડ, ગોલ્ડ ETF વગેરેની મર્યાદા 15 લાખ રૂપિયાથી વધારીને 30 લાખ રૂપિયા કરવામાં આવી છે.
SEBIએ વધુ એક રાહત આપતા શેર અને મ્યુચ્યુઅલ ફંડ વગેરેના ટ્રાન્સફર દરમિયાન PAN સબમિટ કરવાની જરૂરિયાત દૂર કરી છે. નિયમનકારનું કહેવું છે કે ડીમેટ એકાઉન્ટ ખોલતી વખતે PANની વિગતો પહેલેથી જ ઉપલબ્ધ હોય છે, તેથી વધારાની માહિતી આપવાની જરૂર રહેતી નથી.
કદાચ સૌથી મહત્વપૂર્ણ ફેરફાર વસીયત (Will)ના પ્રોબેટની ફરજિયાતતા દૂર કરવાનો છે. પ્રોબેટ એ કોર્ટ દ્વારા આપવામાં આવતું કાનૂની પ્રમાણપત્ર છે, જેનાથી વસીયત સાચી અને માન્ય છે કે નહીં તે નક્કી થાય છે. આ નિર્ણય વારસાગત કાયદાઓમાં તાજેતરમાં કરાયેલા સુધારાઓને અનુરૂપ લેવામાં આવ્યો છે. તેના કારણે લોકોનો સમય બચશે અને કાનૂની પ્રક્રિયાની જટિલતાઓમાંથી પણ રાહત મળશે. સામાન્ય રીતે વસીયત સંબંધિત કાનૂની કાર્યવાહી પૂર્ણ થવામાં ઘણા મહિના લાગી જાય છે અને વારસદારોને લાંબા સમય સુધી કોર્ટના ચક્કર કાપવા પડે છે.
SEBIએ દસ્તાવેજીકરણ સંબંધિત અનેક ફેરફારો પણ કર્યા છે. અત્યાર સુધી અલગ-અલગ શપથપત્ર (Affidavit) અને નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) આપવાના રહેતા હતા, પરંતુ હવે તેના બદલે Combined Affidavit-cum-NOCનો ઉપયોગ કરવામાં આવશે. મૃત્યુ પ્રમાણપત્રની મૂળ અથવા પ્રમાણિત નકલ ઉપરાંત હવે QR કોડ ધરાવતી નકલો પણ સ્વીકારવામાં આવશે. તેના કારણે ચકાસણીની પ્રક્રિયા વધુ સરળ અને ઝડપી બનશે.