50 લાખથી વધુ કર્મચારીઓની નજર ! 01 જાન્યુઆરી, 2026 પછી કોના પગારમાં વધારો થશે ? જુનિયર એમ્પ્લોયીઝ કે સિનિયર ઓફિસર?
8 મા પગાર પંચની ભલામણ 1 જાન્યુઆરી, 2026 થી અમલમાં મુકાઈ શકે છે પરંતુ કેન્દ્ર સરકારે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી. એવામાં દેશભરના 50 લાખથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો હાલમાં 8 મા પગાર પંચ પર નજર રાખી રહ્યા છે.

દેશભરના 50 લાખથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો હાલમાં 8 મા પગાર પંચ પર નજર રાખી રહ્યા છે. આવી સ્થિતિમાં, નવું વર્ષ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે નોંધપાત્ર રાહત લાવી શકે છે. 8 મા પગાર પંચની ભલામણ 01 જાન્યુઆરી, 2026 થી અમલમાં આવશે, તેવી શક્યતા છે.
કોણ ફાયદામાં રહેશે?
સરકારે 8 મા કેન્દ્રીય પગાર પંચ (CPC) ના સભ્યોની નિમણૂક કરી દીધી છે પરંતુ તેના અમલીકરણની તારીખ હજુ સુધી નક્કી કરવામાં આવી નથી. જો વધેલા પગાર પાછળથી ચૂકવવામાં આવે તો પણ બાકી પગારની ગણતરી તે તારીખથી શરૂ થશે.
આથી, સૌથી મોટો પ્રશ્ન એ છે કે, શું જુનિયર કર્મચારીઓને સૌથી વધુ ફાયદો થશે કે પછી સિનિયર અધિકારીઓને તેમના પગારમાં સૌથી મોટો વધારો જોવા મળશે?
‘નવી સિસ્ટમ’ ક્યારે શરૂ થઈ શકે છે?
વર્તમાન 7 મા પગારપંચની મુદત 31 ડિસેમ્બર, 2025 ના રોજ સમાપ્ત થઈ રહી છે. સરકારે 8 મા પગાર પંચની રચનાની જાહેરાત કરી દીધી છે અને તેને લઈને કાર્યકાળની શરતો પણ નક્કી થઈ ગઈ છે.
સામાન્ય રીતે, પગાર પંચની ભલામણ 10 વર્ષમાં લાગુ કરવામાં આવે છે, તેથી નવી સિસ્ટમ 1 જાન્યુઆરી, 2026 થી લાગુ કરવાનું વિચારી શકાય છે.
જો કે, કમિશનની ભલામણ લાગુ થયા પછી જ કર્મચારીઓને વધેલો પગાર હાથમાં મળશે. બીજું કે, બાકીના સમયગાળા માટે તેમને બાકી રહેલો પગાર પણ મળશે. નિષ્ણાતો માને છે કે, બાકી રકમના મુદ્દાની અડચણને જોતાં સરકાર આ વખતે પગાર સુધારણાની જાહેરાત વહેલા કરી શકે છે.
‘નવી બેઝિક સેલેરી’ કેવી રીતે નક્કી થશે?
8 મા પગાર પંચમાં પગાર વધારાનો આધાર ‘ફિટમેન્ટ ફેક્ટર’ હશે. આ તે ગુણાંક (મલ્ટિપ્લાયર) છે, જેના દ્વારા વર્તમાન બેઝિક પગારને ગુણાકાર કરીને નવી બેઝિક સેલેરી નક્કી કરવામાં આવે છે. 7 મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 હતો.
આ વર્ષના ફિટમેન્ટ ફેક્ટર અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી પરંતુ એવો અંદાજ છે કે, 8 મા પગાર પંચમાં તે 1.92 અથવા 2.15 જેટલો હોઈ શકે છે.
કોને સૌથી વધુ ફાયદો થશે?
કેન્દ્ર સરકારના કર્મચારીઓને 18 લેવલમાં વહેંચવામાં આવ્યા છે.
- લેવલ 1 માં એન્ટ્રી લેવલ/ગ્રુપ D કર્મચારીઓ
- લેવલ 2 થી 9 માં ગ્રુપ C ના કર્મચારીઓ
- લેવલ 10 થી 12: ગ્રુપ B અધિકારીઓ
- લેવલ 13 થી 18: ગ્રુપ A ઓફિસર
| Level | Current Basic Pay (₹) | 1.92 Factor (₹) | Increase (₹) | 2.15 Factor (₹) | Increase (₹) |
| લેવલ 01 | 18,000 | 34,560 | 16,560 | 38,700 | 20,700 |
| લેવલ 05 | 29,200 | 56,064 | 26,864 | 62,780 | 33,580 |
| લેવલ 10 | 56,100 | 1,07,712 | 51,612 | 1,20,615 | 64,515 |
| લેવલ 15 | 1,82,200 | 3,49,824 | 1,67,624 | 3,91,730 | 2,09,530 |
| લેવલ 18 | 2,50,000 | 4,80,000 | 2,30,000 | 5,37,500 | 2,87,500 |
