LIC હાઉસિંગ ફાઇનાન્સે હોમ લોનના વ્યાજ દરમાં વધારો કર્યો, હવે ગ્રાહકોએ લોન માટે 7.50% નો દર ચૂકવવો પડશે
LIC હાઉસિંગ ફાઇનાન્સ તરફથી હોમ લોન મોટાભાગે CIBIL સ્કોર પર આધારિત છે. નોકરિયાત અને પ્રોફેશનલ લોકો માટે 700 સિબિસ સ્કોર પર 50 લાખ સુધીની હોમ લોન 7.55 ટકાના દરે આપવામાં આવી રહી છે.
હાઉસિંગ ફાઇનાન્સ કંપની LIC હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (LIC HFL) એ તેના મુખ્ય હોમ લોનના વ્યાજ દર(Home Loan Rates)માં 0.60 ટકાનો વધારો કરીને 7.50 ટકા કર્યો છે. LIC HFLએ જણાવ્યું છે કે આ વધારા સાથે હોમ લોન પર વ્યાજ દર હવે 7.50 ટકાથી શરૂ થશે. નવા વ્યાજ દર 20 જૂન 2022થી લાગુ કરાયા છે. હોમ લોનનો વ્યાજ દર વાસ્તવમાં સ્ટાન્ડર્ડ વ્યાજ દર છે જેની સાથે LIC HFL લોનનો વ્યાજ દર જોડાયેલ છે. જ્યારથી રિઝર્વ બેંક રેપો રેટમાં વધારો કરી રહી છે ત્યારથી હોમ લોન, પર્સનલ લોન વગેરેના વ્યાજદરમાં વધારો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં રેપો રેટમાં બે વખત વધારો કરવામાં આવ્યો છે. ભવિષ્યમાં તેમાં વધારો પણ શક્ય છે. જુલાઈમાં ફરી રેપો રેટ વધારવાની શક્યતા છે જેનાથી હોમ લોનના વ્યાજદરમાં વધારો થશે. આ કારણે EMI પહેલા કરતા વધુ ચૂકવવી પડશે.
એલઆઈસી એચએફએલના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર વાય વિશ્વનાથ ગૌરે જણાવ્યું હતું કે, “વ્યાજ દરમાં વધારો બજારની પ્રવર્તમાન પરિસ્થિતિ મુજબ છે. જો ઐતિહાસિક રીતે સરખામણી કરવામાં આવે તો દરો હજુ પણ ખૂબ જ સ્પર્ધાત્મક છે. તેથી હોમ લોનની માંગ સ્થિર રહેવાની ધારણા છે.
તમને કયા દરે હોમ લોન મળશે
LIC હાઉસિંગ ફાઇનાન્સ તરફથી હોમ લોન મોટાભાગે CIBIL સ્કોર પર આધારિત છે. નોકરિયાત અને પ્રોફેશનલ લોકો માટે 700 સિબિસ સ્કોર પર 50 લાખ સુધીની હોમ લોન 7.55 ટકાના દરે આપવામાં આવી રહી છે. 50 લાખથી 2 કરોડ રૂપિયા સુધીની હોમ લોન 7.75 ટકાના દરે આપવામાં આવી રહી છે. તે જ રીતે રૂ. 2 કરોડથી રૂ. 15 કરોડ સુધીની હોમ લોન 7.90 ટકાના દરે આપવામાં આવે છે.
LIC હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ તેના ગ્રાહકોને 7 પ્રકારની હોમ લોન ઓફર કરે છે. જેમાં નિવાસી ભારતીય માટે હોમ લોન, NRI માટે હોમ લોન, પ્લોટ લોન, હોમ ઇમ્પ્રૂવમેન્ટ લોન, હોમ રિનોવેશન લોન, ટોપ અપ લોન અને બેલેન્સ ટ્રાન્સફરનો સમાવેશ થાય છે. જો પગારદાર અને વ્યાવસાયિક વર્ગની વ્યક્તિ હોમ લોન લેવા માંગે છે જેનો CIBIL સ્કોર 600-699ની રેન્જમાં છે તો 50 લાખ સુધીની લોન 7.80%ના દરે ઉપલબ્ધ થશે. 50 લાખથી 2 કરોડ સુધીની લોન 8.15 ટકાના દરે અને 2 કરોડથી 15 કરોડ સુધીની લોન 8.15 ટકાના દરે મળશે.