કયા પ્રકારના પુણ્યની પ્રાપ્તિ કરાવશે આ ભાનુ સપ્તમી? સરળ વિધિથી પ્રાપ્ત કરો સૂર્યકૃપા
ભાનુ સપ્તમીને પણ વિવિધ નામ જેવા કે અર્ક સપ્તમી, અચલા સપ્તમી, રથ સપ્તમી, સૂર્ય સપ્તમી વગેરે જેવા નામથી ઓળખવામાં આવે છે.
લેખકઃ ડો. હેમીલ પી લાઠીયા, જ્યોતિષાચાર્ય
ભગવાન સૂર્ય નારાયણ (surya narayan dev) પ્રત્યક્ષ દેવ છે. તેમના મહિમાનું વર્ણન પુરાણ તેમજ ધાર્મિક ગ્રંથોમાં ખૂબ જોવા મળે છે. ઉપરાંત જ્યોતિષશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્રમાં પણ તેમના મહિમાનું વર્ણન જોવા મળે છે. વિવિધ વ્રત, પૂજા, સંક્રાંતિ પુણ્યકાળમાં તેમની ઉપાસના દ્વારા આપણને દરિદ્રતાથી મુક્તિની પ્રાપ્તિ થાય છે. સાથે જ આત્મસન્માન અને મનોબળમાં વૃદ્ધિ, પ્રગતિ, સંતતિ જેવા સુખની તેમના આશીર્વાદ વડે પ્રાપ્તિ થાય છે. તેમજ આપણું જીવન ધન્ય બને છે.
આવું જ ફળદાયી વ્રત પોષ માસની સુદ પક્ષની સાતમની તિથિએ આવે છે. આ તિથિ ભાનુ સપ્તમી તરીકે ઓળખાય છે. જે આ વર્ષે 9 જાન્યુઆરી, રવિવારના રોજ છે. વિદ્વાનો કહે છે કે આ તિથિએ ભગવાન સૂર્ય જગતને પ્રકાશિત શક્તિ વડે સંચારિત કરે છે. એટલા માટે આ વ્રત વિવિધ પ્રાંતમાં વિવિધ માર્ગદર્શન હેઠળ કરવામાં આવે છે અને ભક્તો ભગવાન સૂર્યની કૃપા મેળવી ધન્યતા અનુભવતા હોય છે
વિવિધ પ્રાંતમાં વિવિધ ભાવથી વિધિ વિધાન સાથે પૂજા કરવામાં આવે છે. એટલે ભાનુ સપ્તમીને પણ વિવિધ નામ જેવા કે અર્ક સપ્તમી, અચલા સપ્તમી, રથ સપ્તમી, સૂર્ય સપ્તમી વગેરે જેવા નામથી ઓળખવામાં આવે છે. આ સપ્તમી અરણોદય વ્યાપીની છે એટલે કે સૂર્યોદય સમયે સાતમ તિથિ હોવી જોઈએ.
ફળદાયી વિધિ
⦁ આ વ્રત પ્રાંત મુજબ કરવામાં આવે છે છતાં પણ એક વધુ પ્રચલિત વાત મુજબ સફેદ તલના તેલનો એક દીપક વહેલી સવારે કરવો. માર્ગદર્શન મુજબ તેનું પૂજન કરી ધ્યાન પૂજા કરવામાં આવે છે. પછી તે દીપકને તલ, લાલ પુષ્પ અને શેરડી સાથે નદી, તળાવ કે પ્રવાહિત જળમાં પધારવામાં આવે છે. ⦁ અન્ય ભાવના મુજબ તાંબાના પાત્રમાં ચંદન વડે અષ્ટદલ કમળ બનાવી માર્ગદર્શન મુજબ તેમાં ભગવાનના નામ સ્મરણ સાથે પૂજન કરવામાં આવે છે. ⦁ કેટલાંક ભક્તો આ દિવસે સૂર્યોદય સમયે સૂર્ય ભગવાનનું ધ્યાન ધરીને પૂજા કવચ મંત્ર જાપ કરે છે. તેમજ સૂર્યનારાયણને ખીર કે માલપુવાનો પ્રસાદ અર્પણ કરે છે અને સફેદ તલ, ગોળ, શેરડીનું દાન કરે છે તેમજ ગાયને ધાન્ય અર્પણ કરે છે. ⦁ અલગ અલગ પદ્ધતિ વડે પોતાની યથાશક્તિ અને માર્ગદર્શન મુજબ, પ્રાંતીય રીત-રિવાજ મુજબ ભક્તો ખૂબ શ્રદ્ધા વડે ભગવાન સૂર્યની ભક્તિ કરે છે અને જન્મોજન્મની દરિદ્રતાથી મુક્તિ મેળવી પોતાના જીવનમાં પ્રગતિ, સન્માન, સુખ, સંતતિની પ્રાપ્તિ કરે છે.
(નોંધ- આ લેખમાં લખવામાં આવેલી વિગતો લેખકે પોતાના અધ્યયનના ધોરણે લખી છે, ટીવી 9 સંપુર્ણ પણે તમામ વિગતો સાથે સંમત જ છે તે હોવાને લઈ પુષ્ટી નથી કરતું )
આ પણ વાંચો : પીપળાના પૂજન માત્રથી દૂર થશે આપની પરેશાની, કયા કયા ફળની પ્રાપ્તિ કરાવશે પીપળાનું વૃક્ષ ? આ પણ વાંચો : ચંદનનો આ ઉપાય ચમકાવશે આપની કિસ્મત, જાણો ચંદનના ચમત્કારિક ફાયદા