ભારતીય શેરબજારે 3.166 ટ્રિલિયન ડોલરની માર્કેટ કેપ સાથે બ્રિટનને પાછળ ધકેલ્યું, જાણો કોણ છે નંબર 1
લગભગ 6 મહિના પહેલા ભારતીય શેરબજારે ફ્રાન્સને પાછળ છોડી દીધું હતું. 6 મહિના પહેલા સુધી વૈશ્વિક માર્કેટ કેપમાં ભારતીય બજાર હિસ્સો 2.89% હતો.
માર્કેટ કેપ(Mcap)ના મામલામાં ભારતીય શેરબજારે (Indian Stock Market) પ્રથમ વખત બ્રિટિશ શેરબજાર(British stock Market)ને પાછળ છોડી દીધું છે. 3 ટ્રિલિયનથી વધુના માઇલસ્ટોન્સ સાથે ભારતીય શેરબજાર વિશ્વનું છઠ્ઠું સૌથી મોટું સ્ટોક માર્કેટ (stock Market) બની ગયું છે. યુક્રેન પર રશિયન આક્રમણને કારણે વૈશ્વિક ઇક્વિટીમાં સતત ઘટાડા વચ્ચે ભારતે યુનાઇટેડ કિંગડમ(united kingdom ) ને પાછળ છોડી દીધું છે. બ્લૂમબર્ગના ડેટા અનુસાર ગુરુવારે ભારતનું માર્કેટ કેપ યુકેના 3.1102 ટ્રિલિયન ડોલરની સરખામણીએ 3.16674 ટ્રિલિયન ડોલર હતું. ગયા મહિને જીઓ પોલિટિકલ તણાવમાં વધારો થયા બાદ ભારતે માર્કેટ કેપ (MCap)ના સંદર્ભમાં લગભગ 357.05 અબજ ડોલર ગુમાવ્યા છે. દરમિયાન 1 ફેબ્રુઆરીથી બ્રિટિશ બજારોને 410 અબજ પાઉન્ડનું નુકસાન થયું હતું.
યુનાઇટેડ સ્ટેટ્સ વિશ્વનું સૌથી મોટું બજાર છે
46.01 ટ્રિલિયન ડોલરના માર્કેટ કેપ સાથે વિશ્વનું સૌથી મોટું બજાર છે. તે પછી ચીન 11.31 ટ્રિલિયન ડોલર, જાપાન 5.78 ટ્રિલિયન ડોલર, હોંગકોંગ 5.50 ટ્રિલિયન ડોલર અને સાઉદી અરેબિયા 3.25 ટ્રિલિયન ડોલર છે.
ક્રૂડ ઓઈલના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચવાથી સાઉદી અરેબિયાને સીધો ફાયદો થયો છે. સાઉદી અરેબિયા ક્રૂડ તેલનો વિશ્વનો બીજો સૌથી મોટો નિકાસકાર છે. પરિણામે છેલ્લા એક મહિનામાં તેના માર્કેટ કેપમાં લગભગ 442 અબજ ડોલરનો વધારો થયો છે.
સેન્સેક્સ 60 હજાર સુધી પહોંચી ગયો હતો
લગભગ 6 મહિના પહેલા ભારતીય શેરબજારે ફ્રાન્સને પાછળ છોડી દીધું હતું. 6 મહિના પહેલા સુધી વૈશ્વિક માર્કેટ કેપમાં ભારતીય બજાર હિસ્સો 2.89% હતો. ફ્રાન્સનું યોગદાન 2.84% હતું. કેનેડાનું યોગદાન 2.65% હતું. ચીનનો ફાળો 10.43% જ્યારે જાપાનનો ફાળો 6.19% અને હોંગકોંગનો 5.39% હતો. ગયા વર્ષે જાન્યુઆરીમાં સેન્સેક્સ 47,864 પોઈન્ટ પર બંધ થયો હતો પરંતુ માત્ર 6 મહિના પછી તે પ્રથમ વખત 59 હજારથી વધુની સપાટીએ બંધ થયું હતું.
યુક્રેનિયન પ્રમુખ ઝેલેન્સકીએ કહ્યું છે કે તેઓ હવે નાટોના સભ્યપદ માટે દબાણ કરી રહ્યા નથી તેથી શેરબજાર લીલા નિશાનમાં પાછું ફર્યું છે. પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામો પર નજીકથી નજર રાખતા ગુરુવારે ભારતીય બજાર લીલા નિશાન સાથે ખુલ્યું હતું. ગુરુવારે તુર્કીમાં યોજાનારી યુક્રેન અને રશિયાના વિદેશ મંત્રીઓની બેઠકમાં સકારાત્મક વાતચીતની આશાએ ક્રૂડ ઓઇલમાં પણ રાહત જોવા મળી છે.