દિલ્હીમાં સોના અને ચાંદીના ભાવમાં સતત બીજા દિવસે ઘટાડો નોંધાયો છે. અમેરિકાની ચૂંટણીમાં જીત મેળવનાર ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે 20 જાન્યુઆરીએ શપથ લીધા બાદ તેઓ કેનેડા, મેક્સિકો અને ચીનથી આવતા સામાન પર આયાત ડ્યૂટી વધારશે. જેના કારણે ડોલર ઇન્ડેક્સમાં વધારો જોવા મળ્યો છે. નિષ્ણાતોનું માનીએ તો આગામી દિવસોમાં સોનાના ભાવમાં વધુ ઘટાડો જોવા મળી શકે છે.
સોનાના ભાવમાં સતત બીજા દિવસે જોરદાર ઘટાડો નોંધાયો હતો અને મંગળવારે દિલ્હીમાં સોનાની કિંમત 1,250 રૂપિયા ઘટીને 78,150 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ હતી. ઓલ ઈન્ડિયા બુલિયન એસોસિએશનના જણાવ્યા અનુસાર, સોમવારે સોનું રૂ. 1,000 ઘટીને રૂ. 79,400 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. મતલબ કે બે દિવસમાં સોનાની કિંમતમાં રૂ. 2,250નો ઘટાડો જોવા મળ્યો છે.
ચાંદીનો ભાવ પણ મંગળવારે રૂ. 1,100 ઘટીને રૂ. 90,600 પ્રતિ કિલો પર આવી ગયો હતો. છેલ્લા સત્રમાં તે રૂ.1,600 ઘટીને રૂ. 91,700 પ્રતિ કિલોએ બંધ રહ્યો હતો. મતલબ કે બે દિવસમાં ચાંદી રૂ.2,700 સસ્તી થઈ ગઈ છે. અમદાવાદની વાત કરીએ તો, આજે એટલે કે 26 નવેમ્બરે સોનામાં 1310 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો. તો ચાંદી પણ રૂપિયા 2000 સસ્તી થઈ છે.
નિષ્ણાતો કહે છે કે અમેરિકાની ચૂંટણી જીત્યા બાદ ચીન, મેક્સિકો અને કેનેડામાંથી આયાત પર વધારાની ટેરિફ લાદવાની ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીએ રોકાણકારોને અમેરિકન ચલણ તરફ આકર્ષ્યા, જ્યારે મધ્ય પૂર્વમાં ભૌગોલિક રાજકીય સ્થિતિ હળવી થવાથી સોનાના ભાવમાં ઘટાડો થયો છે.