દૂર્વા ઘાસ શા માટે મનાય છે અત્યંત પવિત્ર ? જાણો દૂર્વાની પ્રાગટ્ય કથા

દૂર્વા ઘાસ શા માટે મનાય છે અત્યંત પવિત્ર ? જાણો દૂર્વાની પ્રાગટ્ય કથા
Durva grass

વિવિધ પુરાણોમાં દૂર્વાની મહત્તાનું તેમજ તેના દ્વારા થતી પૂજાવિધિની મહત્તાનું વર્ણન મળે છે. ત્યારે ધર્મ સિંધુમાં દૂર્વાનો ઉલ્લેખ ‘અમૃતજન્મા' તરીકે કરવામાં આવ્યો છે. એટલે કે દૂર્વાનો જન્મ વાસ્તવમાં તો અમૃતમાંથી થયો હોવાનું મનાય છે !

TV9 Bhakti

| Edited By: Pinak Shukla

Mar 02, 2022 | 6:27 AM

દૂર્વા (durva) એ ધરતી પરનું સૌથી પવિત્ર ઘાસ મનાય છે. એક એવું ઘાસ કે જેના વિના શ્રીગણેશની (ganesha) પૂજા જ અપૂર્ણ મનાય છે. ગુજરાતમાં આ દૂર્વા ધરોના નામે સવિશેષ પ્રચલિત છે. વાસ્તવમાં તો આ ધરો ઔષધિય ગુણોનો ભંડાર છે. તો, હિંદુ ધર્મના વિવિધ પૂજા-વિધાનમાં પણ દૂર્વાનો પ્રયોગ અનિવાર્ય મનાય છે. પણ, પ્રશ્ન તો એ છે કે આ દૂર્વાનું આટલું મહત્વ શા માટે ? ધરતી પર આ અત્યંત પવિત્ર ઘાસનું પ્રાગટ્ય થયું કેવી રીતે ?

વિવિધ પુરાણોમાં દૂર્વાની મહત્તાનું તેમજ તેના દ્વારા થતી પૂજાવિધિની મહત્તાનું વર્ણન મળે છે. ત્યારે ધર્મ સિંધુમાં દૂર્વાનો ઉલ્લેખ ‘અમૃતજન્મા’ તરીકે કરવામાં આવ્યો છે. એટલે કે દૂર્વાનો જન્મ વાસ્તવમાં તો અમૃતમાંથી થયો હોવાનું મનાય છે !

સમુદ્રમંથનની કથા

અમૃતની પ્રાપ્તિ અર્થે દેવો-દાનવો વચ્ચે થયેલા સમુદ્રમંથનની કથા સર્વ વિદિત છે. પ્રચલિત માન્યતા અનુસાર સમુદ્રમંથન સમયે સૌથી અંતમાં અમૃતનું પ્રાગટ્ય થયું. આ અમૃત માટે દેવતાઓ અને દાનવો વચ્ચે ઘર્ષણ થયું. કહે છે કે ત્યારે અમૃતની થોડી બુંદ જમીન પર પડી. અને તેમાંથી જ દૂર્વા ઘાસની ઉત્પત્તિ થઈ !

શ્રીહરિનો અંશ !

અન્ય એક કથા અનુસાર સમુદ્રમંથન સમયે એક સમય એવો આવ્યો કે જ્યારે દેવતાઓ અને દાનવો બંન્ને ખૂબ જ થાકી ગયા. કહે છે કે ત્યારે શ્રીહરિ વિષ્ણુ સ્વયં મંદરાચલને તેમના સાથળ પર મૂકીને સમુદ્રમંથન કરવા લાગ્યા. મંદરાચલ પર્વતના ઘર્ષણને લીધે પ્રભુના રોમ એટલે કે રુંવાડા સમુદ્રમાં પડ્યા. ક્ષીરસાગરમાંથી આ રોમ કિનારે પહોંચ્યા. અને પછી તે જ રોમ ‘દૂર્વા’ ઘાસમાં પરિવર્તિત થઈ ગયા. માન્યતા એવી છે કે સમુદ્રમંથનના અંતમાં જ્યારે અમૃતની પ્રાપ્તિ થઈ ત્યારે અમૃત કળશ સર્વ પ્રથમ તે જ દૂર્વા પર રાખવામાં આવ્યો હતો. તે કળશમાંથી કેટલાંક ટીપા દૂર્વા પર પડ્યા. અને તેને લીધે દૂર્વા પણ અમૃતતુલ્ય થઈ ગઈ !

ત્વં દૂર્વે અમૃતનામાસિ સર્વદેવૈસ્તુ વન્દિતા । વન્દિતા દહ તત્સર્વં દુરિતં યન્મયા કૃતમ ।।

અમૃત નામ ધરાવનારી દૂર્વાને તો સ્વયં દેવતાઓ પણ વંદન કરે છે. સ્વયં શ્રીવિષ્ણુના જ રોમમાંથી પ્રગટ થઈ હોઈ દેવતાઓમાં પણ તે અત્યંત પૂજનીય અને પવિત્ર છે. એમાં પણ શ્રીગણેશને તો દૂર્વા એટલી પ્રિય છે કે દૂર્વા વિના દુંદાળા દેવની પૂજા જ અપૂર્ણ મનાય છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચો : મની પ્લાન્ટ લાગવતી વખતે રાખો આ ખાસ ધ્યાન, નહીં તો થવા લાગશે નુકસાન

આ પણ વાંચો : કેસરના આ ઉપાયથી થશે દરેક મનોકામના પુર્ણ, તમને ભાગ્યનો પૂરો મળશે સાથ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati