
ગુજરાતમાં નવરાત્રિની ધૂમધામથી તૈયારીઓ ચાલી રહી છે, ખેલૈયાઓ જોશમાં છે, પણ લાગે છે કે મેઘરાજા આ વખતે ખેલૈયાઓના ઉત્સાહ પર પાણી ફેરવવાના મૂડમાં છે! સુરતથી લઈને સૌરાષ્ટ્ર સુધી, વરસાદનો દોર યથાવત્ છે. ત્યારે શું નવરાત્રિના નવ દિવસોમાં પણ વરસાદ વિઘ્ન બનશે? ચાલો, જાણી લઈએ.
હવામાન વિભાગની આગાહીની વાત કરીએ તો બંગાળની ખાડીમાં એક નવી સાયક્લોનિક સિસ્ટમ બની રહી છે. જેને કારણે આગામી દિવસોમાં કંઈક આ મુજબનો વરસાદ રહે તેવી શક્યતા છે.
નવરાત્રિના પ્રથમ દિવસે ગુજરાત માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના 29 જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે છે. આ વરસાદી માહોલ 1 ઓક્ટોબર સુધી જારી રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદ વધુ અસર કરશે. બીજી તરફ, ઉત્તર ગુજરાતના કચ્છ, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાં વરસાદની કોઈ આગાહી કરવામાં આવી નથી.
નવરાત્રિના હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે આગાહી પ્રમાણે વરસાદ વરસશે તો ખેલૈયાઓને ગરબા ગાવામાં અને માણવામાં મુશ્કેલી પડી શકે છે.
નવરાત્રીમાં વરસાદ કેવો પડશે એ વાત તો કરીએ છીએ પણ પહેલાં સુરતમાં મેઘરાજાએ રહી રહીને જે જમાવટ કરી છે એની વાત કરી લઈએ, તો તમને અંદાજ આવશે કે હવે પછી પણ સ્થિતિ કેવી રહેશે ? આમ તો મેઘરાજા છેલ્લા ચાર દિવસથી મન મૂકીને વરસી રહ્યા છે. શહેરના ઉધના, વેસુ અને નવસારી રોડ જેવા વિસ્તારોમાં રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા છે. વાહનચાલકો માટે મુશ્કેલી વધી છે, અને લોકો ઘરની બહાર નીકળતા પહેલાં પણ દસ વાર વિચાર કરી રહયા છે અને પાછું આ બધું એવા સમયે થઈ રહ્યું છે જ્યારે નવરાત્રિની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. બજારોમાં યુવાનો ચણીયાચોળી અને નવરાત્રીની ખરીદીમાં વ્યસ્ત છે, પણ આ વરસાદની આગાહીએ ખેલૈયાઓના ચહેરા પર ચિંતા વધારી દીધી છે.
Published On - 9:14 am, Mon, 22 September 25