Yogini Ekadashi : એક ભૂલ તમને એકાદશીના પુણ્યથી કરી દેશે દૂર ! જાણો યોગિની એકાદશીએ શું ભૂલથી પણ ન કરવું ?
યોગિની એકાદશીના (Yogini Ekadashi) દિવસે દરેક વ્યક્તિ સાથે પ્રેમભાવ પૂર્વકનું વર્તન કરવું જોઇએ. મનમાં કોઇના માટે દ્વેષ કે ધૃણાની ભાવના ન રાખવી જોઇએ. કહેવાય છે કે વ્રતના દિવસે મન, કર્મ અને વચનની શુદ્ધિ હોવી જરૂરી છે.
જેઠ માસના વદ પક્ષમાં આવતી એકાદશીની (Ekadashi) તિથિ એ યોગિની એકાદશી (Yogini Ekadashi) તરીકે ઓળખાય છે. યોગિની એકાદશીનું વ્રત (Fast) તમામ પાપકર્મનો નાશ કરનારું મનાય છે. માન્યતા અનુસાર જે મનુષ્ય આસ્થા સાથે યોગિની એકાદશીનું વ્રત કરી લે છે, તેના જીવનના (Life) તમામ સંકટોનું શ્રીહરિ (ShreeHari) શમન કરી દે છે. આ વખતે 24 જૂન, શુક્રવારના રોજ આ જ ફળદાયી વ્રતની તિથી છે. અલબત્, આ વ્રત કરનારે કેટલાંક ખાસ નિયમોનું પાલન કરવું અત્યંત જરૂરી છે. તો જ તેને વ્રતથી મળનારા પુણ્યફળની પ્રાપ્તિ થઈ શકે છે. આવો, તે વિશે વિગતે જાણીએ.
યોગિની એકાદશી વ્રતના ઉપાય
⦁ એકાદશીના વ્રતના દિવસે ભગવાન વિષ્ણુને ખીરનો ભોગ અર્પણ કરવો. ખીરમાં તુલસી દળ અવશ્ય મૂકવું. તેનાથી ભગવાન વિષ્ણુ આપની પર પ્રસન્ન થશે અને આપની મનોકામના જલ્દી પૂર્ણ કરશે. ધ્યાન એ વાતનું રાખવું કે એકાદશીના દિવસે ચોખાની ખીર ન બનાવવી. એ જ રીતે તુલસીનું પાન પણ ન તોડવું. એટલે કે પ્રભુના પ્રસાદ માટે આગલા દિવસે જ તુલસીદળ તોડીને રાખી દેવું.
⦁ ભગવાન વિષ્ણુને પંચામૃત ખૂબ પ્રિય છે. યોગિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુનો પંચામૃતથી અભિષેક કરવો જોઈએ. સાથે પંચામૃતને પ્રસાદ સ્વરૂપે ગ્રહણ કરવું જોઇએ. માન્યતા અનુસાર તેનાથી આપની પર ભગવાન વિષ્ણુની કૃપા રહેશે. ધન-ધાન્યમાં વૃદ્ધિ થશે સાથે જ આપની મનોકામનાની પૂર્તિ થશે.
⦁ એકાદશીના વ્રતના દિવસે પૂજા સમયે ભગવાન વિષ્ણુની સાથે દક્ષિણાવર્તી શંખની પણ પૂજા કરવી જોઇએ. પૂજા કરતાં પૂર્વે હળદરવાળા અક્ષત, ચણાની દાળ, ગોળ, પીળા રંગના વસ્ત્રનું દાન અવશ્ય કરવું. આ દાનથી ભગવાન વિષ્ણુની કૃપા આપની પર સદૈવ રહેશે અને આપની સુખ-સમૃદ્ધિમાં વૃદ્ધિ થશે.
⦁ કશું જ ન થઈ શકે તો પણ, યોગિની એકાદશીના દિવસે પીપળાના વૃક્ષમાં જળ અર્પણ કરવું જોઈએ. ત્યારબાદ ત્યાં એક દીપ પ્રગટાવવો જોઇએ. પીપળાના વૃક્ષમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે. માન્યતા એવી છે કે આ કાર્ય કરવાથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ સદૈવ આપની પર રહેશે.
⦁ એકાદશીના દિવસે સાંજે તુલસીક્યારાની પૂજા કરવી. તુલસીક્યારે ઘીનો દીવો પ્રજવલિત કરવો અને તેની ઓછામાં ઓછી 5 થી 11 પરિક્રમા કરવી. આ કાર્યથી આપના ધન-ધાન્યમાં વૃદ્ધિ થશે અને આપનું જીવન સુખમય રહેશે.
યોગિની એકાદશી વ્રતમાં કઈ બાબતોનું રાખશો ધ્યાન ?
⦁ જે વ્યક્તિ એકાદશીનું વ્રત કરે છે તેણે પાપકર્મ ન કરવા અને અસત્ય ન બોલવું જોઇએ. જો આપ એકાદશીનું વ્રત કરો છો તો પણ તમારા અસત્ય વચનોને કારણે આપને પુણ્યની પ્રાપ્તિ નથી થતી.
⦁ એકાદશીનું વ્રત કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. પરંતુ એનો અર્થ એ બિલકુલ નથી કે તમે અધર્મ કરતા રહો. અધર્મની સાથે કરવામાં આવેલ યોગિની એકાદશીના વ્રતને કારણે આપને મૃત્યુ પછી પણ આપના આ કર્મોનું ફળ તો ભોગવવું જ પડે છે.
⦁ એકાદશીના વ્રતના દિવસે વાળ ન ધોવા જોઇએ. આ તિથિએ સાબુ તેમજ તેલનો ઉપયોગ નિષેધ છે. જો તમે આ વસ્તુઓનો ઉપયોગ એકાદશીના દિવસે કરો છો તો તમને ભગવાન વિષ્ણુની પ્રસન્નતા પ્રાપ્ત નથી થતી.
⦁ એકાદશીના વ્રતના દિવસે ગુસ્સો ન કરવો તેમજ કોઇના પણ વિશે ઉતરતી વાત ન કરવી.
⦁ આ દિવસે દરેક વ્યક્તિ સાથે પ્રેમભાવ પૂર્વકનું વર્તન કરવું જોઇએ. મનમાં કોઇના માટે દ્વેષ કે ધૃણાની ભાવના ન રાખવી જોઇએ. કહેવાય છે કે વ્રતના દિવસે મન, કર્મ અને વચનની શુદ્ધિ હોવી જરૂરી છે.
⦁ હિન્દુ ધર્મમાં જીવહત્યાને અપરાધ માનવામાં આવે છે. એકાદશીના દિવસે ઘરમાં ઝાડુ ન લગાવવું જોઇએ. એટલે કે, એક દિવસ પહેલા જ ઘરની સાફ-સફાઇ કરી લેવી જોઇએ. કારણ કે ઝાડુ લગાવવાથી કોઇપણ પ્રકારના નાના જીવજંતુઓ મૃત્યુ પામતા હોય છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)