ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) જૌનપુરમાં મોહરમના (Muharram) જુલૂસ દરમિયાન પાકિસ્તાન ઝિંદાબાદના નારા લાગ્યા હતા, તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઘટના બાદ વિભાગની પોલીસ સતર્ક થઈ ગઈ છે. સૂત્રોચ્ચારનો કથિત વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયો વાયરલ થયા બાદ પોલીસે 33 લોકોની ઓળખ કરી લીધી છે. પોલીસે તેમની સામે ગુનો નોંધી ધરપકડ કરી છે.
આ મામલો મીરગંજના ગોધના ગામનો છે. કહેવામાં આવી રહ્યું છે કે વાયરલ વીડિયો મોહરમના જુલૂસનો છે. તાજિયાની સાથે અનેક લોકો મોહરમના જુલુસમાં જોડાયા હતા. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ દરમિયાન અચાનક રાષ્ટ્ર વિરોધી નારા પણ લગાવવામાં આવ્યા હતા.
વીડિયો વાયરલ થતાં જ પોલીસ એલર્ટ થઈ ગઈ હતી. આ અંગે જૌનપુરના અધિક પોલીસ અધિક્ષક ગ્રામીણ શૈલેન્દ્ર કુમારનું કહેવું છે કે, મીરગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના ગોધના ગામનો એક વીડિયો સોમવારે સાંજે વાયરલ થયો હતો. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ત્યાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા લાગ્યા હતા.
વીડિયોના આધારે 33 લોકોની ઓળખ કરવામાં આવી છે અને વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસનું કહેવું છે કે તમામ આરોપીઓની ધરપકડ કરીને જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : Bihar: બિહારના વૈશાલીમાં મોટી લૂંટ, બંદૂકધારી 5 બદમાશોએ બેંકમાંથી લૂંટ્યા 2 કરોડ રૂપિયા
એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે જ્યારે મોહરમનું જુલૂસ કાઢવામાં આવી રહ્યું હતું ત્યારે અલ્લાહ હુ અકબર… યા હુસૈન, યા હુસૈનના નારા લગાવવામાં આવી રહ્યા હતા. ત્યારબાદ અચાનક કેટલાક લોકોએ પાકિસ્તાન ઝિંદાબાદ… પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવવાનું શરૂ કર્યું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે જુલૂસ દરમિયાન હાજર કોઈ વ્યક્તિએ સૂત્રોચ્ચારનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. પોલીસ સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ કરી રહી છે.