RTI માં થયો ચોકાવનારો ખુલાસો, ચાલુ નાણાકીય વર્ષના શરૂઆતી 9 મહીનામાં રેલવેએ આટલી ટ્રેનો રદ્દ કરી
Indian Railways: 2014માં મેઈન્ટેનન્સના કામોને કારણે 101 ટ્રેનો રદ કરવામાં આવી હતી અને 2017માં આ સંખ્યા વધીને 829 થઈ ગઈ હતી. આવી ટ્રેનોની સંખ્યા 2018માં વધીને 2,867 અને 2019માં 3,146 થઈ ગઈ.
ભારતીય રેલવેએ (Indian Railways) નાણાકીય વર્ષ 2021-22ના પ્રથમ નવ મહિનામાં જાળવણીના કારણોસર 35,000 થી વધુ ટ્રેનો રદ કરી છે. માહિતી અધિકાર (RTI)ના જવાબમાં રેલવેએ આ વાત કહી છે. રેલ્વેએ એમ પણ કહ્યું કે 2021-22 માં એપ્રિલથી જૂન ક્વાર્ટર દરમિયાન, તેણે જાળવણીના કારણોસર 20,941 ટ્રેનો રદ કરી. આગામી ક્વાર્ટરમાં તેણે 7117 ટ્રેનો રદ કરી હતી જ્યારે ઓક્ટોબરથી ડિસેમ્બરના ક્વાર્ટરમાં 6,869 ટ્રેનો રદ કરવામાં આવી હતી. મધ્યપ્રદેશના ચંદ્રશેખર ગૌડે RTI અરજી દાખલ કરી હતી. અધિકારીઓએ સંકેત આપ્યો કે તાજેતરના સમયમાં જાળવણી કાર્યને કારણે 2019માં સૌથી વધુ 3,146 ટ્રેનો રદ કરવામાં આવી હતી. સત્તાવાર આંકડાઓ અનુસાર, 2014માં 101 ટ્રેનો જાળવણીના કામોને કારણે રદ કરવામાં આવી હતી અને 2017માં આ સંખ્યા વધીને 829 થઈ ગઈ હતી.
આવી ટ્રેનોની સંખ્યા 2018માં વધીને 2,867 અને 2019માં 3,146 થઈ ગઈ. એક અધિકારીએ જણાવ્યું હતું કે, આ દર્શાવે છે કે જર્જરિત ટ્રેક પર લાંબા સમયથી કેટલું કામ બાકી છે.
41 હજારથી વધુ ટ્રેનો મોડી પડી હતી
કોવિડ મહામારીને કારણે રેલવેએ તેની તમામ સામાન્ય પેસેન્જર સેવાઓને 2020 ના મોટાભાગના સમય માટે સ્થગિત કરી દીધી હતી અને વર્ષ દરમિયાન માત્ર વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી હતી. આરટીઆઈના જવાબમાં, રેલવેએ કહ્યું છે કે એપ્રિલથી ડિસેમ્બર 2021 સુધીમાં 15,199 મેલ અથવા એક્સપ્રેસ ટ્રેનો મોડી પડી હતી, જ્યારે આ સમયગાળા દરમિયાન 26,284 પેસેન્જર ટ્રેનો મોડી પડી હતી. આવી વિલંબિત ટ્રેનોની કુલ સંખ્યા 41,483 થઈ ગઈ છે.
રેલવે મંત્રાલયના જણાવ્યા અનુસાર, રેલવે આગામી થોડા વર્ષોમાં રૂ. 1,15,000 કરોડથી વધુના મૂલ્યના 58 સુપરક્રિટિકલ અને 68 ક્રિટિકલ પ્રોજેક્ટ્સ ડિલિવર કરવાના ટ્રેક પર છે. 29 સુપરક્રિટિકલ પ્રોજેક્ટ્સમાંથી, 27 પ્રોજેક્ટ ડિસેમ્બર 2021 સુધીમાં પૂર્ણ કરવાના હતા, જ્યારે બે પ્રોજેક્ટ આ વર્ષે માર્ચ સુધીમાં સોંપવામાં આવશે.
જો કે, તે સ્પષ્ટ નથી કે ગયા વર્ષે એપ્રિલ અને ડિસેમ્બર વચ્ચે કેટલા મુસાફરોને અસર થઈ હતી, જ્યારે જાળવણીના કામોને કારણે લગભગ 35,026 ટ્રેનો રદ કરવામાં આવી હતી. આ દરમિયાન 40 હજારથી વધુ ટ્રેનો મોડી પડી હોવાનું પણ RTI દ્વારા બહાર આવ્યું છે.
પંક્ચ્યુલિટી પરફોર્મન્સ ઘટ્યું
RTI દ્વારા એ પણ ખુલાસો થયો છે કે, રેલગાડીઓ પાટા પર પાછા આવવા પર અને સામાન્ય પરીવહન ફરી શરૂ આવવા પર રેલવેનું પંક્ચ્યુલિટી પરફોર્મન્સ ઓછું થઈ ગયું. એપ્રિલથી જૂન ક્વાર્ટર દરમિયાન, જ્યારે રેલવે માત્ર વિશેષ ટ્રેનો ચલાવી રહી હતી, ત્યારે 7,050 ટ્રેનો રદ કરવામાં આવી હતી અને સમય પાલનનું પ્રદર્શન લગભગ 94 ટકા હતું.
જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં, 14,249 ટ્રેનો મોડી પડતાં આ કામગીરી 92 ટકા ઘટી ગઈ હતી. વિલંબ વિશે ફરિયાદ કરવા માટે મુસાફરોએ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સની મદદ લીધી છે અને ઘણા લોકોએ તો યાત્રીઓને ખોવાયેલા સમય માટે રિમ્બસ્ડ કરવાનો પ્રસ્તાવ પણ આપ્યો છે.