MONEY9: PPFમાં રોકાણથી કેવી રીતે બચે છે ટેક્સ અને કેટલું મળે છે રિટર્ન ?

જો તમે ધંધો કરો છો, અથવા સ્વ-રોજગારી છો અને ક્યાંય બચત નથી કરતાં, તો તમારા માટે PPF એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. PPF એકાઉન્ટ ક્યાં ખુલે અને તેમાં કેવી રીતે મળે છે વ્યાજ, તેમાં ટેક્સનું શું છે ગણિત તે સમજવું જરૂરી છે.

Money9 Gujarati

| Edited By: Bipin Prajapati

Jun 22, 2022 | 4:54 PM

MONEY: જો તમે ધંધો કરો છો, અથવા સ્વ-રોજગારી છો અને ક્યાંય બચત નથી કરતાં, તો તમારા માટે PPF એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. PPF એકાઉન્ટ (PPF ACCOUNT) ક્યાં ખુલે અને તેમાં કેવી રીતે મળે છે વ્યાજ, તેમાં ટેક્સ (TAX)નું શું છે ગણિત વગેરે મૂંઝવણો દૂર કરવા માટે આપણે એક ઉદાહરણ લઇએ. 

નીરવ શાહ વેબ અને એપ ડેવલપમેન્ટનું કામ કરે છે. નીરવ તેના નોકરિયાત મિત્રો જેટલી કમાણી તો કરી લે છે, પરંતુ તેમની જેમ પ્રૉવિડન્ટ ફંડ એટલે કે પીએફ જેવું રોકાણ થતું ન હોવાનો રંજ, નીરવને સતાવ્યા કરે છે. પરંતુ નીરવે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે, તેની પાસે એક વિકલ્પ છે. તેમના જેવા સ્વરોજગારીઓ પીપીએફ એટલે કે પબ્લિક પ્રોવિડન્ટ ફંડમાં રોકાણ કરી શકે છે. પીપીએફ પણ નોકરિયાત વર્ગ માટેના ઈપીએફની જેમ જ કામ કરે છે. ફરક માત્ર એટલો છે કે, ઈપીએફમાં દર મહિને પગારમાંથી પૈસા જમા થાય છે જ્યારે પીપીએફમાં આ કામ તમારે જાતે કરવાનું રહે છે. 

પીપીએફમાં 15 વર્ષ સુધી રોકાણ કરવું પડે છે. સરકાર તેમાં નિયમિતપણે વ્યાજ આપે છે. કોઈ પણ વ્યક્તિ બેન્ક અથવા પોસ્ટ ઓફિસમાં પીપીએફ ખાતુ ખોલાવી શકે છે. પીપીએફમાં કર-લાભ મળતો હોવાથી આ યોજનાનું આકર્ષણ વધ્યું છે. 

આ યોજના કેટલી ઉપયોગી છે, તેનો અંદાજ કોરોના મહામારી દરમિયાન પીપીએફમાં થયેલા જબરજસ્ત રોકાણ પરથી લગાવી શકાય છે. આરબીઆઈના આંકડા પ્રમાણે, આર્થિક વર્ષ 2019-20ના સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં પીપીએફ અને પેન્શન ફંડમાં કુલ 1,09,961 કરોડ રૂપિયાનું રોકાણ આવ્યું અને ચાલુ નાણાકીય વર્ષના સપ્ટેમ્બર ક્વાર્ટરમાં તે વધીને 1,21,831 કરોડ રૂપિયા થઈ ગયું છે. 

PPFથી કેવી રીતે બચે છે ટેક્સ? 

ટેક્સ બચાવવાના મોરચે PPF એક ઉપયોગી યોજના છે. આમાં કરેલું રોકાણ ત્રિપલ ઈ (EEE) કેટેગરીમાં આવે છે, એટલે કે, તેમાં કરેલું રોકાણ ત્રણ સ્તરે ટેક્સ-ફ્રી છે. 

