Bhakti : શા માટે છે દેવઊઠી એકાદશીનો આટલો મહિમા, જાણો માહાત્મ્ય સાથે જોડાયેલી રસપ્રદ કથા
ધાર્મિક માન્યતાઓ અનુસાર રાજસૂય યજ્ઞ કરવાથી જેટલું પૂણ્ય મળે, એનાથી વધુ પુણ્ય દેવઊઠી એકાદશીનું (Dev Uthani Ekadashi )વ્રત કરાવવાથી મળે છે. કહે છે કે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા-આરાધના કરવાથી જીવને મોક્ષની પ્રાપ્તિ થાય છે.
સમગ્ર વર્ષ દરમિયાન એકાદશી તો કુલ 24 આવતી હોય છે. અને અધિકમાસના સંજોગોમાં આ આંક 26 સુધી પહોંચી જતો હોય છે. પરંતુ, વર્ષની આ તમામ એકાદશીઓમાં જેનું અદકેરું જ મહત્વ છે, તે છે પ્રબોધિની એકાદશી. કે જેને આપણે પારંપરિક ભાષામાં દેવઊઠી એકાદશી કહીએ છીએ. ગુજરાતી પંચાંગ અનુસાર દેવઊઠી એકાદશી એ વર્ષની સર્વ પ્રથમ એકાદશી છે. કારતક માસના સુદ પક્ષમાં આવતી આ અગિયારસનું એક આગવું જ મહત્વ છે. ત્યારે, આવો આપણે પણ તેની મહત્તાને જાણીએ.
દેવીઊઠી એકાદશી મહિમા
આ વખતે દેવઉઠી એકાદશી 4 નવેમ્બર, શુક્રવારના છે. જેનો પ્રારંભ 3 નવેમ્બર, ગુરુવારના રોજ સાંજે 7:00 કલાકે થઈ જશે. દેવઊઠી એકાદશીથી જ શુભ કાર્યોનો પ્રારંભ થતો હોય છે. આ દિવસે તુલસી-શાલીગ્રામના વિવાહ થાય છે અને માંગલિક કાર્યોનો પણ પ્રારંભ થાય છે. માન્યતા અનુસાર આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા-આરાધના કરવાથી જીવને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ અગિયારસ એ દેવોત્થાન એકાદશી, દેવઊઠી એકાદશી, પ્રબોધિની એકાદશીના નામે પણ ઓળખાય છે.
રસપ્રદ માન્યતા
માન્યતા અનુસાર ભગવાન વિષ્ણુ અષાઢ માસની સુદ પક્ષની એકાદશીથી ચાર મહિના માટે પોઢી જાય છે. ત્યારબાદ તે કારતક માસની સુદ પક્ષની એકાદશીએ જાગે છે. કહે છે કે આ જ તિથિએ શ્રીહરિ વિષ્ણુ રાજા બલીના રાજ્યમાંથી ચાતુર્માસનો વિશ્રામ પૂર્ણ કરીને વૈકુંઠમાં પાછા આવે છે.
દેવઊઠી એકાદશી કથા
એક કથા અનુસાર દેવતાઓની સહાયતા માટે શ્રીહરિએ વામન રૂપ ધરી બલિરાજા પાસે દાનનું વચન લીધું. અને પછી ત્રણ ડગલાં ભૂમિમાં ત્રિભુવનને માપીને બલિરાજાને પાતાળનું રાજ આપ્યું. તો, સામે બલિરાજાએ પણ શ્રીવિષ્ણુ પાસે વચન માંગી લીધું કે તે સદૈવ તેમની સાથે રહી પાતાળલોકની સુરક્ષા કરશે. વચનના લીધે શ્રીવિષ્ણુ પાતાળલોકના દ્વારપાળ બની તેની સુરક્ષા કરવા લાગ્યા. ત્યારબાદ દેવી લક્ષ્મીએ રાજા બલિને રાખડી બાંધી શ્રીહરિને વચનમુક્ત કરાવ્યા. લક્ષ્મીનારાયણ વૈકુંઠ પરત ફર્યા. પણ કહે છે કે, રાજા બલિનું માન રાખતા શ્રીહરિ દર વર્ષે ચાર માસ માટે પાતાળલોકમાં જાય છે. અને તે પ્રબોધિની એકાદશીએ પાતાળલોકમાંથી બહાર આવે છે. એ જ કારણ છે કે આ અવસર શ્રીહરિની કૃપાને પ્રાપ્ત કરવા માટે સૌથી શ્રેષ્ઠ મનાય છે.
તુલસી-શાલીગ્રામ વિવાહનું મહત્વ
દેવઊઠી એકાદશીના દિવસે તુલસી વિવાહ કરવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર રાજસૂય યજ્ઞ કરવાથી જેટલું પૂણ્ય મળે, એનાથી વધુ પુણ્ય આ એકાદશીનું વ્રત કરાવવાથી મળે છે. કહે છે કે દેવઊઠી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા-આરાધના કરવાથી જીવને મોક્ષની પ્રાપ્તિ થાય છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)