શ્રીવિષ્ણુએ શા માટે લેવો પડ્યો કૂર્મ અવતાર ? જાણો સમુદ્ર મંથનની રસપ્રદ ગાથા

શ્રીવિષ્ણુએ શા માટે લેવો પડ્યો કૂર્મ અવતાર ? જાણો સમુદ્ર મંથનની રસપ્રદ ગાથા
Kurma Avatar

ભારે વજન અને નીચે કોઈ આધાર ન હોવાને લીધે મંદરાચલ પર્વત પાણીમાં ડૂબવા લાગ્યો. આખરે, સમુદ્ર મંથનના કાર્યને સફળ બનાવવા ભગવાન વિષ્ણુએ વિશાળ કૂર્મનું, એટલે કે કાચબાનું રૂપ ધારણ કર્યું અને તે સમુદ્રમાં મંદરાચલનો આધાર બન્યા.

TV9 Bhakti

| Edited By: Bipin Prajapati

May 15, 2022 | 9:56 AM

હિન્દુ ધર્મ ગ્રંથો અનુસાર ભગવાન વિષ્ણુના કૂર્મ અવતારે સમુદ્ર મંથનમાં ઘણી સહાયતા કરી હતી. ભગવાન વિષ્ણુ(Lord vishnu)ના કૂર્મ અવતારને કચ્છપ (કાચબા)નો અવતાર (Avatar) પણ કહે છે. દર વર્ષે વૈશાખ મહિનાની પૂનમના દિવસે કૂર્મ જયંતી ઉજવવામાં આવે છે. આ વર્ષે આ તિથિ 15 મે, રવિવારના રોજ છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર આ તિથિએ જ શ્રીવિષ્ણુએ કાચબાનો અવતાર ધારણ કર્યો હતો. સાથે જ સમુદ્ર મંથનના સમયે તેમની પીઠ પર મંદાર પર્વત(Mandar parvat) રાખ્યો હતો.

કૂર્મ અવતાર શા માટે ?

પુરાણોક્ત કથા અનુસાર એકવાર દુર્વાસા ઋષિ દેવતાઓના રાજા ઇન્દ્રના અભિમાન પર ક્રોધિત થયા. અને તેને શ્રાપ આપીને શ્રીહીન કરી દીધા. ઇન્દ્ર સહાયતાની ઈચ્છાથી જ્યારે ભગવાન વિષ્ણુ પાસે ગયા તો તેમણે સમુદ્ર મંથન કરવાનું કહ્યું. ત્યારે ઇન્દ્રદેવ ભગવાન વિષ્ણુના કહ્યા પ્રમાણે દેવતાઓ અને દાનવો સાથે મળીને સમુદ્ર મંથન કરવા માટે તૈયાર થયા.

સમુદ્ર મંથન માટે મંદાર પર્વતને મથાની એટલે કે રવૈયો બનાવવાનું નક્કી થયું. તેમજ નાગરાજ વાસુકીનો તેની દોરી એટલે કે નેતી તરીકે ઉપયોગ કરવાનો નિર્ણય લેવાયો. શ્રીમદ ભાગવત મહાપુરાણના આઠમા સ્કંધના સાતમા અધ્યાયમાં સમુદ્રમંથન કેવી રીતે થયું તે સંબંધી ઉલ્લેખ છે. કહેવાય છે કે તેના માટે દેવો-દાનવોએ પોતાના મતભેદ ભૂલીને મંદરાચલ પર્વતને ઉખેડી નાખ્યો. પરંતુ, તેને ક્ષિર સાગર સુધી લાવતા તેઓ હાંફી ગયા. ત્યારે ભગવાન વિષ્ણુએ તેમને મદદ કરી. અને મંદરાચલને માત્ર એક હાથે ઉંચકી ગરુડ પર મૂકી દીધો. ત્યારબાદ ગરુડ મંદરાચલને ક્ષીરસાગર સુધી લઈ આવ્યા. અને પછી ભગવાન વિષ્ણુએ તેને સાગરની વચ્ચે મૂકી દીધો.

વાસુકિ નાગ એક દોરડાની જેમ મંદરાચલને વિંટળાઈ ગયા. દેવો-દાનવોએ સમુદ્રમંથન શરૂ કર્યું. અલબત્ ભારે વજન અને નીચે કોઈ આધાર ન હોવાને લીધે મંદરાચલ પાણીમાં ડૂબવા લાગ્યો. આખરે, આ કાર્યને સફળ બનાવવા ભગવાન વિષ્ણુએ વિશાળ કૂર્મનું, એટલે કે કાચબાનું રૂપ ધારણ કર્યું અને તે સમુદ્રમાં મંદરાચલનો આધાર બન્યા.

શ્રીવિષ્ણુના કુર્મ અવતારને કચ્છપ અવતાર પણ કહે છે. શ્રીમદ્ ભાગવત મહાપુરાણમાં ઉલ્લેખ મુજબ શ્રીવિષ્ણુનું આ રૂપ એક લાખ જોજન વિસ્તારમાં ફેલાયેલું હતું. તેમણે મંદરાચલને તેમની પીઠ પર ધારણ કરી લીધો. ભગવાન વિષ્ણુના કૂર્મ અવતારની વિશાળ પીઠ પર મંદરાચલ ઝડપથી ફરવા લાગ્યો અને આ પ્રકારે સમુદ્ર મંથન શક્ય બન્યું. ભગવાન વિષ્ણુ, મંદાર પર્વત અને વાસુકી નાગની સહાયતાથી દેવતાઓ અને દાનવોએ સમુદ્ર મંથન કરીને 14 રત્નોની પ્રાપ્તિ કરી.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati