
ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના અનેક વિસ્તારોમાં કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદનો વધુ એક રાઉન્ડ જોવા મળી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા, નદીઓમાં જળસ્તર વધવા અને જનજીવન પ્રભાવિત થવાની શક્યતા હોવાથી તંત્રને પણ સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.
હવામાન વિભાગના અનુમાન પ્રમાણે નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. ઉપરાંત અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં પણ નોંધપાત્ર વરસાદની સંભાવના છે. સતત વરસાદને કારણે ખેડૂતોને લાભ થવાની સાથે જ નદી-નાળા અને જળાશયોમાં નવા પાણીની આવક વધે તેવી શક્યતા છે.
આજે રાજ્યના નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતાને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં સ્થાનિક તંત્રને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે અને નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અપીલ કરાઈ છે.
છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં વીજળીના કડાકા, તેજ પવન અને ભારે વરસાદની શક્યતા હોવાથી સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.
સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, રાજકોટ અને જૂનાગઢ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ અને કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. લોકોને વરસાદ દરમિયાન નદી-નાળા નજીક ન જવા તેમજ હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.
રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય રહેતાં આગામી એક અઠવાડિયા સુધી અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાંથી લઈને ભારે વરસાદ સુધીની સ્થિતિ સર્જાઈ શકે છે. વહીવટી તંત્રે જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમને એલર્ટ રાખ્યા છે અને જરૂર પડ્યે બચાવ ટીમોને તૈનાત રાખવા સૂચનાઓ આપવામાં આવી છે. નાગરિકોને હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખી સાવચેતી રાખવા, નીચાણવાળા વિસ્તારોમાં અવરજવર ટાળવા અને જરૂરી હોય ત્યારે જ મુસાફરી કરવાની સલાહ આપવામાં આવી છે.
આ પણ વાંચો- Breaking News: સાબરકાંઠામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, વિજયનગરની પુણ્યશીલા નદી બે કાંઠે વહેતી થઈ, પ્રાંતિજમાં પાણી ભરાયા