રુદ્રાક્ષ ધારણ કરતા પહેલાં આ નિયમનું કરજો પાલન, નહીંતર ફાયદાની બદલે થઇ જશે નુકસાન !

TV9 Bhakti

|

Updated on: Mar 13, 2023 | 6:49 AM

રુદ્રાક્ષને (Rudraksha) ક્યારેય અશુદ્ધ હાથે સ્પર્શવું જોઇએ નહીં. સ્નાન કર્યા બાદ શુદ્ધ થઇને રુદ્રાક્ષ ધારણ કરવો જોઇએ. એ જ રીતે તમે સ્વયં પહેરેલો રુદ્રાક્ષ ક્યારેય કોઇ અન્યને પહેરવા ન આપવો જોઇએ. પછી ભલે તે અન્ય તમારું ખૂબ જ અંગત કેમ ન હોય !

રુદ્રાક્ષ ધારણ કરતા પહેલાં આ નિયમનું કરજો પાલન, નહીંતર ફાયદાની બદલે થઇ જશે નુકસાન !

Follow us on

ધર્મગ્રંથોમાંથી રુદ્રાક્ષ વિશે વિસ્તૃત જાણકારી મળે છે. રુદ્રાક્ષમાં રુદ્ર એટલે શિવજી અને અક્ષ એટલે આંસુ. અર્થાત્, રુદ્રાક્ષ એટલે શિવજીના આંસુ. સ્વયં શિવરૂપ મનાતા આ રુદ્રાક્ષ વિના મહાદેવનો શણગાર અધૂરો માનવામાં આવે છે ! શિવમહાપુરાણમાં પણ રુદ્રાક્ષ વિશે વિસ્તારમાં જણાવવામાં આવ્યું છે. માન્યતા એવી છે કે તેને પહેરવાથી અનેક પ્રકારના ફાયદા થાય છે તેમજ દરેક પ્રકારની પરેશાનીમાંથી મુક્તિ મળે છે. પરંતુ, એક ખાસ વાત યાદ રાખવા જેવી છે કે તમે રુદ્રાક્ષ ધારણ કરો છો તો તેના માટે ઘણા નિયમોનું પાલન પણ એટલું જ જરૂરી છે ! નહીંતર શુભ ફળ પ્રદાન કરતા રુદ્રાક્ષ આપને નુકસાન પણ પહોંચાડી શકે છે ! તો ચાલો, આજે આપણે રુદ્રાક્ષ ધારણ કરવાના નિયમો જાણીએ.

રુદ્રાક્ષ ધારણ કરવાના નિયમ !

⦁ રુદ્રાક્ષ ધારણ કરતા પહેલા કોઇ વિદ્વાનની સલાહ જરૂરથી લેવી જોઈએ. કારણ કે, રુદ્રાક્ષ ઘણાં પ્રકારના હોય છે. આપની કુંડળી અનુસાર કયો રુદ્રાક્ષ આપના માટે લાભદાયી છે, તેની સંપૂર્ણ જાણકારી તમને વિદ્વાન પાસેથી જ મળશે.

⦁ રુદ્રાક્ષ ખરીદતી વખતે ખાસ ધ્યાન રાખવું કે તે ખંડિત તો નથી ને ! કારણ કે, ખંડિત કે તૂટેલો રુદ્રાક્ષ આપને લાભને બદલે નુકસાન કરાવી શકે છે !

⦁ રુદ્રાક્ષ ધારણ કરતા પહેલા તેનું શુદ્ધિકરણ કરવું જોઇએ. એ કામ કેવી રીતે કરવું તેના માટે આપે જાણકાર વિદ્વાનની સલાહ જરૂરથી લેવી જોઇએ.

⦁ રુદ્રાક્ષને માત્ર એક દોરામાં પરોવીને પણ ધારણ કરી શકાય છે. પરંતુ, જો તમે ઇચ્છો તો તેને ચાંદી કે સોનામાં મઢાવીને પણ ધારણ કરી શકો છો. એક વાત ખાસ ધ્યાનમાં રાખવી કે જો તમે રુદ્રાક્ષની માળા ધારણ કરવા ઇચ્છો છો, તો તેમાં ઓછામાં ઓછા 27 મણકા તો જરૂરથી હોવા જોઈએ.

⦁ રુદ્રાક્ષને બહુ જ પવિત્ર માનવામાં આવે છે. એટલે તેને ક્યારેય અશુદ્ધ હાથે સ્પર્શવું જોઇએ નહીં. સ્નાન કર્યા બાદ શુદ્ધ થઇને જ રુદ્રાક્ષ ધારણ કરવો જોઇએ.

⦁ રુદ્રાક્ષ ધારણ કરતી વખતે શિવજીના સૌથી સરળ મંત્ર “ૐ નમઃ શિવાય”નું ઉચ્ચારણ કરવું જોઇએ.

⦁ રુદ્રાક્ષની માળા પહેરીને તામસીક ભોજન ગ્રહણ ન કરવું અને ન તો સ્ત્રીગમન કરવું. તેનાથી આપ દોષના ભાગી બનો છો. રુદ્રાક્ષ ધારણ કરનારે મદીરાપાન કે કોઇપણ પ્રકારની નશીલી વસ્તુઓના સેવનથી દૂર રહેવું જોઇએ. નહીંતર ભવિષ્યમાં આપને તેના ખરાબ પરિણામ ભોગવવા પડી શકે છે.

⦁ તમે સ્વયં પહેરેલો રુદ્રાક્ષ ક્યારેય કોઇ અન્યને પહેરવા ન આપવો જોઇએ. પછી ભલે તે અન્ય તમારું ખૂબ જ અંગત કેમ ન હોય !

⦁ શિવમહાપુરાણમાં રુદ્રાક્ષના 14 પ્રકાર દર્શાવવામાં આવ્યા છે. સાથે જ તેના આકાર પણ દર્શાવવામાં આવ્યા છે. એટલે રુદ્રાક્ષ ધારણ કરો ત્યારે આ વાત પણ ખાસ ધ્યાનમાં રાખવી.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Latest News Updates

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati