દેશમાં ઈ-ફાર્મસી અને મેડિકલ ડિવાઈસ માટે બનાવાશે નવા નિયમો, સરકાર કરી રહી છે બિલ લાવવાની તૈયારી
સરકાર ઈ-ફાર્મસી અને મેડિકલ ડિવાઈસના (pharmacy and medical devices) નિયમન માટે બિલ લાવવાની તૈયારી કરી રહી છે. સૂચિત વિધેયક હેઠળ, દવાઓ અને તબીબી ઉપકરણોના ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન ઇજાઓ અથવા મૃત્યુ માટે વળતરની ચુકવણી ન કરવા માટે દંડ સહિત જેલની જોગવાઈ પણ કરવામાં આવી છે.

સરકાર ઈ-ફાર્મસી (E Pharmacy) અને મેડિકલ ડિવાઈસના (Medical Devices) નિયમન માટે બિલ લાવવાની તૈયારી કરી રહી છે. સૂચિત વિધેયક હેઠળ (New Rules) , દવાઓ અને તબીબી ઉપકરણોના ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન ઇજાઓ અથવા મૃત્યુ માટે વળતરની ચુકવણી ન કરવા માટે દંડની સાથે જેલની જોગવાઈ પણ કરવામાં આવી છે. આ પહેલીવાર છે જ્યારે સરકાર દ્વારા આ પ્રકારના પ્રસ્તાવ પર વિચાર કરવામાં આવી રહ્યો છે. આ સાથે, નવી દવાઓ, તબીબી ઉપકરણો અને સૌંદર્ય પ્રસાધનો વિધેયક, 2022 ના મુસદ્દાનો હેતુ નવી દવાઓ અને તબીબી ઉપકરણોના ક્લિનિકલ ટ્રાયલ કરવા માટેના નિયમો રજૂ કરવાનો છે. તે હાલના 1940ના ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટનું સ્થાન લેશે.
ક્લિનિકલ ટ્રાયલમાં મૃત્યુના કિસ્સામાં વળતરની જોગવાઈ
હાલના નિયમો હેઠળ, નવી દવાઓ અને તબીબી ઉપકરણોના ક્લિનિકલ ટ્રાયલ અને તેમાં સહભાગિતાને કારણે ઈજા અથવા મૃત્યુ માટે વળતર, ટ્રાયલ સહભાગીઓનું સંચાલન અને નીતિશાસ્ત્ર સમિતિના નિયમન વગેરે માટે જોગવાઈ કરવામાં આવી છે. આ નવા ડ્રગ્સ અને ક્લિનિકલ ટ્રાયલ નિયમો, 2019 હેઠળ આવે છે. તબીબી ઉપકરણોને દવાઓની જેમ ગણવામાં આવે છે અને તેના માટે કોઈ અલગ વ્યાખ્યા આપવામાં આવી નથી.
જો કે, ડ્રાફ્ટ બિલમાં પ્રથમ વખત આયુષ દવાઓ માટે એક અલગ પ્રકરણ આપવામાં આવ્યું છે, જેમાં Sowa Rigpa અને હોમિયોપેથીને નિયંત્રિત કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. આયુર્વેદ, યુનાની અને સિદ્ધ દવાઓ અને સૌંદર્ય પ્રસાધનો હાલના કાયદા હેઠળ નિયંત્રિત થાય છે. નવા ડ્રાફ્ટ બિલને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઈટ પર મૂકવામાં આવ્યું છે. અહીં, નોટિસ જાહેર થયાના 45 દિવસની અંદર એટલે કે 8 જુલાઈ બાદ, સામાન્ય લોકો અને હિતધારકો પોતાના સૂચનો, પ્રતિસાદ અને વાંધાઓ જણાવી શકે છે.
સરકારે કમિટીની રચના કરી
મંત્રાલયે કહ્યું કે કેન્દ્ર સરકારના સૂચનોને ધ્યાનમાં રાખીને અને તેના પર વિચારણા કરતા એક વ્યાપક બિલની જરૂર છે. નવા ડ્રગ્સ, કોસ્મેટિક્સ અને મેડિકલ ડિવાઈસ બિલ તૈયાર કરવા માટે એક કમિટીની રચના કરવામાં આવી છે. મંત્રાલયે વધુમાં કહ્યું કે સમિતિની ભલામણો અનુસાર આરોગ્ય મંત્રાલયે ડ્રાફ્ટ ન્યુ ડ્રગ્સ, મેડિકલ ડિવાઇસીસ એન્ડ કોસ્મેટિક્સ બિલ, 2022 પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે, જેથી બદલાતા સમય, જરૂરિયાતો અને ટેકનોલોજી સાથે તાલ મિલાવી શકાય.
ડ્રાફ્ટ બિલમાં, ઘણી નવી વ્યાખ્યાઓ અથવા જોગવાઈઓ જેમ કે ક્લિનિકલ ટ્રાયલ્સ, નિયંત્રણ સત્તા, ઉત્પાદક, તબીબી ઉપકરણ, નવી દવાઓ, ઓવર ધ કાઉન્ટર (OTC) દવાઓ, ભેળસેળયુક્ત સૌંદર્ય પ્રસાધનો વગેરે ઉમેરવામાં આવ્યા છે, જેથી આ વસ્તુઓ વધુ સારી રીતે કામ કરે.