Hanuman jayanti 2022: હનુમાનજીને શા માટે સિંદૂર અર્પણ કરવાનો છે આટલો મહિમા ? જાણો રસપ્રદ કથા
હનુમાનજી (Hanuman) નિર્દોષ ભાવે આ વાત સમજે છે કે, "જો એક ચપટી સિંદૂરથી પ્રભુ શ્રીરામના આયુષ્યને બળ મળતું હોય અને તેમની કૃપાદૃષ્ટિ કાયમ રહેતી હોય તો પછી હું મારા આખા અંગ પર જ સિંદૂર શા માટે ન લગાવી દઉં ?"
લેખકઃ ડો. હેમીલ પી લાઠીયા, જ્યોતિષાચાર્ય
શ્રીરામ ભક્ત હનુમાનજીના મહિમાની વાતો આપણે સૌ શ્રદ્ધા સાથે કરતા હોઇએ છીએ. શ્રીરામ ભગવાનને પણ હનુમાન વિશેષ છે એટલે જ ચોપાઈ દ્વારા જાણવા મળે છે કે “રઘુપતિ કિનહી બહુત બડાઈ, તુમ મમ પ્રિય ભરતહિ સમ ભાઈ ।” રામાયણમાં એક પ્રસંગ આવે છે કે હનુમાનજીને એક પ્રસંગરૂપ સીતા માતાના દર્શન થાય છે. ત્યારે તેઓ તેમને બે હાથ જોડી પ્રણામ કરે છે. તે વખતે સીતાજીના માથા પર હનુમાનજી સિંદૂર જુએ છે અને તેઓ ખૂબ અચરજ પામે છે. તદ્દન નિર્દોષ ભાવે પવનસુત સીતાજીને આ અંગે પ્રશ્ન પૂછે છે અને કારણ જાણવાની કોશિશ કરે છે. હનુમાનજી દ્વારા સિંદૂરનું કારણ જાણવાની નિખાલસતા જાણી સીતામાતા ખુશ થાય છે અને સરળતાથી જણાવે છે કે, “સેંથામાં હું સિંદૂર પૂરું તો મારા પ્રભુ શ્રીરામના આયુષ્યને બળ મળે તેમજ તેમની કૃપાદૃષ્ટિ કાયમ મારા પર રહે.”
હનુમાનજી નિર્દોષ ભાવે આ વાત સમજે છે કે, “જો એક ચપટી સિંદૂરથી પ્રભુ શ્રીરામના આયુષ્યને બળ મળતું હોય અને તેમની કૃપાદૃષ્ટિ કાયમ રહેતી હોય તો પછી હું મારા આખા અંગ પર જ સિંદૂર શા માટે ન લગાવી દઉં ?” આખરે, હનુમાનજી આખા અંગ પર સિંદૂર લગાવીને શ્રીરામની સભામાં જાય છે. દરેકનું ધ્યાન હનુમાનજી પર પડે છે એટલે પ્રભુ શ્રીરામ હનુમાનજીને આ અંગે પૂછે છે તો હનુમાનજી સઘળી વાત જે સીતા માતાએ કહેલી તે જણાવે છે. આ સાંભળી પ્રભુ શ્રીરામ અને માતા સીતાજી ખૂબ જ પ્રસન્ન થાય છે કે હનુમાનજીની ભક્તિ અને નિષ્ઠા અમૂલ્ય છે. પ્રભુશ્રી રામ અને માતા સીતા હનુમાનજીને આશીર્વાદ આપે છે.
ભક્તોમાં એક એવી વાત પણ પ્રચલિત છે કે હનુમાનજીને પ્રસન્ન કરવા હોય તો તેમના પ્રભુ શ્રીરામ સાથે ભજવાથી ત્વરિત પ્રસન્ન થાય છે અને તેમની કૃપાથી સંકટ દૂર થાય છે. સિંદૂર દ્વારા જ હનુમાનજીને પ્રભુ શ્રીરામ અને માતા સીતાના આશીર્વાદ મળ્યા છે માટે હનુમાનજીના ભક્તો તેમને સિંદૂર ચઢાવે છે જેથી હનુમાનજી ત્વરિત પ્રસન્ન થાય અને મનોવાંચ્છિત ફળ પ્રદાન કરે.
(નોંધ- આ લેખમાં લખવામાં આવેલી વિગતો લેખકે પોતાના અધ્યયનના ધોરણે લખી છે, ટીવી 9 સંપુર્ણપણે તમામ વિગતો સાથે સંમત જ છે તે હોવાને લઈ પુષ્ટી નથી કરતું. )
આ પણ વાંચોઃ ઘરમાં ધનનો વરસાદ કરી દેશે હનુમાનજી સંબંધી આ ઉપાય ! જાણી લો હનુમાનકૃપા પ્રાપ્ત કરાવતા ઉપાય
આ પણ વાંચોઃ પુષ્કરમાં શા માટે પતિ બ્રહ્માજીથી દૂર બિરાજે છે માતા સાવિત્રી ? જાણો તીર્થરાજ પુષ્કરના અદભુત રહસ્યો !