દરેક વ્યક્તિની એક જ ઇચ્છા હોય છે કે તેના પરિવારમાં લોકો સંપથી રહે અને ખુશીઓ અકબંધ રહે. ધંધા-રોજગાર હંમેશા સારા ચાલતા રહે અને ઘરમાં સમૃદ્ધિ સતત વધતી રહે. આ માટે લોકો વર્ષ દરમિયાન અનેકવિધ ઉપાયો અજમાવતા જ હોય છે. પણ, જાણો છો, આ બધાં જ સપનાને વ્યક્તિ માત્ર એક પ્રતિમાની મદદથી પણ સાકાર કરી શકે છે ! અને આ મૂર્તિ એટલે ગજરાજની મૂર્તિ. હાથીની મૂર્તિ !
હાથીની ઉત્પત્તિ સમુદ્રમંથન દરમિયાન ઐરાવતના રૂપમાં થઈ હતી. તો, ભગવાન શ્રીકૃષ્ણ પણ ભગવદ્ ગીતામાં કહે છે કે, હાથીઓમાં હું ઐરાવત છું. હાથી શક્તિ અને એકતાનું પ્રતિક છે. ભગવાન ગણેશ ગજમુખ ધરાવતા હોઈ, આપણે ત્યાં હાથીને પણ ગણેશજીનું જ સ્વરૂપ માનવામાં આવે છે. તે દૃષ્ટિએ હાથી અત્યંત શુભ મનાય છે. સ્વયં દેવરાજ ઈન્દ્રનું વાહન પણ હાથી છે. તો ધનની દાત્રી દેવી લક્ષ્મી પણ તેની જ સવારી કરે છે. ત્યારે આવો, આજે એ જાણીએ કે હાથીની એક પ્રતિમાને ઘરમાં, નોકરીના સ્થાન પર કે અભ્યાસના ટેબલ પર રાખવા માત્રથી વ્યક્તિને કેવાં-કેવાં લાભની પ્રાપ્તિ થાય છે.
સકારાત્મક ઊર્જા
જો આપના ઘરનો મુખ્ય દ્વાર પહોળો હોય તો દરવાજા પર હાથીની મૂર્તિ સ્થાપવી. પણ, યાદ રાખો, કે હાથીની આ મૂર્તિ જોડમાં જ હોવી જોઈએ. મુખ્યદ્વાર પર રાખેલ હાથીઓની જોડીનું મુખ મુખ્યદ્વારની બહારની તરફ હોવું જોઈએ. માન્યતા અનુસાર, તેનાથી ઘરની નકારાત્મક ઊર્જા ઘરની બહાર નીકળી જાય છે અને બહારની નકારાત્મક ઊર્જા ઘરમાં પ્રવેશ નથી કરી શકતી !
સુખી લગ્નજીવન
જો તમે હાથીની જોડ બેડરૂમમાં રાખો છો, તો તેનાથી લગ્નજીવનમાં પ્રેમ અને વિશ્વાસ અકબંધ રહે છે. આ હાથીની જોડ ચાંદીમાંથી બનેલી હોય તો તે શ્રેષ્ઠ રહે છે. આ મૂર્તિને ઇશાન ખૂણામાં રાખવી. એમાં પણ જો મૂર્તિના હાથી અને હાથણીના મુખ એકબીજા સાથે જોડાયેલ હોય તો વૈવાહિક જીવનમાં રહેલાં અણબનાવ પણ દૂર થઈ જાય છે.
બાળકોમાં સંસ્કાર !
તમે ઈચ્છતા હોવ કે તમારા બાળકો આજ્ઞાકારી અને સંસ્કારી બને, તો તેના માટે પણ હાથીની મૂર્તિ મદદરૂપ થઈ શકે છે. આ માટે હાથીની તેના બચ્ચા સાથેની પ્રતિમાને ઘરમાં મૂકવી જોઈએ.
અભ્યાસમાં એકાગ્રતા
જો બાળકોનું અભ્યાસમાં મન ન લાગી રહ્યું હોય, અથવા તો તેઓ અભ્યાસ બાબતે એકાગ્રતા ન કેળવી શકતા હોય તો હાથીની તેના બચ્ચા સાથેની એક મૂર્તિ લેવી. અને આ મૂર્તિને બાળકોના સ્ટડી ટેબલ પર ડાબા હાથ તરફ રાખવી. વાસ્તવમાં હાથીઓનું મગજ અને તેમની યાદશક્તિ ખૂબ જ તેજ માનવામાં આવે છે. એટલે જ કહે છે કે આ મૂર્તિનો ઉપાય ચોક્કસથી કારગત સાબિત થાય છે. અને અભ્યાસમાં બાળકની એકાગ્રતા વધે છે !
કાર્યક્ષમતામાં વૃદ્ધિ !
હાથીની નીચેની તરફ ઝૂકેલી સૂંઢ એકાગ્રતા દર્શાવે છે. તે સંઘર્ષનો સામનો કરવાની ક્ષમતા અને દીર્ઘાયુષ્ય દર્શાવે છે. આ મૂર્તિ ઓફિસ કે ધંધા-રોજગારના સ્થાન માટે સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. અને કહે છે કે હાથીની આવી પ્રતિમા કે તસવીરથી જે-તે સ્થાન પર કામ કરતા લોકોની કાર્યક્ષમતામાં વૃદ્ધિ થાય છે.
નોકરીમાં સફળતા અર્થે
નોકરીધારક લોકોએ તેમની ડાયરીમાં હાથીની જોડનું ચિત્ર રાખવું જોઈએ. અથવા તો તેઓ તેમની ડેસ્ક પર હાથીના જોડની મૂર્તિ પણ રાખી શકે છે. માન્યતા અનુસાર તેનાથી વ્યક્તિની નેતૃત્વ ક્ષમતા અને આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થાય છે. વ્યક્તિના ચહેરાની રોનક વધે છે. વધુને વધુ લોકો તેના આભામંડળથી આકર્ષાય છે. અને તેમના કાર્યને વધુ વેગ મળે છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)