Hamas-Israel Conflict: ભારત અને ઈઝરાયેલ વચ્ચે રૂ. 6 લાખ કરોડનો બિઝનેસ, ગૌતમ અદાણીએ પણ કર્યું છે રોકાણ
ઈઝરાયેલમાં મોટી સંખ્યામાં ભારતીય નાગરિકો રહે છે. બંને દેશોનો વેપાર પણ વિસ્તરી રહ્યો છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં ઈઝરાયેલના રાજદૂતે માહિતી આપી હતી કે ભારત અને ઈઝરાયેલ વચ્ચેનો વેપાર સતત વધી રહ્યો છે. બંને દેશો વચ્ચેનો વેપાર પહેલા 5 બિલિયન ડૉલરનો હતો જે હવે વધીને 7.5 બિલિયન ડૉલર એટલે કે 6 લાખ કરોડ રૂપિયાથી વધુ થઈ ગયો છે.
ઇઝરાયેલ હમાસ વચ્ચે યુદ્ધની સ્થિતી છે, ઇઝરાયેલ દ્વારા હમાસ પર બોમ્બમારો ચાલુ છે. ઇઝરાયલી સેનાના એક અધિકારીના જણાવ્યા અનુસાર ગાઝા અને દક્ષિણ ઇઝરાયેલમાં હમાસ સાથે ચાલી રહેલા યુદ્ધમાં સેંકડો આતંકવાદીઓ માર્યા ગયા છે તથા ઘણા લોકોને બંધક બનાવવામાં આવ્યા છે.ઇઝરાયેલ દક્ષિણ ભાગમાં આતંકવાદીઓ સામે લડી રહ્યું છે અને તેણે હવાઈ હુમલામાં ગાઝામાં ઘણી ઇમારતોને નષ્ટ કરી દીધી છે.
આ હુમલાને યુદ્ધ ગણાવીને ઈઝરાયેલે હમાસને ચેતવણી આપી છે કે તેણે આ હુમલાની કિંમત ચૂકવવી પડશે. યુદ્ધને કારણે ભારત સરકારે તેના નાગરિકો માટે એડવાઈઝરી બહાર પાડી છે. દરમિયાન, એર ઈન્ડિયાએ ઈઝરાયેલ માટેની તમામ ફ્લાઈટ્સ કેન્સલ કરી દીધી છે.વાસ્તવમાં, ભારત-ઈઝરાયેલનો બિઝનેસ ઘણો વ્યાપક છે. દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ પણ ઈઝરાયેલમાં જંગી રોકાણ કર્યું છે.
ભારત-ઈઝરાયેલ વચ્ચે રૂ. 6 લાખ કરોડનો બિઝનેસ
ઇઝરાયેલમાં મોટી સંખ્યામાં ભારતીય નાગરિકો રહે છે. બંને દેશોનો વેપાર પણ વિસ્તરી રહ્યો છે. બંને દેશો વચ્ચેનો વેપાર પહેલા 5 બિલિયન ડૉલરનો હતો જે હવે વધીને 7.5 બિલિયન ડૉલર એટલે કે 6 લાખ કરોડ રૂપિયાથી વધુ થઈ ગયો છે. પોર્ટ અને શિપિંગ સહિત અનેક ક્ષેત્રોમાં ભારત અને ઈઝરાયેલનો વ્યાપાર ઘણી રીતે મહત્વપૂર્ણ છે.
ગૌતમ અદાણીએ પણ ઈઝરાયેલમાં રોકાણ કર્યું છે
ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ પણ ઈઝરાયેલમાં ઘણું ઈનવેસ્ટમેન્ટ કર્યું છે. ઈઝરાયેલમાં વેપાર માટે ગયા વર્ષે ગૌત અદાણીની કંપની અદાણી પોર્ટ્સે ટેન્ડર જીત્યું હતું. આ કોન્ટ્રાક્ટ 1.8 બિલિયન ડોલરનો હતો. આ કરારમાં અદાણીની કંપની અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન અને ઈઝરાયેલની કંપની ગેડોટ ગ્રુપ વચ્ચે કરાર કરવામાં આવ્યો હતા. આ બંને કંપનીઓએ મળીને હાઈફા પોર્ટના ખાનગીકરણ માટે ટેન્ડર જીતી લીધું હતું. આ કન્સોર્ટિયમમાં ગૌતમ અદાણીની કંપનીનો હિસ્સો 70 ટકા જેટલો હોવાનું કહેવાય છે. વાસ્તવમાં આ બંદરને શિપિંગ કન્ટેનરમાં ઈઝરાયેલનું સૌથી મોટું બંદર માનવામાં આવે છે. હવે યુદ્ધ જેવી સ્થિતિમાં કંપની આ અંગે શું કહે છે તે જોવાનું રહેશે.
હીરાના ઉદ્યોગને થશે અસર
ભારત અને ઈઝરાયેલ વચ્ચે બંદરો અને શિપિંગ ઉપરાંત હીરાનો બિઝનેસ પણ થાય છે. ભારત અને ઈઝરાયેલના કુલ કારોબારમાં ડાયમંડ બિઝનેસનો મોટો હિસ્સો છે. બીબીસીના એક રિપોર્ટ અનુસાર, 1990 સુધી બંને દેશો વચ્ચે દર વર્ષે 200 મિલિયન ડોલરનો વેપાર થતો હતો. જે હવે અબજો ડોલર સુધી પહોંચી ગયો છે. આમાં હીરાના દ્વિપક્ષીય વેપારનો હિસ્સો 50 ટકાની નજીક છે.