Forex Reserves: વિદેશી મુદ્રા ભંડાર 9.42 અબજ ડોલર વધીને 620.57 અબજ ડોલરના રેકોર્ડ સ્તરે પહોંચ્યું, જાણો દેશના ખજાનામાં કેટલું છે સોનું?
સોનાનો ભંડાર 76 કરોડ ડોલર વધીને 37.644 અબજ ડોલર થયો છે. આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ સાથે સ્પેશિયલ ડ્રોઇંગ રાઇટ્સ (SDR) 6 મિલિયન ડોલર વધીને 1.552 અબજ ડોલર થયું છે.
30 જુલાઈ 2021 ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં દેશનું વિદેશી મુદ્રા ભંડાર 9.427 અબજ ડોલર વધીને 620.576 અબજ ડોલર થયું છે. ભારતીય રિઝર્વ બેન્કે તેના લેટેસ્ટ ડેટામાં આ માહિતી આપી છે. આ અગાઉ 23 જુલાઈ 2021 ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડાર 1.581 અબજ ડોલર ઘટીને 611.149 અબજ ડોલર થઈ ગયો હતો.
રિઝર્વ બેંકના સાપ્તાહિક ડેટા અનુસાર 30 જુલાઈએ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડારમાં વધારો વિદેશી ચલણ અસ્કયામતો (FCA) માં વધારો થવાને કારણે થયો હતોજે એકંદર અનામતનો મુખ્ય ઘટક છે. આ સમયગાળા દરમિયાન FCA 8.596 અબજ ડોલર વધીને 576.224 અબજ ડોલર થયું. વિદેશી ચલણ અસ્કયામતો જે ડોલરમાં વ્યક્ત કરવામાં આવે છે પણ તેમાં વિદેશી મુદ્રા ભંડારમાં રાખવામાં આવેલ યુરો, પાઉન્ડ અને એન જેવી અન્ય વિદેશી કરન્સીના મૂલ્યમાં વધારો અથવા ઘટાડોની અસરનો પણ સમાવેશ થાય છે.
સોનાના ભંડારમાં 76 કરોડ ડોલરનો ઉછાળો સોનાનો ભંડાર 76 કરોડ ડોલર વધીને 37.644 અબજ ડોલર થયો છે. આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ સાથે સ્પેશિયલ ડ્રોઇંગ રાઇટ્સ (SDR) 6 મિલિયન ડોલર વધીને 1.552 અબજ ડોલર થયું છે. રિઝર્વ બેંકે કહ્યું હતું કે સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન IMF પાસે ભારતનું વિદેશી મુદ્રા ભંડાર પણ 65 મિલિયન ડોલર વધીને 5.156 ડોલર અબજ થયું છે.
આ સપ્તાહે ડોલર સામે રૂપિયો મજબૂત રહ્યો આ વર્ષની ચોથી મોનિટરી પોલિસી ગુરુવારે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવી હતી. સતત સાતમી વખત આરબીઆઈએ રેપો રેટ 4 ટકા અને રિવર્સ રેપો રેટ 3.35 ટકા જાળવી રાખ્યો છે. રિઝર્વ બેંકે ચાલુ નાણાકીય વર્ષ માટે મોંઘવારીનો લક્ષ્યાંક વધારીને 5.7 ટકા કર્યો છે. આ સપ્તાહે સતત પાંચ દિવસ ડોલર સામે રૂપિયો વધ્યો હતો જ્યારે સોનામાં ઘટાડો થયો હતો.સપ્તાહના અંતે ડોલર સામે રૂપિયાનો બંધ ભાવ 74.15 હતો.
આ પણ વાંચો : BOB Q1 Results: દેશની બીજી સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંકે 1208 કરોડનો નફો નોંધાવ્યો, સરકાર પાસે બેંકનો 64% હિસ્સો છે