જામનગર મહિલા સહકારી બેંકના જનરલ મેનેજર તરીકે સૌપ્રથમ વખત મહિલા અધિકારીની નિમણૂંક
જામનગર મહિલા સહકારી બેન્કની જનરલ મેનેજર તરીકે સક્રિય બેંકિંગ વ્યવહારના અનુભવી અને જાણીતા નિષ્ણાંત એવા વિશાખાબેન વસાવડાની નિમણુંક કરવામાં આવી છે.
JAMNAGAR : મહિલાઓને પગભર કરવા તેમજ ઉદ્યોગ સાહસિક મહિલાઓને પ્રેરકબળ પુરૂ પાડવાના હેતુથી 1994થી કાર્યરત જામનગર મહિલા સહકારી બેન્કની જનરલ મેનેજર તરીકે સક્રિય બેંકિંગ વ્યવહારના અનુભવી અને જાણીતા નિષ્ણાંત એવા વિશાખાબેન વસાવડાની નિમણુંક કરવામાં આવી છે.
મહિલાઓની મુશકેલી જોઈને તેમને મદદરૂપ થવાના નેમથી ઉર્વીબેન મહેતાએ બેન્કને કાર્યરત કરી હતી. જામનગર મહિલા સહકારી બેંકની ત્રણ શાખાઓ કાર્યરત છે. જેમાં 99 ટકા મહિલા કર્મચારીઓને સ્થાન આપવામાં આવ્યું છે. સહકારી બેન્કમાં જનરલ મેનેજર તરીકે મહિલાની નિમણુક થતા બેંકના ચેરમેન શેતલબેન શેઠે ખુશી વ્યકત કરી સાથે નવા જનરલ મેનેજરને શુભેચ્છા આપતા જણાવ્યું કે આગામી સમયમાં બેંક વધુને વધુ પ્રગતિ કરી નવી ઉડાન ભરીને ઉચાઈ પર જશે, તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
જામનગર જિલ્લામાં જામનગર મહિલા સહકારી બેંક જ એવી બેન્ક છે જેના જનરલ મેનેજરપદે એક મહિલા નિયુક્ત થયા હોય. જામનગર મહિલા સહકારી બેંક ના જનરલ મેનેજર તરીકે આ અનોખી સિદ્ધિ પણ બેંકના કર્મચારીઓ તથા અન્ય મહિલાઓ માટે પ્રેરણારૂપ બની રહેશે.
જામનગર મહિલા બેંકે નોંધપાત્ર નફો નોંધાવવાની પ્રગતિ સાથે ૨૦૨૧-૨૨ નો અર્ધ વાર્ષિક નફો રૂ. 15 લાખ. પ્રાપ્ત કર્યો છે.જામનગર મહિલા સહકારી બેંક સહકારી ક્ષેત્રમાં મહિલાઓના યોગદાન સંદર્ભમાં પ્રેરણાદાયી ઉદાહરણ બની રહી છે. સંપૂર્ણપણે મહિલાઓ દ્વારા સંચાલિત આ બેંક છેલ્લા બે વર્ષ થી નફો કરી અવિરત પ્રગતિ કરી રહી છે. નાણાકીય વર્ષ 2021-22 ના 30 સપ્ટેમ્બર, 2021 ના અર્ધ વાર્ષિક પરિણામોમાં બેન્કે રૂ.15 લાખ નો નફો કર્યો છે. સાથે નેટ NPA ઝીરો કરેલ છે.
A વર્ગની આ બેંક જામનગર શહેરમાં સહકારી યોજનાઓનો મહત્તમ લાભ વધુને વધુ મહિલાઓને મળે તે દિશામાં સતત કાર્યરત છે.સમગ્ર દેશમાં જ્યારે મહિલાઓને સ્વાવલંબી બનાવી સમ્માનપૂર્વક જીવન નિર્વાહ માટે પ્રયાસો થઇ રહ્યા છે. ત્યારે મહિલા સશક્તિકરણના આ અભિયાનમાં જામનગર શહેરમાં મહિલા સહકારી બેંક હમેશા અગ્રેસર રહી છે.
મહિલા બેંકના કર્મચારીઓ, અધિકારીઓના ખાતેદારો પ્રત્યેના વિનમ્ર માર્ગદર્શન અને હકારાત્મક વલણ બેંકના ચેરમેન, મેનેજિંગ ડાયરેકટર સહિત સમગ્ર બોર્ડના સભ્યો ની દીર્ઘદૃષ્ટિ સાથેનો સુચારુ અભિગમ અને બેંકની પ્રગતિ માટેની કાળજી ન કારણે બેંકના ખાતેદારો માં એક અલગ વિશ્વસનીયતા અને પ્રતિષ્ઠા પર્યાપ્ત થયા છે.
આ પણ વાંચો : GANDHINAGAR : આવતીકાલે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરી, 5 જગ્યાએ થશે ગણતરી