આર્થિક સ્થિતિ પર RBIનો રિપોર્ટ, કોરોના મહામારીના નુકસાનમાંથી અર્થતંત્રને બહાર આવતા 12 વર્ષ લાગશે
મહામારીને કારણે ભારતે છેલ્લા 3 વર્ષમાં લગભગ 50 લાખ કરોડ રૂપિયાનું આઉટપુટ ગુમાવ્યું છે. રિઝર્વ બેંકના (RBI) રિપોર્ટ અનુસાર, ભારતની અર્થવ્યવસ્થા (Indian Economy) 2034-35 સુધીમાં જ મહામારી દરમિયાન થયેલા નુકસાનની ભરપાઈ કરી શકશે.
ભારતની અર્થવ્યવસ્થાને કોરોનાના (Corona) કારણે થયેલા નુકસાનમાંથી બહાર આવવામાં એક દાયકાથી વધુ સમય લાગી શકે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના એક રિપોર્ટ અનુસાર, ભારતની અર્થવ્યવસ્થા (Economy) નાણાકીય વર્ષ 2035 સુધી જ કોવિડથી થયેલા નુકસાનની ભરપાઈ કરી શકશે. આ સાથે રિપોર્ટમાં એવો પણ અંદાજ લગાવવામાં આવ્યો છે કે મહામારીના કારણે ભારતે છેલ્લા 3 વર્ષમાં લગભગ 50 લાખ કરોડ રૂપિયાનું આઉટપુટ ગુમાવ્યું છે. રિઝર્વ બેંકના રિપોર્ટ અનુસાર, ભારતની અર્થવ્યવસ્થા 2034-35 સુધીમાં જ મહામારી દરમિયાન થયેલા નુકસાનની ભરપાઈ કરી શકશે. રિપોર્ટ અનુસાર, અર્થતંત્રને 2020-21માં રૂ. 19.1 લાખ કરોડ, 2021-22માં રૂ. 17.1 લાખ કરોડ અને 2022-23માં રૂ. 16.4 લાખ કરોડનું આઉટપુટનું નુકસાન થવાનો અંદાજ છે અને આ નુકસાનને ભરપાઈ કરવામાં 10-12 વર્ષનો સમય લાગશે.
સ્થિર વૃદ્ધિ માટે જરૂરી સુધારા અને કિંમતોમાં સ્થિરતા જરૂરી
અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે દેશ માટે મધ્યમ ગાળામાં 6.5-8.5 ટકાનો ટકાઉ આર્થિક વિકાસ દર હાંસલ કરવા માટે માળખાકીય સુધારા અને ભાવ સ્થિરતા ખૂબ જ મહત્વપૂર્ણ છે. નાણાકીય વર્ષ 2021-22 માટે ચલણ અને નાણા પરના આરબીઆઈના અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે રાજકોષીય અને નાણાકીય નીતિ વચ્ચે સામયિક સંતુલન જાળવવું એ સ્થિર વૃદ્ધિ તરફનું પ્રથમ પગલું હોવું જોઈએ.
આ રિપોર્ટમાં અનેક માળખાકીય સુધારા સૂચવવામાં આવ્યા છે. આમાં દાવાઓ ઘટાડવા, શિક્ષણ અને આરોગ્ય પર જાહેર ખર્ચ વધારવા અને સ્કીલ ઈન્ડિયા મિશન દ્વારા શ્રમ ગુણવત્તા સુધારવા અને નવીનતા અને ટેકનોલોજી પર કેન્દ્રિત સંશોધન અને વિકાસ પ્રવૃત્તિઓ વધારવા માટેના સૂચનો સામેલ છે.
આ ઉપરાંત, રિપોર્ટમાં સ્ટાર્ટઅપ્સ અને યુનિકોર્ન માટે અનુકૂળ વાતાવરણ બનાવવા, અક્ષમતાને પ્રોત્સાહન આપતી સબસિડીને તર્કસંગત બનાવવા અને આવાસ અને ભૌતિક માળખામાં સુધારો કરીને શહેરી સમુદાયોને પ્રોત્સાહન આપવાનું પણ સૂચન કરવામાં આવ્યું છે.
રીક્વરીની ઝડપ ધીમી
અહેવાલ મુજબ, આર્થિક પ્રવૃત્તિઓ બે વર્ષ પછી પણ ખૂબ મુશ્કેલીથી જ પ્રી-કોવિડ સ્તરે પહોંચી છે. ભારતની આર્થિક રીકવરી મહામારીની લહેરો સિવાય ઊંડા માળખાકીય પડકારોનો પણ સામનો કરી રહી છે. આ દરમિયાન, રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને કારણે આર્થિક સુધારણાની ગતિ પણ ધીમી પડી છે. યુદ્ધના કારણે કોમોડિટીના ભાવમાં વધારો, વૈશ્વિક આર્થિક દૃષ્ટિકોણ નબળો પડવાથી અને વૈશ્વિક નાણાકીય સ્થિતિએ પણ મુશ્કેલીઓ ઊભી કરી છે.
આ પૃષ્ઠભૂમિમાં, ભારતનો મધ્યમ ગાળાનો વિકાસ દૃષ્ટિકોણ માળખાકીય અવરોધોને દૂર કરવા અને નવી વૃદ્ધિની તકોનો લાભ લેવા માટેના નીતિગત પગલાં પર ઘણો આધાર રાખે છે, તેમ અહેવાલમાં જણાવાયું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારત માટે મધ્યમ ગાળામાં 6.6-8.5 ટકાની સ્થિર વૃદ્ધિ જાળવી રાખવી યોગ્ય છે. આ માટે, સમયાંતરે નાણાકીય અને રાજકોષીય નીતિઓ વચ્ચે સંતુલન રાખવું પડશે. આ સિવાય કિંમતોમાં સ્થિરતા પણ એક મહત્વપૂર્ણ પાસું હશે.
આ પણ વાંચો : Wipro Q4 Results: ચોથા ક્વાર્ટરમાં વિપ્રોનો નફો 4% વધ્યો, રેવન્યુમાં પણ થયો વધારો