Ganesh Chaturthi 2022 : જાણો જયપુરના ‘મોતી ડૂંગરી’ના મહાભિષેકની મહત્તા, ક્યાંથી આવે છે આટલા લાડુ ?

મંદિરમાં (Temples) જોવા મળતા લાડુની (Ladu) સંખ્યા અને તેના વિશાળ કદ જ એ અભિવ્યક્ત કરવા પૂરતાં હોય છે કે ગજાનને કેટલાં ભક્તોની (Devoties) મનોકામના અહીં પૂર્ણ કરી છે. અહીં લાડુઓની સંખ્યા એટલી બધી હોય છે કે આખું મંદિર જ લાડુથી ભરાઈ જાય છે ! નાના, મોટા અને અત્યંત વિશાળ કદના લાડુ સૌ કોઈને દંગ કરી દે છે.

Ganesh Chaturthi 2022 : જાણો જયપુરના ‘મોતી ડૂંગરીના મહાભિષેકની મહત્તા, ક્યાંથી આવે છે આટલા લાડુ ?
Moti Dungri, Jaipur
| Edited By: | Updated on: Sep 04, 2022 | 6:14 AM

ગણેશોત્સવ (Ganeshotsav) દરમ્યાન ઘર-ઘરમાં ભગવાન ગણપતિ (Lord ganpati) બિરાજમાન હોય છે. સાથે જ, આ મહોત્સવ દરમ્યાન ગણેશજીના મંદિરોમાં (Temples) દર્શન કરવાની પણ પરંપરા છે. દેશભરમાં અનેક એવા ગણેશ મંદિર છે, જેનો ઇતિહાસ સેંકડો વર્ષ જૂનો છે અને ગણેશ મહોત્સવ દરમ્યાન આ મંદિરોમાં હજારો ભક્ત પહોંચે છે. એમાંથી જ એક મંદિર એટલે રાજસ્થાનના જયપુરથી (jaipur) લગભગ 6 કિલોમીટરના અંતરે આવેલું મોતી ડૂંગરી (moti dungri). મોતી ડુંગરી એ તેના પર આવેલા બીરલા મંદિર અને ભવ્ય કિલ્લા માટે સમગ્ર ભારતમાં પ્રસિદ્ધ છે. અને આ કિલ્લાની તળેટીમાં જ આવેલું છે મંગલમૂર્તિનું ‘મંગલમય’ સ્થાનક. એટલે કે, મોતી ડૂંગરી ગણેશજીનું મંદિર. મોતી ડૂંગરી ગણેશજીના મંદિરને બહારથી નીહાળતા તો એમ જ લાગે કે જાણે કોઈ નાનકડો રાજમહેલ હોય. પણ, વાસ્તવમાં આ મંદિર એ નાગરશૈલી અને પાશ્ચાત્ય સ્થાપત્ય શૈલીનું મિશ્રિત સર્જન છે. મંદિર વધારે ભવ્ય તો નથી, પરંતુ, સુંદર ભાસે છે. અને એનાથીયે સુંદર તો છે મંદિરના ગર્ભગૃહમાં સિંહાસન પર આરૂઢ થયેલાં મોતી ડૂંગરી ગણેશજી.

અહીં સ્થાનકની મધ્યે વિઘ્નહર્તાનું અત્યંત મહાકાય રૂપ સ્થાપિત થયું છે. ભાગ્યે જ કોઈ મંદિર મધ્યે વક્રતુંડના આવાં વિશાળકાય રૂપના દર્શન થતાં હશે. મંગલમૂર્તિનું આ રૂપ ખૂબ જ વિશાળ અને માયા લગાવનારું છે. સિંહાસન પર આરૂઢ સિંદૂરી ગણેશજીનું રૂપ અત્યંત દિવ્ય ભાસે છે. તેમની આ દિવ્યતાથી ખેંચાઈને જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મોતી ડૂંગરીના સાનિધ્યે ઉમટી પડે છે.

મોતી ડૂંગરી ગણેશજીની મૂર્તિ લગભગ 500 વર્ષ પ્રાચીન મનાય છે. પ્રચલિત કથા કંઈક એવી છે, કે મેવાડના માવલીના રાજા ઘણાં વર્ષો બાદ તેમના મહેલે પરત ફરી રહ્યા હતાં. તે સમયે તેમણે ગુજરાતમાં એક ભવ્ય ગણેશ પ્રતિમાનું નિર્માણ કરાવ્યું. તે મૂર્તિને ગાડામાં સ્થાપિત કરી તેમણે નક્કી કર્યું, કે ગાડાના પૈડાં જ્યાં સૌથી પહેલાં થંભશે ત્યાં તે આ ભવ્ય ગણેશ પ્રતિમાનું સ્થાપન કરશે. કહે છે કે ગાડું સર્વ પ્રથમ જયપુરના એ જ ડુંગર પાસે આવીને અટક્યું કે જ્યાં આજે વિઘ્નહર્તા બિરાજમાન છે. આ ડુંગર તેના મોતી જેવાં આકારને લીધે મોતી ડૂંગરીના નામે ઓળખાતો. અને પછી તો તેમની જ ઈચ્છાથી અહીં વિદ્યમાન થયેલાં ગજાનન પણ મોતી ડૂંગરી ગણેશના નામે જ ખ્યાત બન્યા.

ગજાનન ગણેશજીને લડ્ડુ અત્યંત પ્રિય હોવાનું તો સૌ કોઈ જાણે જ છે. અને એટલે જ જ્યારે પણ ભક્તો કોઈ ગણેશ મંદિરે જતાં હોય ત્યારે તેઓ લાડુ પ્રસાદ તો અચૂક તેમની સાથે લઈને જતા જ હોય છે. પણ દર વર્ષે ગણેશ ચતુર્થીના અવસર પર મોતી ડૂંગરીના સાનિધ્યે મેળો લાગે છે. જેમાં ભક્તો તેમની મનોકામનાપૂર્તિના ભાગ રૂપે વિઘ્નહર માટે લાડુ લઈને આવે છે. આ લાડુઓની સંખ્યા એટલી બધી હોય છે કે આખું મંદિર જ લાડુથી ભરાઈ જાય છે ! નાના, મોટા અને અત્યંત વિશાળ કદના લાડુ સૌ કોઈને દંગ કરી દે છે. વિશ્વમાં એક માત્ર મોતી ડૂંગરીમાં જ યોજાતા આ અનોખાં ઉત્સવને નિહાળવા ભક્તો સદૈવ આતુર રહેતા હોય છે.

માન્યતા અનુસાર મંદિરમાં જોવા મળતા લાડુની સંખ્યા અને તેના વિશાળ કદ જ એ અભિવ્યક્ત કરવા પૂરતાં હોય છે કે ગજાનને કેટલાં ભક્તોની મનોકામના અહીં પૂર્ણ કરી છે. અને એટલે જ તો ભક્તો વારંવાર મોતી ડૂંગરીના આશિષ લેવાં અહીં ઉમટી પડતા હોય છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)