
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (RCom) ના લોન એકાઉન્ટને છેતરપિંડી (Fraud Account) તરીકે જાહેર કર્યું છે. SBI મુજબ, RCom એ લોનની રકમનો ઉપયોગ નિર્ધારિત હેતુઓને બદલે સંબંધિત પક્ષોને ચુકવણી અને આંતરિક વ્યવહારોમાં કર્યો છે.
SBI ની ‘છેતરપિંડી ઓળખ સમિતિ’ એ તપાસમાં જણાવ્યું છે કે RCom દ્વારા લોનનો ઉપયોગ ભંડોળના દુરુપયોગ માટે કરવામાં આવ્યો છે. જૂથની વિવિધ કંપનીઓ વચ્ચે ભંડોળ ટ્રાન્સફર થવાથી લોનના હેતુઓનો ભંગ થયો છે.
₹41,863 કરોડના આંતર-કંપની વ્યવહારોમાં પણ ગેરરીતિ !
₹13,667 કરોડ લોન ચુકવણીમાં ઉપયોગ કરાયો..
₹12,692 કરોડ સંબંધિત પક્ષોને ચૂકવાયો
અનિલ અંબાણીના વકીલે SBI પર આરોપ મૂક્યો છે કે તેઓએ એકતરફી રીતે અને કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરીને આ નિર્ણય લીધો છે. વકીલે કહ્યું કે અંબાણીને પોતાનું પક્ષ મૂકવાનો પૂરતો અવકાશ આપવામાં આવ્યો નથી અને SBI એ વર્ષોથી સંતુષ્ટિકારક જવાબ આપ્યો નથી.
RBI ના નિયમો મુજબ, હવે SBI ને આ માહિતી RBI અને તપાસ એજન્સીઓ (CBI/પોલીસ) ને 21 દિવસમાં આપવી પડશે. આ ઉપરાંત, અનિલ અંબાણી અને RCom ભવિષ્યમાં 5 વર્ષ સુધી કોઈ નવી લોન માટે અયોગ્ય બની શકે છે.
SBI બાદ હવે RCom ને લોન આપનારી અન્ય બેંકો પણ આવું જ પગલું લઈ શકે છે. RCom એ શેરબજારને જાણ કરતાં જણાવ્યું કે તેમને 23 જૂન, 2025ના રોજ SBI તરફથી આ અંગે પત્ર મળ્યો છે.