Bhakti: ભીષ્મ દ્વાદશીનો અવસર એટલે પિતૃઓની કૃપાને પ્રાપ્ત કરવાનો સૌથી શ્રેષ્ઠ અવસર!
પ્રચલિત માન્યતા અનુસાર આ તિથિએ વ્રત કરવાથી સમસ્ત બીમારીઓ દૂર થઈ જાય છે. ભીષ્મ દ્વાદશીનું વ્રત એ સમસ્ત પાપોનો નાશ કરનારું મનાય છે. સૌથી વધુ તો આ દિવસ પિતૃ તર્પણ અને પિંડદાન માટે સૌથી શ્રેષ્ઠ છે.
મહા મહિનાના સુદ પક્ષની દ્વાદશી તિથિએ ભીષ્મ દ્વાદશી (Bhishma Dwadashi) તરીકે ઓળખાય છે. આ વખતે આ તિથિ 13 ફેબ્રુઆરી રવિવારના રોજ છે. પિતામહ ભીષ્મના નામને સમર્પીત આ તિથિ વાસ્તવમાં તો પિતૃઓની કૃપાને પ્રાપ્ત કરવા માટે સૌથી શ્રેષ્ઠ મનાય છે. કહે છે કે આજના દિવસે પિંડદાન, તર્પણ કરીને પિતૃઓને પ્રસન્ન કરી શકાય છે. તેમને તૃપ્ત કરીને તેમના આશિષની પ્રાપ્તિ કરી શકાય છે.
શું છે મહિમા?
ભીષ્મ દ્વાદશી સાથે પિતામહ ભીષ્મની કથા જોડાયેલી છે. પ્રચલિત કથા અનુસાર પિતામહ ભીષ્મને તેમના પિતા શાંતનુએ ઈચ્છા મૃત્યુનું વરદાન હતું તો સામે ભીષ્મએ પિતાને વચન આપ્યું હતું કે જ્યાં સુધી તે હસ્તિનાપુરને સંપૂર્ણપણે સુરક્ષિત નહીં જુએ, ત્યાં સુધી તે દેહત્યાગ નહીં કરે. કૌરવો-પાંડવો વચ્ચેના મહાભારત યુદ્ધની કથા બધાં જાણે જ છે. પિતામહ ભીષ્મને હરાવવા સૃષ્ટિમાં કોઈ જ સમર્થ ન હતું. ત્યારે અર્જુને શિખંડીને આગળ કરી ભીષ્મ પર બાણ ચલાવ્યા. એટલા બાણ કે તેની જ શૈય્યા બની અને ભીષ્મ તેના પર ઢળી ગયા. કહે છે કે પૂરા 58 દિવસ સુધી ભીષ્મ બાણશૈય્યા પર રહ્યા હતા!
યુદ્ધિષ્ઠિરના રાજ્યાભિષેક બાદ પિતામહે હસ્તિનાપુરને સુરક્ષિત હાથોમાં જોયું. પરંતુ, દેહત્યાગ માટે તેમણે સૂર્યના ઉત્તરાયણ થવાની રાહ જોઈ. મહાભારતના અનુશાસન પર્વમાં ઉલ્લેખ છે તે અનુસાર સૂર્યના ઉત્તરાયણ થયા બાદ પિતામહે માઘ માસ એટલે કે મહા માસના શુક્લ પક્ષની અષ્ટમીએ દેહ ત્યાગ કરી દીધો. કહે છે કે ત્યારબાદ તેમના આત્માની શાંતિ અર્થે પાંડવોએ મહા સુદ દ્વાદશીએ જ મૃત્યુ બાદની વિધિઓ સંપન્ન કરી હતી.
તેમના માટે તર્પણ અને પીંડદાન આ જ કરવામાં આવ્યું હતું અને એટલે જ આ દિવસ પિતૃ સંબંધી કાર્યો માટે શુભ મનાય છે. કહે છે કે સ્વયં શ્રીકૃષ્ણએ જ આશિષ પ્રદાન કરતા કહ્યું હતું કે, “જે મનુષ્ય ભીષ્મ દ્વાદશીએ તેમના પિતૃઓ માટે દાન તર્પણ કરશે તે સદૈવના માટે તેમના પૂર્વજોને પ્રસન્ન કરી લેશે.”
પિતૃઓની કૃપા અર્થે
⦁ શક્ય હોય તો આ દિવસે વ્રત રાખવું. ઉપવાસ શક્ય ન હોય તો એકટાણું કરવું.
⦁ આ દિવસે પિતૃઓ માટે પિંડદાન, તર્પણ કરવું જોઈએ.
⦁ શક્ય હોય તો પિતૃઓના કલ્યાણ અર્થે બ્રહ્મભોજન કરાવવું.
⦁ આ દિવસે જરૂરિયાતમંદોને ભોજન કરાવવું અથવા તો અન્નનું દાન કરવું.
⦁ પીપળાને દૂધ મિશ્રિત જળ અર્પણ કરવું.
તલનો વિશેષ પ્રયોગ
⦁ ભીષ્મ દ્વાદશીએ તલ બારસના નામે પણ પ્રસિદ્ધ છે.
⦁ શક્ય હોય તો આ દિવસે તલ મિશ્રિત જળથી સ્નાન કરવું જોઈએ.
⦁ શ્રીવિષ્ણુની શાસ્ત્રોક્ત પૂજા કરવી. આ સમયે તલના તેલનો દીપક પ્રજ્વલિત રાખવો.
⦁ પ્રભુને નૈવેદ્ય રૂપે તલના લાડુ અર્પણ કરવા જોઈએ અને પછી તેને જ પ્રસાદ રૂપે ગ્રહણ કરવા જોઈએ.
⦁ શાસ્ત્રોમાં ઉલ્લેખ છે તે અનુસાર આ દિવસે તલનું દાન કરવાથી વિશેષ પુણ્યની પ્રાપ્તિ થાય છે.
⦁ કહે છે કે આ દિવસે તલથી હવન કરવાથી સમસ્ત પ્રકારના કષ્ટ નષ્ટ થાય છે. તેમજ વ્યક્તિને સુખ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.
ઉલ્લેખનીય છે કે આ તિથિ એકાદશી બાદ તરત આવે છે. એટલે જ આ દિવસે ઉપવાસ કરવાથી સમસ્ત પાપોનો નાશ થવાની માન્યતા છે. આ દ્વાદશી તો નિઃસંતાનને સંતાનની પ્રાપ્તિ કરાવનારી તેમજ સઘળી બીમારીઓને પણ દૂર કરનારી મનાય છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)
આ પણ વાંચોઃ શું તમે ઘરમાં નકારાત્મક ઉર્જાથી પરેશાન છો, તો અજમાવો ફટકડીનો આ ઉપાય, ચોક્કસથી લાભ થશે
આ પણ વાંચો: ગણેશ પૂજામાં આ રીતે કરો ચોખાનો પ્રયોગ, વિઘ્નહર્તા આપશે અઢળક આશીર્વાદ