Gujarat Weather : ભર શિયાળે રાજકોટ સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદ, શિયાળુ પાક પર સંકટ

વર્ષ 2025ના અંતિમ દિવસે ગુજરાતમાં કમોસમી વરસાદ ત્રાટક્યો છે, જેના કારણે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વાતાવરણ પલટાયું છે. હવામાન વિભાગે 2 જાન્યુઆરી સુધી વરસાદની આગાહી કરી છે.

Gujarat Weather : ભર શિયાળે રાજકોટ સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદ, શિયાળુ પાક પર સંકટ
| Edited By: | Updated on: Dec 31, 2025 | 8:29 PM

વર્ષ 2025ના અંતિમ દિવસે પણ ગુજરાત પર કુદરતની આફત ત્રાટકી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ નોંધાયો છે અને હવામાન વિભાગે બીજી જાન્યુઆરી સુધી વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્રથી લઈને કચ્છ અને ઉત્તર ગુજરાત સુધી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે, જેના કારણે ઘણા જિલ્લાઓમાં સામાન્ય વરસાદ વરસ્યો છે.

હવામાનમાં આવેલા આ પલટાને કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ ખાબક્યો છે. વહેલી સવારથી જ પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગ્રામ્ય પંથકોમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. વીજળીના કડાકા-ભડાકા વિના પડેલા આ વરસાદથી જનજીવન પર અસર જોવા મળી છે.

જામનગરમાં મધ્યમ વરસાદી ઝાપટાં

જામનગર ગ્રામ્ય પંથકમાં ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળ્યો છે. ચેલા-ચાંગા સહિત આસપાસના વિસ્તારોમાં ભર શિયાળે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડ્યા હતા. અચાનક આવેલા આ માવઠાંને કારણે ખેડૂતોમાં શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિ ઉભી થઈ છે.

રાજકોટ પડધરી તાલુકાના જીવાપર, વિસામણ, પીઠડીયા, ખાખરા, જીલરીયા, ડાંગરા, ફતેપર સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. ભર શિયાળે વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતાના વાદળો છવાયા છે. ખાસ કરીને જીરું અને ઘઉં જેવા શિયાળુ પાકોને નુકસાન થવાની આશંકા સેવાઈ રહી છે.

વરસાદને કારણે રસ્તાઓ ભીના

વહેલી સવારથી સમગ્ર પંથકમાં કાળા ઘેરા વાદળો છવાયેલા રહ્યા હતા. ત્યારબાદ પોરબંદર શહેર અને આસપાસના ગામોમાં હળવા વરસાદી ઝાપટાં પડ્યા. દ્વારકા જિલ્લાના કલ્યાણપુર, જામખંભાળિયા તથા આસપાસના વિસ્તારોમાં ઝરમર વરસાદને કારણે રસ્તાઓ ભીના થયા હતા. માવઠાંના કારણે વાતાવરણમાં અચાનક ઠંડક પ્રસરી ગઈ છે.

ભર શિયાળે પડેલા આ વરસાદને કારણે સૌથી વધુ ચિંતા ખેડૂતોને સતાવી રહી છે. હાલ રવિ પાક તેની મહત્વની અવસ્થામાં છે અને આવા સમયે માવઠું નુકસાનકારક સાબિત થઈ શકે છે. જીરું અને ચણાના પાકમાં ફૂગ લાગવાની તેમજ પાક બળી જવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. તૈયાર થવા આવેલા ધાણા અને ઘઉંના પાકને પણ નુકસાન થવાની શક્યતા છે. માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં પડેલી ખેડૂતોની ઉપજ ભીંજાઈ ન જાય તે માટે સત્તાધીશો દ્વારા તાત્કાલિક સૂચનાઓ આપવામાં આવી છે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 48 કલાક સુધી આવું જ વાતાવરણ રહી શકે છે અને માવઠાની અસર યથાવત્ રહેવાની સંભાવના છે. વિભાગના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

ચાંદીમાં ભાવ વધારાથી ગુજરાતમાં 44 દુકાનો થઈ બંધ ! જાણો કારણ

Published On - 7:50 pm, Wed, 31 December 25