ગોપાષ્ટમી સાથે ભગવાન શ્રીકૃષ્ણનો શું છે નાતો ? આ વિધિ સાથેની ગૌપૂજા બનશે વિશેષ લાભદાયી!
જે વ્યક્તિ આસ્થા સાથે ગોપાષ્ટમીએ (gopashtami) ગાય માતાની અને ભગવાન શ્રીકૃષ્ણની આરાધના કરે છે, તેના જીવનમાં ક્યારેય કોઈ વસ્તુની ખોટ નથી વર્તાતી. ગોપાષ્ટમીના પૂજનથી પરિવારમાં ખુશીઓનું આગમન થાય છે. અને સુખ-શાંતિ, સમૃદ્ધિ સ્થિર રહે છે.

હિન્દુ ધર્મમાં ગાયને માતાનું સ્થાન આપવામાં આવ્યું છે. અને એટલે જ આપણે ત્યાં ગૌપૂજાનો સવિશેષ મહિમા રહેલો છે. એટલું જ નહીં, સમગ્ર વર્ષ દરમિયાન એવાં અનેક ઉત્સવો આવે છે, કે જે દિવસે ગૌપૂજનનું મહત્વ અનેકગણું વધી જાય છે. જેમ કે, બોળચોથ, વાઘબારસ તેમજ ગોપાષ્ટમી. સવિશેષ તો વૈષ્ણવ સંપ્રદાયમાં ગોપાષ્ટમીનાઉત્સવનું અદકેરું જ મહત્વ છે. કારણ કે આ પર્વ ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલો છે. કારતક સુદી અષ્ટમીની તિથિને ગોપાષ્ટમી તરીકે ઉજવવામાં આવે છે. આ વખતે આ તિથિ 1 નવેમ્બર, મંગળવારના રોજ છે. ત્યારે આવો, આજે આપણે આ ઉત્સવની મહત્તાને જાણીએ.
ગોપાષ્ટમી સાથે શ્રીકૃષ્ણનો નાતો !
ભગવાન કૃષ્ણ અને ભાઈ બલરામ બંન્નેવ બાળપણથી જ ગોકુળમાં ઉછર્યા હતા. ગોકુળ એ ગોવાળોની એટલે કે ગોપાલકોની નગરી હતી. ગોવાળ એટલે એ કે જે ગાયોને પાળે. કૃષ્ણ અને બલરામને પણ ગાયની સેવાનું અને તેમની રક્ષાનું શિક્ષણ આપવામાં આવ્યું હતું. પ્રચલિત કથા એવી છે કે એ કારતક સુદ અષ્ટમીની જ તિથિ હતી, કે જે દિવસે નાનકડાં કાન કુંવરજીએ ગાયો ચરાવવા જવાનો પ્રારંભ કર્યો હતો. કહે છે કે ગોપાષ્ટમીના એક દિવસ પહેલા શ્રીકૃષ્ણ અને ભાઈ બળભદ્રએ ગાયના પાલન-પોષણનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરી લીધું હતું. અને પછી ગોપાષ્ટમીથી ગાયો ચરાવવાનો પ્રારંભ કર્યો હતો.
કોની કરશો પૂજા ?
ગોપાષ્ટમીના દિવસથી જ ભગવાન શ્રીકૃષ્ણએ ગાયો ચરાવવા જવાનો પ્રારંભ કર્યો હતો. એટલે કે તે કારતક સુદી અષ્ટમીની જ તિથિ હતી કે જે દિવસે શ્રીકૃષ્ણ ગોપાલ બન્યા હતા. અને એટલે જ આ દિવસની ગૌપૂજા સવિશેષ ફળદાયી મનાય છે. આ દિવસે વાછરડા સાથેની ગાયની પૂજા કરવાથી શ્રીકૃષ્ણ અત્યંત પ્રસન્ન થાય છે. એટલે કે, ભક્તને ગાયના આશિષ તો પ્રાપ્ત થાય જ છે. સાથે જ, તે શ્રીકૃષ્ણની કૃપાનો પણ હકદાર બની જાય છે. ત્યારે આવો, ગાય અને શ્રીકૃષ્ણની પ્રસન્નતા માટેની ખાસ વિધિ જાણીએ.
ગોપાષ્ટમીની વિશેષ પૂજા
⦁ ગોપાષ્ટમીએ સવારે વહેલા ઉઠી નિત્યકર્મથી પરવારીને સર્વ પ્રથમ વ્રત-પૂજાનો સંકલ્પ લો.
⦁ દૂધ આપનારી ગાય અને તેના વાછરડાને માળા પહેરાવીને તિલક લગાવો.
⦁ એક નાના પાત્રમાં પાણી, ચોખા, સફેદ તલ અને ફૂલ ભેગા કરીને તેને ગાયના ચરણ પર અર્પણ કરો. આ સમયે નીચે જણાવેલ મંત્રનો જાપ કરો.
ફળદાયી મંત્ર
ક્ષીરોદાર્ણવસમ્ભૂતે સુરાસુરનમસ્કૃતે ।
સર્વદેવમયે માતર્ગૃહાણાર્ધ્ય નમો નમઃ ।।
⦁ આ દિવસે શક્ય હોય તો ગાયની 9 પ્રદક્ષિણા કરવી. જો શક્ય ન હોય તો 1 પ્રદક્ષિણા અચૂક કરવી. કહે છે કે તેનાથી 33 કોટિ દેવી-દેવતાના આશીર્વાદની પ્રાપ્તિ થાય છે.
⦁ આ દિવસે ગાયને લીલા વટાણા અને ગોળ ખવડાવવાની પ્રથા છે. જો એ શક્ય ન બને તો ગાયને લીલું ઘાસ નીરવું. તમે ગાયને રોટલી પણ અર્પણ કરી શકો છો.
⦁ આ દિવસે ગૌપાલકોને દાન આપવું. માન્યતા અનુસાર આ દિવસે વસ્ત્રદાન સવિશેષ ફળદાયી બની રહેશે.
⦁ આમ તો ગોપાષ્ટમીએ ગૌમાતાની પૂજાથી જ ભગવાન શ્રીકૃષ્ણ પણ પ્રસન્ન થઈ જાય છે. પણ, શક્ય હોય તો આ દિવસે કોઈ કૃષ્ણ મંદિરે દર્શને જવું. તેનાથી વિશેષ લાભની પ્રાપ્તિની માન્યતા છે.
ફળપ્રાપ્તિ
⦁ પુરાણોમાં વર્ણિત કથા અનુસાર ગાયમાતામાં 33 કોટિ દેવી-દેવતાઓનો નિવાસ છે. અને એટલે જ, માત્ર ગાયની પૂજા કરવાથી જ વ્યક્તિની અનેકવિધ કામનાઓ સિદ્ધ થઈ જતી હોય છે.
⦁ કહે છે કે જે વ્યક્તિ આસ્થા સાથે ગોપાષ્ટમીએ ગાય માતાની અને ભગવાન શ્રીકૃષ્ણની આરાધના કરે છે, તેના જીવનમાં ક્યારેય કોઈ વસ્તુની ખોટ નથી વર્તાતી. ⦁ ગોપાષ્ટમીના પૂજનથી પરિવારમાં ખુશીઓનું આગમન થાય છે. એટલું જ નહીં, સુખ-શાંતિ અને સમૃદ્ધિ સ્થિર રહે છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)