NDTVના પ્રમોટર્સ પ્રણવ રોય – રાધિકા રોયે આપ્યું રાજીનામું
NDTVના સ્થાપકો પ્રણય રોય અને તેમના પત્નિ રાધિકા રોયે RRPR હોલ્ડિંગ પ્રાઇવેટ લિમિટેડમાંથી ગઈકાલે રાજીનામું આપી દીધું છે.
NDTVના સ્થાપકો પ્રણય રોય અને તેમના પત્નિ રાધિકા રોયે, ગઈકાલે RRPR હોલ્ડિંગ પ્રાઇવેટ લિમિટેડમાંથી રાજીનામું આપી દીધું હતું. NDTVએ સત્તાવાર રીતે બોમ્બે સ્ટોક એક્સચેન્જને પ્રણય રોય અને રાધિકા રોયના રાજીનામાની જાણકારી આપી છે. કહેવામાં આવ્યું હતું કે પ્રણય અને રાધિકાએ કંપનીના ડિરેક્ટર પદ પરથી પણ રાજીનામું આપી દીધું છે. રાજીનામું આજથી જ લાગુ થશે.
પ્રણય રોય અને તેમના રાધિકા રોયના રાજીનામા બાદ, સંજય પુગલિયા, સુદીપ્તા ભટ્ટાચાર્ય, સેંથિલ સિનેયા ચેંગલવર્યનની તાત્કાલિક અસરથી RRPR હોલ્ડિંગ પ્રાઇવેટ લિમિટેડના બોર્ડમાં ડિરેક્ટર તરીકે નિમણૂંક કરવામાં આવી છે. અદાણી ગ્રુપે ગત સોમવારે જ NDTVમાં 29.18 ટકા હિસ્સો હસ્તગત કર્યો હતો.
અદાણી જૂથની 26 % માટે ઓપન ઓફર
NDTVની પ્રમોટર કંપનીએ સોમવારે કહ્યું હતું કે તેમણે તેમની 99.5 ટકા ઇક્વિટી મૂડી અદાણી ગ્રૂપની માલિકીની VCPLને ટ્રાન્સફર કરી છે. આ શેરના ટ્રાન્સફર સાથે જ અદાણી ગ્રુપને NDTVમાં 29.18 ટકા હિસ્સો મળશે. જ્યારે, અદાણી જૂથે NDTVમાં વધુ 26 ટકા હિસ્સા માટે બજારમાં ઓપન ઓફર લાવવાની જાહેરાત કરી હતી. આની સાથે જ અદાણી ગ્રૂપે વધારાના 26 ટકા હિસ્સા માટે ઓપન ઓફર પણ કરી છે, જે 5 ડિસેમ્બર સુધીમાં સમાપ્ત થશે.
અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે એનડીટીવી ખરીદવી એ બિઝનેસની એક તક નથી પરંતુ તે તેમની જવાબદારી છે. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે સ્વતંત્રતાનો અર્થ છે સાચાને સાચા અને ખોટાને ખોટા કહેવું. તેમણે કહ્યું કે જો સરકારે કંઈ ખોટું કર્યું છે તો તમારે કહેવું જોઈએ કે તે ખોટું છે. બીજી તરફ જો સરકાર કંઈક સારું કરી રહી હોય તો તેને સારું કહેવાની હિંમત પણ હોવી જોઈએ. અહેવાલ અનુસાર ગૌતમ અદાણીએ એનડીટીવીના માલિક-સ્થાપક પ્રણય રોયને, NDTVના વડા તરીકે રહેવા આમંત્રણ આપ્યું હતું.