Budget 2022: ટેલિકોમ સેક્ટર માટે સરકાર બજેટમાં કરી શકે છે આ મોટી અને મહત્વની જાહેરાત, વાંચો વિગતવાર
ભારતનેટ પ્રોજેક્ટ હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં બ્રોડબેન્ડ ઈન્ટરનેટની પહોંચ વધારવા માટે બજેટ 2022-23માં જાહેરાત કરવામાં આવી શકે છે જેથી ગ્રામજનોને સારી ઈન્ટરનેટ સુવિધા પૂરી પાડી શકાય.
દેશનું બજેટ 1 ફેબ્રુઆરી, મંગળવારે રજૂ કરવામાં આવશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) સંસદમાં નાણાકીય વર્ષ 2022-23નું બજેટ (Budget) રજૂ કરશે. સરકારના આ બજેટ પાસેથી દેશને ઘણી અપેક્ષાઓ છે. કોરોનાવાયરસ રોગચાળા સામે લડી રહેલા દેશના લોકો સરકાર પાસેથી ઘણી બધી અપેક્ષાઓ રાખી રહ્યા છે. બાકીના ઉદ્યોગોની જેમ દેશનો એક મોટો વર્ગ પણ ટેલિકોમ ઉદ્યોગ સાથે જોડાયેલો છે. ટેલિકોમ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા બિઝનેસમેન આ બજેટથી અપેક્ષા રાખી રહ્યા છે કે સરકાર તેમને ટેક્સમાં છૂટ આપશે, જ્યારે દેશની સામાન્ય જનતા ઈચ્છે છે કે તેમને સારી અને સસ્તી સેવાઓ મળી શકે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં દેશની મોટી ટેલિકોમ કંપનીઓ- રિલાયન્સ જિયો, ભારતી એરટેલ અને વી ઈન્ડિયાએ તેમની સેવાઓની કિંમતોમાં વધારો કર્યો છે.
ટેલિકોમ સેક્ટર માટે થઈ શકે છે મોટી અને મહત્વપૂર્ણ જાહેરાતો
એક મીડિયા રીપોર્ટ મુજબ, કેન્દ્ર સરકાર આ બજેટમાં ટેલિકોમ સેક્ટર માટે કેટલીક મોટી અને મહત્વપૂર્ણ જાહેરાતો કરી શકે છે. રિપોર્ટ અનુસાર, બજેટ 2022-23માં ટેલિકોમ સેક્ટરની (Telecom Industry) ફાળવણી વધારી શકાય છે. આ સાથે જણાવવામાં આવી રહ્યું છે કે, આ બજેટમાં સરકારનું ખાસ ફોકસ SATCOM પર રહેશે જેથી કરીને દેશના અંતરિયાળ વિસ્તારોમાં કનેક્ટિવિટી વધારી શકાય અને ત્યાં રહેતા લોકોને સારી ટેલિકોમ સુવિધાઓ પૂરી પાડી શકાય.
ગામડાઓમાં ઈન્ટરનેટની સુવિધા વધારવાની જાહેરાત થઈ શકે છે
આ સાથે કેન્દ્ર સરકારના બજેટ 2022-23માં ભારતનેટ પ્રોજેક્ટ હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં બ્રોડબેન્ડ ઈન્ટરનેટની પહોંચ વધારવાની જાહેરાત કરવામાં આવી શકે છે જેથી ગ્રામીણ વિસ્તારોમાં બ્રોડબેન્ડ સેવાઓ વધારી શકાય અને ગ્રામીણ લોકોને વધુ સારી સુવિધા આપી શકાય.
આ સાથે જ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકાર આગામી નાણાકીય વર્ષમાં વર્તમાન 1.30 લાખ ગામોમાંથી 2 લાખ ગામડાઓમાં બ્રોડબેન્ડ કનેક્ટિવિટી વધારવાની જાહેરાત કરી શકે છે. તમને જણાવી દઈએ કે ભારતનેટ પ્રોજેક્ટ મેક ઈન ઈન્ડિયા મિશન હેઠળ શરૂ કરવામાં આવેલ એક કાર્યક્રમ છે. આ પ્રોજેક્ટ્સ શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના ગ્રામીણ વિસ્તારોમાં વધુ સારી અને સસ્તું બ્રોડબેન્ડ ઇન્ટરનેટ સેવાઓ પૂરી પાડવાનો છે.