ભડલી (BHADALI) નોમ એટલે અષાઢ માસની ગુપ્ત નવરાત્રીનો નવમો દિવસ. શાસ્ત્રોમાં આ તિથિનું ખૂબ જ મહત્વ વર્ણવાયું છે. આ દિવસે કોઈ પણ શુભકાર્ય મુહૂર્ત જોયા વિના કરી શકાય છે. આ દિવસે કરવામાં આવતા લગ્ન પણ ખૂબ જ માંગલિક રહે છે. અખાત્રીજ અને વસંત પંચમીની જેમ જ આ તિથિ પણ વણજોયું મુહૂર્ત મનાય છે. આ દિવસે વિવાહ જેવા શુભ કાર્યો કરવામાં આવે છે, જેના માટે કોઈ જ મૂહુર્ત જોવાની જરૂર નથી પડતી.
ઉત્તર ભારતમાં આ તિથીનું ખૂબ જ મહત્વ છે. ત્યાં આ તિથીને લગ્ન કરવા માટેનું શ્રેષ્ઠ મૂહુર્ત માનવામાં આવે છે. આ દિવસને લગ્ન કરવા માટેનો છેલ્લો દિવસ ગણવામાં આવે છે. કારણ કે, આ તિથિના બે દિવસ બાદ દેવપોઢી એકાદશી આવે છે અને ભગવાન વિષ્ણુ ચાર માસ માટે નિંદ્રામાં જતા રહે છે. એટલે કે, ચાર મહિના માટે કોઈ પણ પ્રકારના શુભ કાર્યો કરી શકાતા નથી.
માન્યતા અનુસાર પ્રભુ નિંદ્રાધીન હોઈ આવતા 4 મહિનાઓ સુધી ભગવાન વિષ્ણુના શુભ આશિષ પણ પ્રાપ્ત નથી કરી શકાતા અને એટલે જ ભડલી નોમ શુભ તિથિ હોઈ આ દિવસે માંગલિક કાર્યો યોજી ભક્તો ભગવાનની કૃપાને પ્રાપ્ત કરવા આતુર રહેતા હોય છે.
ભડલી નોમના દિવસે આમ તો વિષ્ણુજીની આરાધનાનો મહિમા છે. પણ, આ દિવસે ગણેશજી, શિવજી અને દેવી પાર્વતીની પૂજા પણ શુભદાયી મનાય છે. આ દિવસે શિવલિંગ પાસે દીવો પ્રગટાવી “ૐ ઉમામહેશ્વરાભ્યાં નમઃ ।” મંત્રનો જાપ કરો. મંત્ર જાપ ઓછામાં ઓછો 108 વખત કરો. મંત્ર જાપ માટે રુદ્રાક્ષની માળાનો ઉપયોગ કરવો જોઇએ.
પૂજા બાદ જરૂરિયાતમંદ લોકોને ધન અને અનાજનું દાન કરો. લગ્નજીવનમાં સુખ-શાંતિ જાળવી રાખવા માટે પતિ-પત્નીએ શિવલિંગની પૂજા એકસાથે કરવી જોઈએ અને જળાધારી ઉપર કંકુ, હળદર, લાલ બંગડી, લાલ સાડી, લાલ ગુલાબ ચઢાવવા જોઇએ.
દર વર્ષે અષાઢી નોમના દિવસે ભડલી નોમનો તહેવાર ઉજવવામાં આવે છે. નવમી તિથિ હોઈ તે ગુપ્ત નવરાત્રીની પૂર્ણાહુતિનો પણ દિવસ છે અને એટલે જ તે વિવિધ પ્રકારની સિદ્ધિની પ્રાપ્તિનો દિવસ પણ મનાય છે. કહે છે કે ભડલી નોમના દિવસે જે લોકોના લગ્ન થાય છે તેમનું વૈવાહિક જીવન ખૂબ જ સંપન્ન રહે છે અને તેમના જીવનમાં કોઈપણ પ્રકારની બાધા નથી આવતી. ભડલી નોમને કંદર્પ નવમી પણ કહેવામાં આવે છે.
ભડલી નોમના દિવસે મુહૂર્ત જોયા વિના જ ગૃહ પ્રવેશ કરી શકાય છે. નવા વાહનની ખરીદી પણ કરી શકાય છે. દુકાન, નવા ધંધાની કે નવા કાર્યોના શુભારંભ માટે પણ આ દિવસ શ્રેષ્ઠ મનાય છે.
આ પણ વાંચો: શું તમે જોયું શ્રીરામજીનું માયા લગાવતું ‘કાલારામ’ સ્વરૂપ ? વાંચો 600 વર્ષનો મંદિર સાથેનો ઈતિહાસ