માર્ચ ક્વાર્ટરમાં ભારતમાં 321 ટન સોનું આયાત થયું, સસ્તા સોનાની માંગ વધતા આયાતમાં 471% નો ઉછાળો આવ્યો

દેશમાં સોના(Gold)ની માંગ ઝડપથી વધી રહી છે. આ વર્ષે માર્ચમાં સોનાની આયાતમાં 471% ની વૃદ્ધિ નોંધાઈ છે જે લગભગ 160 ટન જેટલું માનવામાં આવે છે.

  • Ankit Modi
  • Published On - 9:53 AM, 3 Apr 2021
માર્ચ ક્વાર્ટરમાં ભારતમાં 321 ટન સોનું આયાત થયું, સસ્તા સોનાની માંગ વધતા આયાતમાં 471% નો ઉછાળો આવ્યો
પ્રતીકાત્મક તસ્વીર

દેશમાં સોના(Gold)ની માંગ ઝડપથી વધી રહી છે. આ વર્ષે માર્ચમાં સોનાની આયાતમાં 471% ની વૃદ્ધિ નોંધાઈ છે જે લગભગ 160 ટન જેટલું માનવામાં આવે છે. ન્યુઝ વેબસાઇટ રોઈટર્સમાં પ્રકાશિત થયેલા એક અહેવાલમાં આ માહિતી સામે આવી છે. માંગમાં વધારા પાછળનું મુખ્ય કારણ રેકોર્ડ સ્તરે સોનાના ભાવમાં ઘટાડો અને ઈમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડો છે.

માર્ચ ક્વાર્ટરમાં ભારત 321 ટન સોનું આવ્યું
આ વર્ષે જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિક ગાળામાં દેશમાં કુલ 321 ટન સોનાની આયાત કરવામાં આવી હતી. જે ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં માત્ર 124 ટન હતી. ઓછા ભાવને કારણે લોકોએ ભારે રોકાણ કર્યું છે અને ખરીદી કરી છે. માર્ચ મહિનામાં આયાત વધીને 61.53 હજાર કરોડ રૂપિયા થઈ હતી જે એક વર્ષ અગાઉ 9 હજાર કરોડ રૂપિયાથી થોડી વધારે હતી.

કેમ આયાતમાં વધારો થયો ?
આયાત વધવાના બે ખાસ કારણો છે. એક – ફેબ્રુઆરીમાં સરકારે સોનાની ઈમ્પોર્ટ ડ્યુટી ઘટાડીને 10.75 ટકા કરી છે જે અગાઉના 12.5% હતી. આ સિવાય બીજું – સોનાના ભાવમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. ગયા વર્ષે ઓગસ્ટમાં ભાવ પ્રતિ 10 ગ્રામ 56,200 રૂપિયા પર પહોંચ્યો હતો. આ અત્યાર સુધીની સૌથી વધુ કિંમત હતી જે સામે માર્ચ 2021 માં સોનું એક વર્ષના નીચા સ્તરે પહોંચ્યું હતું જે રૂ 43,320 આસપાસ હતું.

કુલ આયાતમાં પણ વધારો થયો
સોનાની આયાતની સાથે દેશની કુલ આયાતમાં પણ વધારો નોંધવામાં આવ્યો છે. એક વર્ષ અગાઉની તુલનામાં માર્ચમાં 53% વધીને 48 અબજ ડોલર (રૂ. 3,518 અબજ કરતા વધારે) થઈ છે. માર્ચ મહિનામાં દેશની કુલ નિકાસમાં 58% નો વધારો નોંધાયો છે, જે આજ સુધીનો સૌથી મોટો માસિક વધારો છે. દેશની વેપાર ખાધ માર્ચમાં વધીને 14 અબજ ડોલર (1026 અબજ રૂપિયા) છે જે ગયા વર્ષના સમાન મહિનામાં આશરે 10 અબજ ડોલર (733 અબજ રૂપિયા) હતી.