Bhakti: પ્રબોધિની એકાદશીએ કયા મંત્ર સાથે જગાડશો શ્રીવિષ્ણુને ? જાણો એકાદશી પૂજનની ફળદાયી વિધિ
પ્રબોધિની એકાદશીએ (Prabodhini Ekadashi ) એક ખાસ મંત્રનું ઉચ્ચારણ કરીને શ્રીહરિ વિષ્ણુને નિંદ્રામાંથી જગાડવામાં આવે છે. આ સમયે 11 દીવા દેવી-દેવતાઓના રૂપમાં પ્રજવલિત કરવામાં આવે છે. અને પ્રભુના આગમનને વધાવવામાં આવે છે.
હિન્દુ પંચાંગ અનુસાર કારતક માસની સુદ પક્ષની એકાદશીને દેવઊઠી એકાદશી તરીકે ઉજવવામાં આવે છે. આ એકાદશીને દેવોત્થાન એકાદશી તેમજ પ્રબોધિની એકાદશીના નામે પણ ઓળખવામાં આવે છે. આ એકાદશીએ શ્રીહરિ વિષ્ણુની પૂજા-આરાધના કરવામાં આવે છે. એવી માન્યતા છે કે દેવઊઠી એકાદશીએ ભગવાન વિષ્ણુ નિંદ્રામાંથી જાગે છે ! ભગવાન ક્ષીર સાગરમાં 4 મહિના સૂતા હોવાથી આ સમય દરમ્યાન કોઇપણ માંગલિક કાર્યો કરવામાં નથી આવતા. દેવઊઠી એકાદશીએ પ્રભુ જાગે છે અને તે પછી જ શુભ અને માંગલિક કાર્યોનો પ્રારંભ થાય છે. આ વખતે આ એકાદશી 4 નવેમ્બર, શુક્રવારના રોજ છે. ત્યારે આવો, આજે આપણે એ જાણીએ કે દેવઊઠી એકાદશીએ ઘરે કઈ વિધિ સાથે શ્રીહરિને નિંદ્રામાંથી જગાડવા જોઈએ !
વ્રતની પૂજાવિધિ
⦁ એકાદશીએ બ્રહ્મમૂહુર્તમાં ઊઠીને સ્નાનાદિકાર્યથી નિવૃત થઇને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા અને વ્રતનો સંકલ્પ લેવો.
⦁ સૂર્યનારાયણને જળથી અર્ઘ્ય અર્પણ કરો.
⦁ ત્યારબાદ ભગવાન વિષ્ણુની પૂજા-આરાધના કરવી.
⦁ પૂજામાં ફળ, પુષ્પ, ધૂપ, દીપ, કપૂર, નૈવેદ્ય તેમજ પીળા રંગની મીઠાઇ અર્પણ કરવી.
⦁ આરતી કરીને પરિવારના સભ્યોની શુભતાની કામના કરીને આશીર્વાદ લેવા.
⦁ દિવસભર ઉપવાસ કરવો.
⦁ સાંજે આરતી કર્યા બાદ ફળ આરોગવા.
⦁ શક્ય હોય તો દિવસમાં એક જ વખત ફળ અને જળ ગ્રહણ કરવું.
⦁ બ્રાહ્મણોને દાન અવશ્ય આપવું.
શ્રીહરિ વિષ્ણુને કેવી રીતે જગાડશો ?
⦁ એકાદશીની રાત્રીએ શુભ મુહૂર્તમાં શ્રીહરિની પૂજા કરવી.
⦁ આંગણાંમાં ગેરુ અને ચૂનાથી રંગોળી બનાવવી. તેના પર શેરડીના સાંઠાનો મંડપ બનાવવો.
⦁ મંડપ નીચે બાજોઠ મૂકી તેના પર ભગવાન વિષ્ણુના શાલીગ્રામ સ્વરૂપની સ્થાપના કરવી અને આસ્થા સાથે તેમની પૂજા કરવી.
⦁ શાલીગ્રામજીને નવા વસ્ત્ર અને જનોઇ અર્પણ કરવા. ત્યારબાદ નીચે જણાવેલ મંત્રનો જાપ કરવો.
ઉત્તિષ્ઠ ગોવિંદ ત્યજ નિદ્રાં જગત્પતયે ।
ત્વયિ સુપ્તે જગન્નાથ જગત્ સુપ્તં ભવેદિદમ્ ।।
⦁ ઉપરોક્ત મંત્રનું ઉચ્ચ સ્વરમાં ઉચ્ચારણ કરીને શ્રીહરિ વિષ્ણુને નિંદ્રામાંથી જગાડવામાં આવે છે. આ સમયે 11 દીવા દેવી-દેવતાઓના રૂપમાં પ્રજવલિત કરવામાં આવે છે. અને પ્રભુના આગમનને વધાવવામાં આવે છે.
શું રાખશો ધ્યાન ?
એકાદશી દરમ્યાન તામસિક ભોજન વર્જિત ગણાય છે. આમ તો એકાદશીમાં તો ઉપવાસ જ કરવાનો હોય છે. પરંતુ, આ ઉપવાસનો પ્રારંભ દશમની સાંજથી જ કરી દેવાનો હોય છે. એટલે દશમના રોજ ભોજનમાં લસણ-ડુંગળી જેવી તામસિક વસ્તુઓનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. અને સાત્વિક ભોજન જ ગ્રહણ કરવું જોઈએ.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)