જો તમારી પાસે PAN કાર્ડ નથી, તો હવે મોટી ખરીદી અને નાણાકીય લેવડ-દેવડ કરવી મુશ્કેલ બની શકે છે. 1 એપ્રિલ 2026 થી અમલમાં આવેલા નવા Income Tax Rules, 2026 બાદ સરકારે ઘણા ‘હાઈ વેલ્યુ ટ્રાન્ઝેક્શન’માં PAN કાર્ડ ફરજિયાત બનાવ્યું છે.
અગાઉ કેટલાક કિસ્સાઓમાં લોકો ફોર્મ 60 ભરીને કામ ચલાવી લેતા હતા પરંતુ હવે તેની જગ્યાએ Form 97 લાવવામાં આવ્યું છે અને તેનો વ્યાપ પણ ઘણો મર્યાદિત કરી દેવામાં આવ્યો છે. ટૂંકમાં, હવે કેટલીક વસ્તુઓ એવી છે, જે તમે PAN વગર ખરીદી જ શકશો નહીં. જો તમે કાર ખરીદવા, સોનું લેવા, રોકાણ કરવા અથવા શેરબજારમાં પ્રવેશવાની તૈયારી કરી રહ્યા હોવ, તો પહેલા PAN કાર્ડ તૈયાર રાખો.
PAN વગર આ વસ્તુઓની ખરીદી નહીં કરી શકાય:
- 5 લાખ રૂપિયાથી વધુની કાર કે વાહન: રિપોર્ટ અનુસાર, જો તમે નવી કાર, SUV કે અન્ય વાહન ખરીદી રહ્યા હોવ અને તેની કિંમત 5 લાખ રૂપિયાથી વધુ હોય, તો PAN આપવું જરૂરી રહેશે.
- 2 લાખ રૂપિયાથી વધુનું સોનું: ગોલ્ડ જ્વેલરી કે અન્ય સોનાની ખરીદી જો 2 લાખ રૂપિયાથી વધુ હોય, તો PAN આપવું અનિવાર્ય છે.
- મ્યુચ્યુઅલ ફંડ્સમાં મોટું રોકાણ: જો તમે 50,000 રૂપિયાથી વધુનું રોકાણ મ્યુચ્યુઅલ ફંડમાં કરવા માંગતા હોવ, તો PAN જરૂરી રહેશે.
- Bonds અને Debentures ની ખરીદી: 50,000 રૂપિયાથી વધુના બોન્ડ્સ, ડિબેન્ચર્સ અને RBI બોન્ડ્સમાં રોકાણ માટે PAN આપવું પડશે.
- શેરબજારમાં મોટો સોદો: જો તમે 1 લાખ રૂપિયાથી વધુની સિક્યોરિટીઝ ખરીદો છો, તો PAN ફરજિયાત છે.
- અનલિસ્ટેડ શેરની ખરીદી: અનલિસ્ટેડ કંપનીઓના શેરમાં 1 લાખ રૂપિયાથી વધુનું રોકાણ કરવા પર PAN જરૂરી રહેશે.
આ કામો પણ અટકી શકે છે:
- ક્રેડિટ કાર્ડ માટે અરજી
- ડીમેટ એકાઉન્ટ ખોલાવવું
- મોટી રોકડ ડિપોઝિટ અથવા વિડ્રોઅલ
આ તમામ કિસ્સાઓમાં પણ PAN કાર્ડ જરૂરી રહેશે.
નિયમો કેમ કડક થયા?
સરકાર ટેક્સ સિસ્ટમને વધુ પારદર્શક, ડિજિટલ અને ટ્રેસેબલ બનાવવા માંગે છે. મોટા વ્યવહારો પર નજર રાખવા અને ટેક્સ ચોરી રોકવા માટે PAN આધારિત સિસ્ટમને મજબૂત કરવામાં આવી રહી છે. જો તમે ભવિષ્યમાં ઘર, કાર, સોનું કે રોકાણનું આયોજન કરી રહ્યા હોવ, તો PAN હવે માત્ર એક દસ્તાવેજ નહીં પણ જરૂરિયાત બની ગયું છે. સરળ રીતે જોઈએ તો, PAN વગર તમારા ઘણા મોટા કામ અટકી શકે છે.
આ પણ વાંચો: ‘રોકાણકારો’ જે વાતથી ડરી રહ્યા હતા તે જ થયું ! માત્ર એક જ દિવસમાં આટલી સસ્તી થઈ ગઈ ‘ચાંદી’