જાન્યુઆરીમાં પી-નોટ્સ દ્વારા રોકાણમાં ઘટાડો, આગળ પણ રશિયા યુક્રેન સંકેટની જોવા મળશે અસર
જાન્યુઆરીમાં કુલ પી-નોટ્સના રોકાણમાંથી 78,271 કરોડ રૂપિયા ઇક્વિટીમાં હતા. જ્યારે 9,485 કરોડ રૂપિયાનું રોકાણ બોન્ડમાં અને 232 કરોડ રૂપિયાનું હાઇબ્રિડ સિક્યોરિટીઝમાં રોકાણ કરવામાં આવ્યું હતું.
ભારતીય મૂડી બજારમાં પાર્ટિસિપેટ્રી નોટ્સ (Participatory notes) દ્વારા કરવામાં આવતું રોકાણ જાન્યુઆરીના અંતે ઘટીને 87,989 કરોડ રૂપિયા રહ્યું હતું. ઓમિક્રોન અને ફેડરલ રિઝર્વ દ્વારા કડક પગલાં લેવાની આશંકાની અસર જાન્યુઆરીના સંપૂર્ણ મહિનામાં જોવા મળી છે. જ્યારે, નિષ્ણાતોનું માનવું છે કે યુક્રેન સંકટને (Russia Ukraine Crisis) કારણે વિદેશી રોકાણકારોનું નકારાત્મક વલણ આગળ પણ ચાલુ રહેશે. અને પી-નોટ્સ દ્વારા રોકાણમાં ઘટાડો ચાલુ રહી શકે છે. નોંધાયેલા વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPI) દ્વારા પી-નોટ્સ તેવા વિદેશી રોકાણકારોને જાહેર કરવામાં આવે છે. જેઓ ભારતીય શેરબજારમાં નોંધણી કરાવ્યા વિના તેનો ભાગ બનવા માંગે છે. જોકે, આ માટે તેમણે નિયત પ્રક્રિયાનું પાલન કરવું જરૂરી હોય છે.
પી નોટ્સ દ્વારા રોકાણમાં ઘટાડો
સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ના ડેટા અનુસાર, જાન્યુઆરી 2022ના અંતે ભારતીય બજારોમાં પી-નોટ્સ દ્વારા કરાયેલા રોકાણનું મૂલ્ય 87,989 કરોડ રૂપિયા હતું. આ ડિસેમ્બર 2021ની તુલનામાં ઓછું છે જ્યારે પી-નોટ્સ દ્વારા 95,501 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું હતું. જ્યારે નવેમ્બર 2021ના અંતે આ આંકડો 94,826 કરોડ રૂપિયા હતો. જાન્યુઆરીમાં કુલ પી-નોટ્સના રોકાણમાંથી 78,271 કરોડ રૂપિયા ઇક્વિટીમાં હતા. જ્યારે 9,485 કરોડ રૂપિયાનું રોકાણ બોન્ડમાં અને 232 કરોડ રૂપિયાનું હાઇબ્રિડ સિક્યોરિટીઝમાં રોકાણ કરવામાં આવ્યું હતું.
ઇક્વિટી પી-નોટ્સ રોકાણ 6,677 કરોડ રૂપિયાના ચોખ્ખા ઘટાડા પછી જાન્યુઆરીમાં 78,271 કરોડ રૂપિયા પર આવ્યું હતું. જે સ્તર પર આ જાન્યુઆરી 2021માં જોવા મળ્યું હતું. બોન્ડ સેગમેન્ટમાં પણ પી-નોટ્સ રોકાણના મૂલ્યમાં લગભગ નવ ટકાનો ઘટાડો થયો છે.
આગળ પણ રોકાણ પર અસર પડવાની આશંકા
પીએમએસ પાઇપર સેરિકાના સ્થાપક અને ફંડ મેનેજર અભય અગ્રવાલે જણાવ્યું હતું કે જાન્યુઆરીમાં ઇક્વિટી પી-નોટ્સમાં 7.8 ટકાનો ઘટાડો થયો હતો કારણ કે નિફ્ટી પરનું વળતર લગભગ સ્થિર રહ્યું હતું. વિદેશી રોકાણકારો આખા મહિના દરમિયાન વેચાણકર્તા રહ્યા હોવાથી આવું થવાનું જ હતું. અગ્રવાલે કહ્યું, “અમને આશંકા છે કે ફેબ્રુઆરી મહિનામાં પણ પી-નોટ્સનું રોકાણ નકારાત્મક રહેશે.
તેનું કારણ એ છે કે ફેબ્રુઆરીમાં પણ એફપીઆઈ દ્વારા મજબૂત વેચવાલી જોવા મળી હતી અને નિફ્ટીમાં ત્રણ ટકાનો ઘટાડો નોંધાયો હતો. તેમણે કહ્યું કે યુક્રેન સંકટને કારણે પહેલાથી જ ડરી ગયેલા વિદેશી રોકાણકારોને વધુ દબાણમાં મૂકી દીધા છે. તેમણે કહ્યું કે, અમારુ અનુમાન છે કે, એફપીઆઈ યુક્રેન સંકટ પર સ્થિતી સ્પષ્ટ ન થાય ત્યાં સુધી તેનુ નકારાત્મક વલણને ચાલુ રાખશે. આ દરમિયાન, રાહતની બાબત એલઆઈસીનો આગામી આઈપીઓ છે. હાલમાં યુક્રેન સંકટના કારણે શેરબજારો પર દબાણ છે અને વિદેશી રોકાણકારો સતત સ્થાનિક બજારમાંથી રોકાણ પાછું ખેંચી રહ્યા છે.
આ પણ વાંચો : Air India અંગે મોટા સમાચાર, ઈલકર આયશીએ CEO બનવા માટે કર્યો ઈન્કાર