LPG નો ભાવ 4 મહિનામાં 7 ગણો વધ્યો, ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ ચૂલા પર રસોઈ બનાવવા મજબુર
LPGના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે સામાન્ય માણસને ગેસના ભાવના કારણે તકલીફો વેઠવી પડી રહી છે. તેમજ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને પણ તકલીફ પડી રહી છે.

ગરીબી રેખા નીચે જીવતા મહિલાઓને મફત ગેસ કનેક્શન આપવાની કેન્દ્રની ઉજ્જવલ્લા યોજનાના લાભાર્થી ગેસના ભાવ વધવાથી મુશ્કેલીમાં મુકાયા છે. એક લાભાર્થી ઇશા શેખને વારંવાર ગેસના ભાવમાં વધારાનાં કારણે સિલિન્ડર ભરાવવામાં તકલીફ પડી રહી છે. ઇશા શેખને નરેન્દ્ર મોદીએ સપ્ટેમ્બર 2019 માં ઉજ્જવલા પ્રમાણપત્ર આપ્યું હતું.
શેખની જેમ ઓરંગાબાદ જિલ્લાના લોહગાંવમાં રહેતા મંદાબાઈ પાબ્લેને પણ સિલિન્ડર ખરીદવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમનો વીડિયો એક ન્યૂઝ ચેનલ પર પ્રસારિત થયો હતો, જેમાં તેઓ લાકડા સળગાવી માટીના ચૂલા પર રસોઇ કરતા જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે 30 વર્ષિય શેખને 7 સપ્ટેમ્બર, 2019 ના રોજ ઉજ્જવલા યોજનાના આઠ કરોડમાં લાભાર્થી તરીકે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક પ્રમાણપત્ર આપ્યું હતું.
ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓની મુશ્કેલીઓ વધી નારાજગી વ્યક્ત કરતાં શેખે સમાચાર સંસ્થાને વાતચીતમાં જણાવ્યું હતું કે, “એલપીજી સિલિન્ડરની કિંમત હવે મારા ઓરડાના ભાડાથી વધી ગઈ છે. હું 600 રૂપિયા ભાડું આપું છું, જ્યારે એલપીજીની કિંમત 700 થી વધુ થઈ ગઈ છે. અમે શું કરીએ? મારે ગેસ સિલિન્ડર માટે ખર્ચ કરવો જોઇએ કે બાકીનો ખર્ચ કરવો જોઈએ?” શેખ પાંચ બાળકોની માતા છે અને દૈનિક વેતન મજૂરનું કામ કરે છે. તે ઓરંગાબાદ જિલ્લાના અજંગતા ગામના ઇન્દિરાનગરમાં રહે છે.
તેમણે કહ્યું, “અમને મફતમાં ગેસ કનેક્શન તો મળી ગયું. એક મહિના સુધી સિલિન્ડરનો ઉપયોગ કર્યા પછી, અમે તેને ફરીથી ભરાવી શક્યા નથી. એક મહિના પછી અમે અમારા ખર્ચમાં કાપ મૂક્યો અને ગેસ સિલિન્ડર ભરાવી દીધું.” શેખે કહ્યું કે “મકાન માલિકને ભાડુ ના ચૂકવ્યું તો રૂમ ખાલી કરાવી દીધો. તેમણે કહ્યું, “ત્યારથી અમે મારી બહેનના ઘરે રહીએ છીએ.”
શેખે કહ્યું, “ગેસ સિલિન્ડર મોંઘું થઈ ગયું છે, હવે તે પોસાય તેમ નથી. આ માત્ર નામ પુરતું મફત છે. અમે આ ખેતરમાં રહીએ છીએ અને બીજાઓને વધુ પૈસામાં સિલિન્ડર આપવાનું કહેવું પડે છે. સિલિન્ડરો ઘરે પૂરા પાડવામાં આવતા નથી.”