Bhakti: કાર્તિક પૂર્ણિમાના અવસરે કરો આ ઉપાય, પ્રાપ્ત થશે હરિહર અને મા ગંગાના આશીર્વાદ
દિવાળીની જેમ જ કારતક પૂર્ણિમાનો ઉત્સવ દીપ પ્રજ્વલિત કરીને ઉજવવામાં આવે છે. તો આ સાથે જ આ દિવસે ગંગા સ્નાન, દીપદાનનો પણ મહિમા છે. તે હરિહર અને મા ગંગાના આશિષની પ્રાપ્તિ કરાવનારો અવસર છે.
કારતક સુદ પૂર્ણિમા (kartik purnima) આ વર્ષે 19 નવેમ્બર, શુક્રવારના રોજ ઉજવાશે. વર્ષમાં કુલ 15 પૂનમ આવતી હોય છે. અધિકમાસના સંજોગોમાં આ સંખ્યા વધીને 16 થઈ જાય છે. અલબત્, આ તમામ પૂર્ણિમાની સરખામણીમાં કારતક સુદ પૂર્ણિમાની આગવી જ મહત્તા છે. આ પૂનમ ત્રિપુરી પૂર્ણિમા તેમજ ત્રિપુરારી પૂર્ણિમા તરીકે પણ પ્રસિદ્ધ છે. તો આ દિવસે ગંગાસ્નાનનું વિશેષ મહત્વ હોઈ તે ગંગા સ્નાન તરીકે પણ ઓળખાય છે.
માન્યતા અનુસાર સૃષ્ટિના આરંભથી આ તિથીનું ખૂબ જ મહત્વ રહ્યું છે. પુરાણોમાં આ તિથિ સ્નાન, વ્રત, તપની દૃષ્ટિએ મોક્ષ પ્રદાન કરનારી મનાય છે. આનું મહત્વ માત્ર વૈષ્ણવ ભક્તોમાં જ નહીં, પરંતુ, શૈવપંથીઓ અને શીખ ધર્મના લોકો માટે પણ ખાસ છે.
વિષ્ણુ ભક્તો માટે આ દિવસ ખૂબ જ મહત્વનો મનાય છે. કારણ કે ભગવાન વિષ્ણુએ આ જ દિવસે મત્સ્ય એટલે કે માછલીના રૂપમાં પ્રાગટ્ય કર્યું હતું. તે તેમનો પ્રથમ અવતાર હતો. તેમણે પ્રલયકાળમાંથી લોકોને ઉગારી સૃષ્ટિનું નિર્માણ સરળ કર્યું. તો, આ જ તિથિએ મહેશ્વરે મહાભયાનક અસુર ત્રિપુરાસુરનો સંહાર કર્યો હતો. જેને લીધે શ્રીવિષ્ણુએ શિવજી ત્રિપુરારી કહી સંબોધ્યા. તેના પરથી જ આ પૂનમ ત્રિપુરારી પૂર્ણિમાના નામે પ્રસિદ્ધ થઈ.
શીખ ધર્મમાં કારતક પૂર્ણિમાને પ્રકાશોત્સવના રૂપમાં ઉજવવામાં આવે છે. કારણ કે આ દિવસે શીખ સંપ્રદાયના સંસ્થાપક ગુરુ નાનકદેવનો જન્મ થયો હતો. એટલે શીખ સંપ્રદાયના અનુયાયીઓ સવારે સ્નાન કરી ગુરુદ્વારામાં જઇને ગુરુવાણી સાંભળે છે અને નાનકજીના બતાવેલા રસ્તા પર ચાલવાની પ્રતિજ્ઞા લે છે. એટલે જ આને ગુરુ પર્વ પણ કહેવામાં આવે છે.
દિવાળીની જેમ જ કારતક પૂર્ણિમાનો ઉત્સવ દીપ પ્રજ્વલિત કરીને ઉજવવામાં આવે છે. તો આ સાથે જ આ દિવસે ગંગા સ્નાન, દીપદાન, તેમજ અન્ય ધાર્મિક કાર્યની પણ વિશેષ મહત્તા છે.
શું ખાસ કરવું ? 1. કારતક સુદ પૂનમે ગંગાસ્નાનનો વિશેષ મહિમા છે. જો શક્ય હોય તો આ દિવસે ગંગાસ્નાન કરવું. એવું મનાય છે કે કારતક પૂર્ણિમાના દિવસે શ્રદ્ધાપૂર્વક ગંગા સ્નાન કરવાથી આખા વર્ષ દરમિયાન ગંગા મૈયા તેના ભક્તો પર પ્રસન્ન રહે છે. આ દિવસે તીર્થ સ્નાનની પ્રથા છે. ગંડક, કુરુક્ષેત્ર, અયોધ્યા, યમુના, ગોદાવરી, નર્મદા, કાશીમાં સ્નાન કરવાથી વિશેષ પુણ્યની પ્રાપ્તિ થાય છે.
2. જો તીર્થમાં ગંગાસ્નાન કરવું શક્ય ન હોય તો ઘરે જ નીચે જણાવેલ શ્લોક સાથે સ્નાન કરવું. કહે છે કે તેનાથી ગંગાસ્નાન સમાન જ પુણ્યની પ્રાપ્તિ થશે. ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી । નર્મદે સિન્ધુ કાવેરી જલે અસ્મિન સન્નિધિમ્ કુરુ ।।
3. પૂર્ણિમાએ જ્યારે આકાશમાં ચંદ્રોદય થાય તે સમયે શિવા, સંભૂતિ, સંતતિ, પ્રીતી, અનુસૂયા અને ક્ષમા આ છ કૃતિકાઓનું પૂજન કરવું. કહે છે કે તેનાથી શિવજી પ્રસન્ન થશે. માન્યતા અનુસાર આ દિવસે કૃતિકામાં શિવશંકરના દર્શન કરવાથી સાત જન્મો સુધી વ્યક્તિ જ્ઞાની અને ધનવાન બને છે.
4. કારતક પૂર્ણિમા દિવાળીના 15 દિવસ પછી આવે છે. એટલે કે અંધારાનો સર્વનાશ કરે છે. એટલે આ દિવસે ભગવાનની આરાધના કરવાથી તામસિ પ્રવૃત્તિઓનો નાશ થાય છે. ધાર્મિક ગ્રંથોમાં એમ પણ કહેવાયું છે કે આમ કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે.
આ પણ વાંચો : હિંદુ ધર્મમાં આ વૃક્ષ અને છોડ ખૂબ જ પવિત્ર મનાય છે, જાણો તેનું આધ્યાત્મિક મહત્વ અને મહિમા
આ પણ વાંચો : પરમાત્મા સુધી પહોંચાડતો પથ એટલે પ્રાર્થના ! ક્યાંક તમે તો નથી કરતાંને પ્રાર્થનામાં આ ભૂલ?