Gold Silver Rate : રેકોર્ડ પર રેકોર્ડ ! સોનાના ભાવ વધતાં જવેલર્સ શોરૂમ ખાલી જ ખાલી, દિવાળી-લગ્ન સીઝનમાં મધ્યમ વર્ગની આંખોમાં આંસુ

મંગળવાર, 7 ઓક્ટોબરના રોજ બુલિયન બજારમાં સોનાના ભાવે એક નવો રેકોર્ડ બનાવ્યો. બીજીબાજુ અમદાવાદમાં જવેલર્સ શોરૂમમાં ગ્રાહકોની રોનક ઓછી જોવા મળી રહી છે.

Gold Silver Rate : રેકોર્ડ પર રેકોર્ડ ! સોનાના ભાવ વધતાં જવેલર્સ શોરૂમ ખાલી જ ખાલી, દિવાળી-લગ્ન સીઝનમાં મધ્યમ વર્ગની આંખોમાં આંસુ
| Updated on: Oct 07, 2025 | 9:08 PM

સોનાના ભાવ આસમાને પહોંચતા જ અમદાવાદમાં જવેલર્સ શોરૂમમાં ગ્રાહકોની રોનક ઓછી જોવા મળી રહી છે. ભાવવધારાની સીધી અસર સોના-ચાંદીની ખરીદી પર પડી રહી છે. સામાન્ય રીતે તહેવારના સમયગાળામાં થતું એડવાન્સ બુકિંગ આ વર્ષે ઘટ્યું છે.

ખરીદદારોની રોનક ઘટી

દિવાળીના તહેવારો પહેલા જ સોનાના ભાવ સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયા છે. હાલમાં 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ રૂ. 1,20,000 ને પાર પહોંચી ગયો છે. લગ્નગાળાની સિઝન હવે ગણતરીના દિવસોમાં શરૂ થવાની છે પરંતુ એ પહેલા જ સોનાના વધતા ભાવને કારણે સામાન્ય લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. સતત વધી રહેલા ભાવને કારણે સોનાની ખરીદી સામાન્ય લોકો માટે મુશ્કેલ બની રહી છે, જ્યારે જવેલર્સ માર્કેટમાં પણ ખરીદદારોની રોનક ઘટી રહી છે.

છેલ્લા બે વર્ષમાં સોનામાં અંદાજે 124 ટકા અને ચાંદીમાં 138 ટકાનો વધારો નોંધાયો છે. સોના-ચાંદીના સતત વધી રહેલા ભાવને લઈને સોનાના વેપારીઓનું કહેવું છે કે, હવે ધીમે ધીમે બંને ધાતુની ડિમાન્ડ ઘટી રહી છે. વેપારીઓનું માનવું છે કે, ભાવ કેટલા સુધી જશે અને ક્યાં સ્થિર થશે તે અંગે અંદાજ લગાવવો હાલ મુશ્કેલ બની રહ્યો છે.

ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો

મંગળવાર, 7 ઓક્ટોબરના રોજ, બુલિયન બજારમાં સોનાનો ભાવ 700 રૂપિયાના ઉછાળા સાથે નવા રેકોર્ડ સ્તરે પહોંચ્યો છે. 10 ગ્રામ સોનાનો ભાવ હવે 1,24,000 રૂપિયા પર પહોંચી ગયો છે. ઓલ ઈન્ડિયા બુલિયન એસોસિએશન અનુસાર, 6 ઓક્ટોબર, સોમવારના રોજ 99.9% શુદ્ધ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 1,23,300 રૂપિયા હતો અને મંગળવારે તે વધીને 1,24,000 રૂપિયા થયો. જો કે, ચાંદીમાં આજે ઘટાડો જોવા મળ્યો છે. સોમવારે ચાંદીના ભાવ ઘટીને ₹1,57,400 પ્રતિ કિલોગ્રામ પર બંધ થયા, જે મંગળવારે ₹3,400 ઘટીને ₹1,54,000 પ્રતિ કિલોગ્રામ પર બંધ થયા હતા.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.