જીવનની સમગ્ર પીડાનું શમન કરશે આ મહાશિવરાત્રી, જાણો શિવજીના ફળદાયી અભિષેક
મહાશિવરાત્રી પર મહાદેવ પર થનારા વિવિધ અભિષેક મહાદેવની મહાકૃપાને પ્રાપ્ત કરાવનારા મનાય છે. જેમ કે દૂધમાં સાકર ભેળવીને અભિષેક કરવાથી વ્યક્તિની બૌદ્ધિક ક્ષમતામાં વધારો થાય છે. તો સરસવના તેલથી અભિષેક કરવાથી વ્યક્તિને સર્વ પ્રકારના દુઃખોમાંથી મુક્તિ મળે છે !
શિવ ભક્તો (devotee) સમગ્ર વર્ષ જે અવસરની આતુરતાપૂર્વક રાહ નિહાળતા હોય છે, તે અવસર એટલે મહાશિવરાત્રીનો (mahashivratri) મહા પર્વ. મહાશિવરાત્રી એટલે એ તિથિ કે જે દિવસે શિવ-પાર્વતીના વિવાહ થયા હતા. તો, એક માન્યતા અનુસાર એ મહાશિવરાત્રી જ હતી કે જ્યારે મહેશ્વરે વિશાળ અગ્નિસ્તંભ રૂપે બ્રહ્મા અને વિષ્ણુની પરીક્ષા લીધી હતી. અને પછી જ શિવલિંગ પૂજાના પ્રારંભની શરૂઆત થઈ હતી. એ જ કારણ છે કે દેવાધિદેવની કૃપાને પ્રાપ્ત કરવા માટે મહાશિવરાત્રી સૌથી ફળદાયી મનાય છે.
આ વખતે મહાશિવરાત્રી 1 માર્ચ, મંગળવારના રોજ છે. કહે છે કે ભોળાશંભુ આમ તો જળ માત્રથી જ પ્રસન્ન થઈ જાય છે. ત્યારે, આવો જાણીએ કે મહાશિવરાત્રી પર મહાદેવને જળ સહિત એવાં કયા કયા દ્રવ્યોથી અભિષેક કરવો જોઈએ કે જેનાથી સવિશેષ ફળની પ્રાપ્તિ થઈ શકે ! લૌકિક માન્યતા છે કે મહેશ્વરને અભિષેક કરવાથી વ્યક્તિની વિવિધ પ્રકારની પીડાઓનું શમન થાય છે. આવો, તે વિશે વિગતે માહિતી મેળવીએ.
અભિષેકથી આશુતોષની આરાધના
- દેવાધિદેવને સૌથી વધુ પ્રિય કંઈ હોય તો તે જળ છે. શ્રદ્ધાળુઓ મહાદેવને જળનો અભિષેક કરતા જ હોય છે. પણ, જ્યારે કોઈ વ્યક્તિને તાવ હોય અને તેના વતી મહાદેવ પર જળનો અભિષેક કરીને પ્રાર્થના કરવામાં આવે, તો વ્યક્તિનો જ્વર એટલે કે તાવ શાંત થઈ જાય છે.
- જળમાં કુશા ઉમેરીને મહાદેવને અર્પણ કરવાથી વ્યક્તિને માનસિક શાંતિ મળે છે.
- શેરડીના રસથી શિવજીનો અભિષેક કરવાથી વ્યક્તિને લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. તેમજ સર્વ પ્રકારના આનંદની પ્રાપ્તિ થાય છે.
- માન્યતા અનુસાર મહાશિવરાત્રીએ મહાદેવ પર દૂધનો અભિષેક કરવાથી તે વ્યક્તિને શ્રેષ્ઠ સંતતિના આશિષ પ્રદાન થાય છે.
- શિવલિંગ પર ઘી ની ધારા કરવાથી વ્યક્તિને દરેક કાર્યમાં સફળતા મળે છે. તેમજ વંશવૃદ્ધિ થાય છે.
- દૂધમાં સાકર ભેળવીને અભિષેક કરવાથી વ્યક્તિની બૌદ્ધિક ક્ષમતામાં વધારો થાય છે.
- મહાશિવરાત્રી પર સરસવના તેલથી અભિષેક કરવાથી શત્રુઓનો નાશ થાય છે. સાથે જ સર્વ પ્રકારના દુઃખોમાંથી વ્યક્તિને મુક્તિ મળે છે.
- મહાદેવ પર મધનો અભિષેક કરવાથી વ્યક્તિના રોકાયેલા નાણાં પાછા મળે છે.
- ધંધા રોજગાર સંબંધિત સમસ્યાથી મુક્તિ અર્થે પાણીમાં મધ ભેળવીને શિવજીનો અભિષેક કરવો. આમ, કરવાથી સમસ્યાથી મુક્તિ મળશે અને ધંધા રોજગારમાં અભિવૃદ્ધિ થાય છે.
- મધ મિશ્રિત જળના અભિષેકથી દાંપત્યજીવનના સુખમાં પણ વધારો થાય છે !
- માન્યતા અનુસાર મધથી અભિષેક કરવાથી ટીબી જેવા રોગમાં આરામ મળે છે.
- જો શારિરીક રૂપે અશક્ત કોઇ વ્યક્તિ ભગવાન શિવને ગાયના દૂધનો અભિષેક કરે તો તેની નબળાઈ દૂર થાય છે.
- ગંગાજળથી મહાદેવનો અભિષેક કરવાથી મોક્ષના (મુક્તિના) દ્વાર ખુલી જાય છે.
- શારિરીક કોઇ સમસ્યા હોય તો ગંગાજળમાં કુશા નામનું ઘાસ ઉમેરીને અભિષેક કરવાથી સમસ્યામાંથી મુક્તિ મળે છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.) આ પણ વાંચો : જાણો મહાશિવરાત્રીના ઉપવાસની સાચી વિધિ, ચારેય પહોરની પૂજા કરવાનો આ છે શુભ સમય
આ પણ વાંચો : આ વખતે મહાશિવરાત્રિ પર બની રહ્યો છે ખૂબ જ ખાસ યોગ, જીવનમાંથી તમામ પરેશાનીઓ થશે દૂર