વિષ્ણુ સહસ્ત્ર નામ: સુખી જીવન માટે સંજીવનીબુટ્ટી છે વિષ્ણુસહસ્ત્રનામ સ્તોત્ર
શ્રીહરિ વિષ્ણુનું તો સ્મરણ માત્ર જ દરેક સંતાપોથી મુક્તિ અપાવનારું છે. અને કહે છે કે એમાંય જો આસ્થા સાથે શ્રીહરિના નામનું ઉચ્ચારણ કરવામાં આવે તો તો શ્રદ્ધાળુઓના જીવનના તમામ કષ્ટ નષ્ટ થઈ જાય છે.
આજે વાત એ નામની કરવી છે કે જેનામાં કળિયુગ (kaliyug)ના તમામ સંતાપોને હરવાનું સામર્થ્ય છે. અને તે નામ એટલે વિષ્ણુ સહસ્ત્ર નામ (vishnusahashtranam ). સર્વ પ્રથમ તો એ જાણીએ કે આ વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રથી કેવાં-કેવાં ફળની થશે પ્રાપ્તિ ? શ્રીહરિ વિષ્ણુનું તો સ્મરણ માત્ર જ દરેક સંતાપોથી મુક્તિ અપાવનારું છે. અને કહે છે કે એમાંય જો આસ્થા સાથે શ્રીહરિના નામનું ઉચ્ચારણ કરવામાં આવે તો તો શ્રદ્ધાળુઓના જીવનના તમામ કષ્ટ નષ્ટ થઈ જાય છે.
જ્યારે પ્રભુના એક ‘નામ’ માત્રમાં આટલું સામર્થ્ય હોય ત્યારે વિચાર કરો કે તેમના ‘સહસ્ત્ર’ નામ સ્તોત્રમાં કેટલી શક્તિ હોવાની ? એટલે કે વ્યક્તિને તમામ પ્રકારની મુશ્કેલીઓમાંથી બહાર લાવી સુખી જીવન માટેની સંજીવનીબુટ્ટી સરીખું કામ કરે છે વિષ્ણુસહસ્ત્રનામ સ્તોત્ર.
વાસ્તવમાં તો મહાભારતમાં પણ વિષ્ણુસહસ્ત્રનામ સ્તોત્રની મહિમાનું વર્ણન છે. મહાભારતના અનુશાસનપર્વમાં 149માં અધ્યાયમાં તેનો ઉલ્લેખ છે. જે અનુસાર બાણશૈયા પર સૂતેલાં પિતામહ ભીષ્મને યુધિષ્ઠિરે પૂછ્યું કે
યુધિષ્ઠિર: “હે પિતામહ ! અમને જણાવો, કે દરેકના માટે સર્વોચ્ચ આશ્રય કયો છે ? કે જેનાથી શાંતિ પ્રાપ્ત થઈ શકે, અને અમે ભવસાગરને પાર કરી શકીએ ?”
કહે છે કે ત્યારે પિતામહ ભીષ્મએ જવાબ દેતા કહ્યું કે….
પિતામહ ભીષ્મ: “જગતના પ્રભુ, દેવોના દેવ, અનંત તેમજ પુરુષોત્તમ વિષ્ણુના સહસ્ત્રનામનો જાપ કરવાથી, અચલ ભક્તિથી, સ્તુતિથી, આરાધનાથી, ધ્યાનથી કે નમનથી મનુષ્યને સંસારના બંધનથી મુક્તિ મળી જાય છે. તે જ સર્વોત્તમ ધર્મ છે. “
વિષ્ણુસહસ્ત્રનામ સ્તોત્રનો મહિમા
⦁ હકીકતમાં વિષ્ણુસહસ્ત્રનામમાં કળિયુગના તમામ કષ્ટોને નષ્ટ કરવાની ક્ષમતા છે.
⦁ આ અત્યંત કલ્યાણકારી પાઠ મનને શાંતિ પ્રદાન કરે છે.
⦁ તે સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ કરાવનારો છે.
⦁ મોક્ષની કામના રાખનારાઓ માટે તો તે મુક્તિના દ્વાર પણ ખોલી દે છે.
⦁ વિષ્ણુસહસ્ત્રનામ એ ભગવાન વિષ્ણુ અને શિવ બંન્નેની કૃપાની પ્રાપ્તિ કરાવે છે.
⦁ તે વ્યક્તિને સકારાત્મક ઊર્જાથી પરિપૂર્ણ કરી દે છે.
⦁ અટકેલાં કાર્યો આડેના વિઘ્ન દૂર કરી શીઘ્ર ફળની પ્રાપ્તિ કરાવે છે.
⦁ તે એક શક્તિશાળી કવચની જેમ કાર્ય કરી જીવનમાંથી નકારાત્મક્તાને દૂર કરી દે છે.
⦁ તે લગ્નજીવનની સમસ્યાઓને પણ દૂર કરે છે.
⦁ પારિવારિક કંકાસને દૂર કરી સુખ-શાંતિમાં વૃદ્ધિ કરે છે.
⦁ શેર માટીની ખોટ પણ પૂરે છે.
⦁ માન્યતા અનુસાર શ્રીહરિ જગતના પાલનકર્તા હોઈ સહસ્ત્રનામના પઠનથી પરિવાર વધુ સમૃદ્ધ બને છે.
⦁ વિષ્ણુ સહસ્ત્રનામમાં તો રોગમુક્તિનું પણ સામર્થ્ય છે. તે તો રોગમુક્તિ માટેની સંજીવની છે.
⦁ આયુર્વેદના જનક મનાતા ઋષિ ચરકે ચરકસંહિતામાં તે વિષે નોંધ્યું છે. જે અનુસાર.
“વિષ્ણુ રં સ્તુવન્નામસહસ્ત્રેણ જ્વરાન્ સર્વનપોહતિ । “ અર્થાત્ વિષ્ણુસહસ્ત્ર નામનો પાઠ કરવાથી જ્વર એટલે કે તાવનો નાશ થઈ જાય છે.
⦁ જો રોગી પાઠ કરવા સમર્થ ન હોય તો કોઈ વિદ્વાન પાસે તેના માટે પાઠ કરાવવો. તેનાથી ચોક્કસથી લાભ થાય છે.
⦁ જ્યોતિષશાસ્ત્ર અનુસાર વિષ્ણુસહસ્ત્ર નામનો પાઠ કરવાથી પેટને લગતી તમામ બિમારીઓ દૂર થઈ જાય છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)
આ પણ વાંચો : કૃષ્ણ કૃપાને પ્રાપ્ત કરવા ગુરુવારે અચુક કરો આ મંત્રોનો જાપ અને જુઓ પરિણામ
આ પણ વાંચો : મૃત્યુ બાદ શું થાય છે આત્માનું? જાણો શું કહે છે ગરુડ પુરાણ