દિવાળીના (Diwali) એક દિવસ પહેલા અને ધનતેરસ પછીના દિવસને કાળી ચૌદશ (Kali Chaudas) તરીકે ઉજવવામાં આવે છે. કાળી ચૌદશને નરક ચતુર્દશી તેમજ રૂપ ચૌદશ પણ કહેવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે ભગવાન કૃષ્ણે નરકાસુર નામના અસુરનો વધ કરીને 16 હજાર કન્યાઓને તેના ત્રાસમાંથી ઉગારી હતી, જેથી તેનું નામ નરક ચતુર્દશી પડ્યું. પરંતુ શું તમે જાણો છો કે કેમ કાળી ચૌદશના દિવસે ખીર અને વડા બનાવવાનો રિવાજ છે? એમ માનવામાં આવે છે કે જેટલું તેલ બળે તેટલો તમારા જીવનમાંથી કકળાટ ટળે અને એટલે આ દિવસે મહિલાઓ અચૂક વડા કે ભજીયા બનાવે છે.
સામાન્ય રીતે કાળી ચૌદશના દિવસે ખીર અને વડા બનાવવામાં આવે છે અને સાંજના સમયે મહિલાઓ કાણાંવાળા વડા અને પૂરી ઘર નજીકનાં ચાર રસ્તે મૂકીને ઉતાર કાઢે છે. જેને આપણે કકળાટ કાઢવો એમ પણ કહીએ છીએ. તો સાથે જ આ દિવસે હનુમાન મંદિરે હનુમાનજીને તેલ ચઢાવીને તેલનાં દીવાની મેંશ પણ પાડવામાં આવે છે.
ગુજરાતના લગભગ તમામ વિસ્તારોમાં કાળી ચૌદશની રાત્રે કકળાટ કાઢવામાં આવે છે. એ દિવસે અડદ કે મગની દાળના વડા તેલમાં તળવામાં આવે છે અને ગામના ચોતરે અથવા અવાવરું સ્થળે પાણીનું એક કૂંડાળું કરીને એમાં ઘરે તળેલા વડાનો પહેલો ઘાણ મૂકવામાં આવે છે. કેટલાક લોકો કકળાટ કાઢવાની સાથે પોતાના ઘરની જૂની વસ્તુઓનો પણ ગામના ચોતરે ત્યાગ કરે છે. કકળાટ કાઢવાની પ્રથા ગુજરાત સિવાય અન્ય ક્યાંક જોવા મળતી નથી.
સાથે જ કાળી ચૌદશની સાંજે ચારમુખનો દિવો પ્રગટાવીને ઘરની બહાર મૂકી દો. દીવામાં એક કોડી પણ મૂકી દો. આ દિવડાની રોશનીથી પિતૃને પોતાના લોકમાં જવાનો રસ્તો દેખાય છે તેવું માનવામાં આવે છે. તેનાથી પિતૃ પ્રસન્ન થાય છે અને પિતૃની પ્રસન્નતાથી દેવતા અને દેવી લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે. પિતૃ માટે કરાયેલ આ દીપદાન સ્વાસ્થ્ય સંબંધી લાભ પણ આપે છે.
કાળી ચૌદશનું બીજું નામ નરક ચતુર્દશી પણ છે. કાળી ચૌદશને રૂપ ચૌદશ પણ કહે છે. આ દિવસે ભગવાન કૃષ્ણએ નરકાસુર નામનાં અસુરનો વધ કરીને પ્રજાજનોને તેના ત્રાસમાંથી ઉગાર્યા હતા, જેથી કરીને તેનું નામ નરક ચતુર્દશી પડેલું છે. કાળી ચૌદશએ મેલી વિદ્યાનાં સાધકોનો દિવસ છે અને તેઓ એમ માને છે કે આજનાં દિવસે સ્મશાનમાં સાધના કરવાથી તેમની બધી વિધિઓ પૂર્ણ થાય છે.
નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.