રશિયા યુક્રેન તણાવથી ભારતની વધશે મુશ્કેલી, તેલ અને ગેસના ભાવમાં વધુ વધારો સંભવ: રિપોર્ટ
રશિયા અને યુક્રેનના તણાવ વચ્ચે બ્રેન્ટ ક્રૂડ 100 ડોલર પ્રતિ બેરલ નજીક પહોંચી ગયું છે, જે સપ્ટેમ્બર 2014 પછીનું સર્વોચ્ચ સ્તર છે.

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ તણાવ (Russia-Ukraine conflict) આવનારા સમયમાં ભારત માટે મુશ્કેલીમાં વધારો કરી શકે છે. એક રિપોર્ટ અનુસાર આ સંકટના કારણે ક્રૂડ ઓઈલ અને લિક્વિફાઈડ નેચરલ ગેસના ભાવમાં વધુ તીવ્ર ઉછાળો આવી શકે છે, જેના કારણે ઓઈલ ગેસની આયાત પર નિર્ભર દેશોને ઘણું નુકસાન થશે. આવા દેશોમાં ભારતનો સમાવેશ થાય છે અને તે તેની જરૂરિયાતના મોટાભાગના ઓઈલ ગેસની આયાત કરે છે. મૂડીઝ ઈન્વેસ્ટર્સ સર્વિસ (Moody’s)એ બુધવારે જણાવ્યું હતું કે વૈશ્વિક તેલ અને લિક્વિફાઈડ નેચરલ ગેસ (એલએનજી)ના ભાવમાં રશિયા-યુક્રેન સંઘર્ષના પગલે તીવ્ર વધારો થવાની સંભાવના છે. જેની નેટ એનર્જી આયાતકારોની આર્થિક સ્થિતિ પર નકારાત્મક અસર પડશે.
ક્ષેત્રમાં વધી શકે છે મોંઘવારીનું દબાણ
મૂડીઝ ઈન્વેસ્ટર્સ સર્વિસના મેનેજિંગ ડિરેક્ટર માઈકલ ટેલરે જણાવ્યું હતું કે વર્તમાન સંજોગો વૈશ્વિક વેપાર પર નોંધપાત્ર અસર કરે તેવી શક્યતા છે, મધ્ય એશિયામાં કોમોડિટી ઉત્પાદકો માટે ચીનને પુરવઠો વધારવાની તકો હોઈ શકે છે. સમાન પુરવઠા શૃંખલાની અડચણો પણ વધશે, જે પ્રદેશમાં મોંઘવારીના દબાણમાં વધારો કરશે. યુક્રેન અને રશિયા વચ્ચે હાલમાં તણાવ વધી રહ્યો છે અને સોમવારે મોસ્કોએ પૂર્વ યુક્રેનના બે અલગતાવાદી વિસ્તારોને સ્વતંત્ર પ્રદેશો તરીકે માન્યતા આપવાનું નક્કી કર્યું અને ત્યાં રશિયન સૈનિકો તૈનાત કર્યા, જેનાથી તણાવ વધવાની સંભાવના વધી ગઈ છે.
તેમના મતે ઓઈલ અને લિક્વિફાઈડ નેચરલ ગેસ (LNG)ની વૈશ્વિક કિંમત સંઘર્ષની સ્થિતિમાં વધવાની સંભાવના છે, જે એશિયા પેસિફિક ક્ષેત્રના પ્રમાણમાં ઓછા નિકાસકારો માટે સકારાત્મક અને ચોખ્ખી ઊર્જા આયાતકારો માટે નોંધપાત્ર રીતે નકારાત્મક હશે. જો કે, અહીં એક મહત્વનો મુદ્દો એ છે કે ઘણા એશિયન અર્થતંત્રોએ LNG માટે લાંબા ગાળાના સપ્લાય કોન્ટ્રાક્ટમાં પ્રવેશ કર્યો છે, જે અમુક અંશે સ્પોટ માર્કેટમાં ભાવની તેજીની અસરને ઓછી કરશે.
યુક્રેનમાં આક્રમણનો વધતો ભય અને કુદરતી ગેસનો સૌથી મોટો નિકાસકાર અને તેલનો બીજો સૌથી મોટો નિકાસકાર રશિયા પર પ્રતિબંધોના ભય વચ્ચે વૈશ્વિક ક્રૂડ ઓઈલ બેન્ચમાર્ક બ્રેન્ટ મંગળવારે 100 અમેરિકી ડોલર પ્રતિ બેરલની નજીક પહોચ્યો હતો.
ભારત તેની જરૂરિયાતો માટે આયાત પર નિર્ભર
ભારત તેની ક્રૂડ ઓઈલની જરૂરિયાતના લગભગ 85 ટકા અને તેની કુદરતી ગેસની લગભગ અડધી જરૂરિયાતની આયાત કરે છે. જ્યારે આયાતી ક્રૂડ ઓઈલને પેટ્રોલ અને ડીઝલ જેવા ઈંધણમાં રૂપાંતરિત કરવામાં આવે છે, ત્યારે ગેસનો ઉપયોગ ઓટોમોબાઈલમાં CNG તરીકે અને કારખાનાઓમાં ઈંધણ તરીકે થાય છે. મૂડીઝે એક નિવેદનમાં કહ્યું કે હાલમાં એશિયાના ઘણા દેશો ઈંધણના મામલે રશિયા અને યુક્રેન સાથે સીધા જોડાયેલા નથી. જો કે, સંઘર્ષ વધવાની સ્થિતિમાં તેની અસર સમગ્ર વિશ્વમાં જોવા મળશે, તેની સાથે નાણાકીય બજારો પર પણ તેની અસર જોવા મળશે. આમાં પણ પહેલાથી જ આર્થિક દબાણનો સામનો કરી રહેલા દેશો સૌથી વધુ મુશ્કેલીમાં મુકાશે.
આ પણ વાંચો : યુક્રેનમાં સંઘર્ષ વધવાને કારણે રશિયાના 23 સૌથી ધનિકોને મોટો ફટકો, 2.38 લાખ કરોડ રૂપિયા ડૂબ્યા