રોકડની તંગીનો સામનો કરી રહેલા બાંધકામ ક્ષેત્ર માટે સરકારે બનાવ્યો નવો નિયમ, કોન્ટ્રાક્ટરોને થશે ફાયદો
નાણા મંત્રાલયના ખર્ચ વિભાગે 29 ઓક્ટોબરના રોજ જાહેર કરેલા આદેશમાં જણાવ્યું છે કે જો આર્બિટ્રેશન પેનલના આદેશને પડકારવામાં આવે તો, ચુકવણી માટે માંગવામાં આવેલી કુલ રકમના 75% રકમની ચુકવણી સંબંધિત મંત્રાલય અથવા વિભાગ તે કોન્ટ્રાક્ટરને બેન્ક ગેરંટી લઈને કરશે.
રોકડની તંગીનો સામનો કરી રહેલા બાંધકામ ક્ષેત્ર (Construction Sector) માટે સરકારે કોન્ટ્રાક્ટરોને વિવાદના કિસ્સામાં બેંક ગેરંટી (Bank Guarantee) લઈને 75 ટકા રકમની ચુકવણીની મંજૂરી આપતા નિયમો બનાવ્યા છે. નવેમ્બર 2019 માં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ (CCEA) એ સરકારી વિભાગોને કહ્યું હતું કે તેઓ કોન્ટ્રાક્ટરને આર્બિટ્રેશન પેનલ તરફથી કોન્ટ્રાક્ટરને આપવા માટે જાહેર કરાયેલા આદેશની 75 ટકા રકમ ચૂકવી શકે છે. આ જોગવાઈ આર્બિટ્રેશન પેનલના આદેશને પડકારવાના કિસ્સામાં લાગુ થવાની હતી.
નાણા મંત્રાલયના ખર્ચ વિભાગે 29 ઓક્ટોબરના રોજ જાહેર કરેલા આદેશમાં જણાવ્યું છે કે જો આર્બિટ્રેશન પેનલના આદેશને પડકારવામાં આવે તો, ચુકવણી માટે માંગવામાં આવેલી કુલ રકમના 75% રકમની ચુકવણી સંબંધિત મંત્રાલય અથવા વિભાગ તે કોન્ટ્રાક્ટરને બેન્ક ગેરંટી લઈને કરશે. આમાં આર્બિટ્રેશનના નિર્ણય આવવાની તારીખ સુધી બાકી રહેલી રકમ પરના વ્યાજનો પણ સમાવેશ થઈ શકે છે.
બેંક ગેરંટી માત્ર 75% રકમ માટે જ આપવાની રહેશે.
આ માટે ખર્ચ વિભાગે જનરલ ફાઇનાન્શિયલ રૂલ્સ (GFR)માં નવો નિયમ 227A પણ ઉમેર્યો છે. આ મુજબ, કોન્ટ્રાક્ટરે માત્ર 75 ટકા રકમ માટે બેંક ગેરંટી આપવાની રહેશે અને ચૂકવવાપાત્ર વ્યાજ પર નહીં.
આ ચુકવણી એક નિશ્ચિત એસ્ક્રો એકાઉન્ટમાં કરવામાં આવશે. જેમા એક જવાબદારી એ હશે કે તેમાં જમા કરવામાં આવેલી રકમનો ઉપયોગ પહેલા બાકી લોન ચૂકવવા માટે કરવામાં આવશે. બાકીની રકમનો ઉપયોગ સંબંધિત પ્રોજેક્ટને પૂર્ણ કરવા અને પછી તે જ મંત્રાલય અથવા વિભાગના અન્ય પ્રોજેક્ટ માટે કરવામાં આવશે.
આ આદેશ અનુસાર, આ પછી પણ જો એસ્ક્રો એકાઉન્ટમાં થોડી રકમ બાકી રહે છે, તો કોન્ટ્રાક્ટર તેની બેંક અને મંત્રાલયની પૂર્વ પરવાનગી સાથે તેનો ઉપયોગ કરી શકે છે. આ મુજબ કોન્ટ્રાક્ટરની રોકવામાં આવેલી કોઈપણ રકમ બેંક ગેરંટી લઈને મુક્ત કરી શકાય છે.