Bhakti: કેવાં-કેવાં ફળની પ્રાપ્તિ કરાવશે ઉત્પત્તિ એકાદશીનું વ્રત ? જાણો વિષ્ણુકૃપા પ્રાપ્ત કરવાની ફળદાયી વિધિ

જો કોઈ એકાદશીના વ્રતનો પ્રારંભ કરવા માંગતું હોય તો તેણે આ જ તિથિથી તેની શરૂઆત કરવી જોઈએ. તે વિશેષ ફળદાયી બની રહેશે. કારણ કે, ઉત્પત્તિ એકાદશી એ દેવી એકાદશીનો પ્રાગટ્ય દિવસ મનાય છે.

Bhakti: કેવાં-કેવાં ફળની પ્રાપ્તિ કરાવશે ઉત્પત્તિ એકાદશીનું વ્રત ? જાણો વિષ્ણુકૃપા પ્રાપ્ત કરવાની ફળદાયી વિધિ
ફળદાયી એકાદશી

કારતક મહિનાના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશી ઉત્પત્તિ એકાદશીના (Utpatti Ekadashi) નામે પ્રસિદ્ધ છે. વર્ષ દરમિયાન આવતી તમામ એકાદશીમાં આ એકાદશીનું (Ekadashi) આગવું જ મહત્વ છે. પ્રચલિત માન્યતા અનુસાર આ એ જ તિથિ છે કે જે દિવસે શ્રીહરિ વિષ્ણુના દેહમાંથી કન્યારૂપ એકાદશીનું પ્રાગટ્ય થયું હતું. અને દેવીએ અસુર મુરનો વધ કરી દેવતાઓના તેમજ સ્વયં વિષ્ણુના મનોરથને સિદ્ધ કર્યું હતું. એ જ કારણ છે કે તમામ એકાદશીમાં આ એકાદશી અત્યંત ફળદાયી મનાય છે.

ઉત્પત્તિ એકાદશી એ ઉત્પન્ના એકાદશી તેમજ કન્યા એકાદશીના નામે પણ પ્રસિદ્ધ છે. આ વર્ષે અગિયારસની આ તિથિ 30 નવેમ્બર, મંગળવારના રોજ છે. ત્યારે આવો જાણીએ કે આ દિવસે કઈ રીતે વ્રત કરવાથી થશે સવિશેષ ફળની પ્રાપ્તિ ? અને કેવાં કેવાં પુણ્યની પ્રાપ્તિ કરાવશે આ એકાદશી.

વ્રતની વિધિ ⦁ એકાદશીએ સવારે વહેલા ઊઠી, સ્નાન કરી, સ્વચ્છ કપડા પહેરી વ્રતનો આરંભ કરવો. ⦁ આ દિવસે શ્રીહરિની પૂજા કરવી. ઉલ્લેખનીય છે કે આ તિથિએ લક્ષ્મીનારાયણની એકસાથે આરધના કરવી પણ વિશેષ ફળદાયી બની રહેશે. ⦁ બાજોઠ પર લક્ષ્મીનારાયણનું સ્થાપન કરી તેમને પીળુ ચંદન, હળદર મિશ્રિત ચોખા, પીળા ફૂલ, ફળ અને તુલસીદળ અર્પણ કરો. ⦁ ધૂપ, દીપ, દક્ષિણા અને નૈવેદ્ય અર્પણ કરો. ⦁ ઉત્પત્તિ એકાદશીની વ્રત કથા વાંચી પ્રભુની આરતી ઉતારો. ⦁ આ દિવસે શક્ય હોય તો અચૂક ગાયને લીલું ઘાસ નીરવું તેમજ પક્ષીઓને ચણ નાંખવું. ⦁ સમગ્ર દિવસ ઉપવાસ રાખી દ્વાદશીએ વ્રતના પારણાં કરવા.

ઉલ્લેખનીય છે કે, ઉત્પત્તિ એકાદશી એ દેવી એકાદશીનો પ્રાગટ્ય દિવસ મનાય છે. એટલે એવી માન્યતા પ્રવર્તમાન છે કે જો કોઈ એકાદશીના વ્રતનો પ્રારંભ કરવા માંગતું હોય તો તેણે આ જ તિથિથી તેની શરૂઆત કરવી જોઈએ. તે વિશેષ ફળદાયી બની રહેશે.

ફળદાયી એકાદશી ⦁ માન્યતા અનુસાર જે જીવ ઉત્પત્તિ એકાદશીએ ઉપવાસ કરે છે તે વૈકુંઠધામમાં નિવાસ કરે છે, કે જ્યાં સ્વયં ભગવાન ગરુડધ્વજ શ્રીહરિ વિદ્યમાન થયા છે. ⦁ જે મનુષ્ય એકાદશીના માહાત્મ્યનું પઠન કરે છે તેને હજાર ગૌદાનનું પુણ્ય પ્રાપ્ત થાય છે. ⦁ જે દિવસે અથવા તો રાત્રિએ પણ આ એકાદશીના મહત્વનું શ્રવણ કરે છે, તે વિવિધ પ્રકારના પાપકર્મથી મુક્તિ મેળવી લે છે. ⦁ માન્યતા અનુસાર આ એકાદશીની સમાન પાપનાશક વ્રત બીજું કોઈ જ નથી. તે આ જન્મના જ નહીં, પૂર્વ જન્મના પાપોનો પણ નાશ કરી દે છે. ⦁ આ એકાદશી એ મોક્ષની પ્રાપ્તિ કરાવનારી મનાય છે. ⦁ પુરાણોમાં ઉલ્લેખ છે તે અનુસાર આ એકાદશીથી અશ્વમેધ યજ્ઞના પુણ્યની પ્રાપ્તિ થાય છે. ⦁ મુશ્કેલમાં મુશ્કેલ તપસ્યા, તીર્થસ્નાન તેમજ દાનકર્મથી પણ શ્રેષ્ઠ ફળ પ્રદાન કરનારું છે આ એકાદશીનું વ્રત.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચોઃ જાણો શ્રીકૃષ્ણ સાથે જોડાયેલા આ રસપ્રદ પ્રતિક, તમારા ઘરને પણ ખુશીઓથી ભરી દેશે આ વસ્તુઓ !

આ પણ વાંચોઃ જાણો છો શિવાલયમાં કેમ હોય છે કાચબો ? ફટાફટ જાણી લો આ રહસ્ય

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati