Commodity Market Today : સામાન્ય માણસને મોટી રાહત આપતા સરકારે ગુરુવારથી રિફાઈન્ડ સોયાબીન અને સનફ્લાવર ઓઈલ પરની ઈમ્પોર્ટ ડ્યૂટી(Import Duty)માં ઘટાડો કર્યો છે. આનાથી આગામી દિવસોમાં સ્થાનિક બજારમાં તેલનો પુરવઠો વધારવામાં મદદ મળશે જેના કારણે ખાદ્યતેલના ભાવ ઘટી શકે છે. તાજેતરમાં સરકારે સૂર્યમુખી અને સોયાબીન તેલ પરની ઈમ્પોર્ટ ડ્યુટી 17.5 ટકાથી ઘટાડીને 12.5 ટકા કરવાનો નિર્ણય લીધો છે. નાણા મંત્રાલયે આ અંગે એક પરિપત્ર જાહેર કરી દીધો છે. સામાન્ય રીતે ભારતમાં ‘ક્રૂડ’ સોયાબીન અને સૂર્યમુખી તેલની આયાત કરવામાં આવે છે ત્યારબાદ તેને સ્થાનિક સ્તરે શુદ્ધ કરવામાં આવે છે. આ પ્રક્રિયા છતાં સરકારે રિફાઇન્ડ સોયાબીન અને સૂર્યમુખી તેલ પરની આયાત ડ્યુટીમાં ઘટાડો કર્યો છે.
ઈમ્પોર્ટ ડ્યુટીમાં આ ઘટાડાની સાથે હવે રિફાઈન્ડ ખાદ્ય તેલ પરની આયાત ડ્યૂટી ઘટીને 13.7 ટકા થઈ ગઈ છે. આમાં સામાજિક કલ્યાણ માટે વસૂલવામાં આવતા ઉપકર (સેસ)નો પણ સમાવેશ થાય છે. તે જ સમયે, તમામ પ્રકારના કાચા ખાદ્ય તેલ પર અસરકારક આયાત જકાત 5.5 ટકા રહેશે.
સરકારના આ પગલા પર સોલ્વન્ટ એક્સ્ટ્રેક્ટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બી. વી. મહેતાએ જણાવ્યું હતું કે આનાથી બજારના સેન્ટિમેન્ટ પર કામચલાઉ અસર પડશે, પરંતુ આખરે તે વિદેશમાંથી રિફાઇન્ડ તેલની આયાતને પ્રોત્સાહન આપશે, જેનાથી સ્થાનિક ઉત્પાદકોને નુકસાન થશે.
પતંજલિ હવે પામ તેલનું ઉત્પાદન પોતે કરશે. બાબા રામદેવે પોતે આની જાહેરાત કરી છે. ગુરુવારે મીડિયાને સંબોધતા તેમણે કહ્યું છે કે પતંજલિ હવે ખુદ પામ ઓઈલનું ઉત્પાદન કરશે. તેની ખેતી માટે ખેડૂતોને પતંજલિ સાથે જોડવામાં આવશે. બાબા રામદેવની વાત માનીએ તો અત્યાર સુધીમાં પામ ઓઈલની ખેતી કરતા 40 હજાર ખેડૂતો પતંજલિ સાથે જોડાયા છે. આવનારા સમયમાં તેમની સંખ્યા વધારીને 5 લાખ કરવાની છે. આવી સ્થિતિમાં પતંજલિમાં પામ ઓઈલનું ઉત્પાદન શરૂ કરવાથી 5 લાખ ખેડૂતોને સીધી રોજગારી મળશે.
આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, જેના કારણે ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ 70 ડોલરની આસપાસ ટ્રેડ થઈ રહી છે. WTI ક્રૂડ ઓઇલ 0.21 ટકા ઘટીને બેરલ દીઠ $70.47 પર ટ્રેડ કરી રહ્યું છે. તે જ સમયે, બ્રેન્ટ ક્રૂડ ઓઈલ 0.07 ટકા ઘટીને 75.48 ડોલર પ્રતિ બેરલ થઈ ગયું છે.