જે પૈસા તમે રોકો છો, તેના પર ઈનકમ ટેક્સની કલમ 80સી હેઠળ 1.5 લાખ રૂપિયા સુધીના કર-કપાતનો લાભ મળે છે. મુદત પૂરી થાય ત્યારે મળનારી સંપૂર્ણ રકમ પણ ટેક્સ-ફ્રી હોય છે.  આમ, જો તમે ધંધાર્થી કે બિઝનેસમેન છો, તો 80સીનો કર-લાભ અને ટેક્સ-ફ્રી મેચ્યોરિટી મેળવવા માટે આ સારો વિકલ્પ છે. 

PPFમાં કેટલા પૈસા જમા કરી શકાય

આ યોજનામાં એક નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા 500 અને મહત્તમ 1.5 લાખ રૂપિયા જમા કરી શકો છો. પોતાના સિવાય પત્ની અથવા સગીર બાળક માટે પણ પીપીએફ ખાતુ ખોલાવી શકો છો. પ્રત્યેક એકાઉન્ટમાં વર્ષમાં 1.5 લાખ રૂપિયા જમા કરી શકો છો, પરંતુ ટેક્સનો લાભ માત્ર 1.5 લાખ રૂપિયા પર જ મળશે. 

PPFમાં વ્યાજની ગણતરી કેવી રીતે થાય છે ? 

સરકાર PPFમાં વ્યાજની ગણતરી ત્રિમાસિક આધારે કરે છે. એપ્રિલ 2020થી તેનો વ્યાજ દર 7.10 ટકાએ સ્થિર છે. આ સમગાળા દરમિયાન બેન્ક એફડીના વ્યાજમાં ઘટાડો થયો છે, પરંતુ PPFનો વ્યાજદર 7 ટકાથી ઉપર જળવાઈ રહ્યો છે. 

બેન્ક એફડીની સરખામણીએ PPFમાં વધુ વળતર મળ્યું છે. PPFમાં તમને જે વ્યાજ મળે છે, તે ચક્રવૃદ્ધિ થઈને મળે છે. ધારો કે, જો તમારા એકાઉન્ટનું ઓપનિંગ બેલેન્સ 10,000 રૂપિયા છે, તો તેના પર 7.1 ટકા લેખે 710 રૂપિયાનું વ્યાજ મળશે. આમ, કુલ રકમ 10,710 રૂપિયા થશે. ત્યારપછીના વર્ષે જ્યારે વ્યાજ ગણાશે, તો તે આ રકમ પર ગણવામાં આવશે. આમ, જેમ-જેમ તમે રોકાણ વધારતા જશો, તેમ-તેમ વ્યાજ પણ વધતું જશે. નાણાકીય વર્ષ પૂરું થાય એટલે આ રકમ તમારા ખાતામાં જમા થઈ જશે. 

નાની બચત કરીને પણ તમે જંગી ભંડોળ ભેગું કરી શકો છો. 

જો નીરવ 15 વર્ષ સુધી PPFમાં દર વર્ષે 1 લાખ રૂપિયા જમા કરતો રહે, તો 15 વર્ષમાં 15 લાખ રૂપિયાનું રોકાણ થશે, તેના પર વર્તમાન 7.1 ટકા વ્યાજ પ્રમાણે ગણતરી કરીએ તો, નીરવને 12,12,139 રૂપિયાનું વ્યાજ મળશે. આમ, તેને મેચ્યોરિટી વખતે 27,12,139 રૂપિયા મળશે અને આ સંપૂર્ણ રકમ ટેક્સ-ફ્રી ગણાશે. 

કોના માટે ઉપયોગી છે પીપીએફ? 

PPFમાં 15 વર્ષ સુધી રોકાણ કરવું જરૂરી છે. જોકે, આકસ્મિક સંજોગોમાં તમે આંશિક રકમ ઉપાડી શકો છો. ફાઈનાન્શિયલ એક્સપર્ટ આ યોજનાને એક સલામત રોકાણ તો ચોક્કસપણે માને છે, પરંતુ મોંઘવારીની સરખામણીએ તેમાં મળતા વ્યાજથી સંતુષ્ટ નથી, કારણ કે, આમાં વ્યાજ ઘટવાનો ડર પણ રહે છે. જો તમે વધારે જોખમ લઈ શકતા ન હોવ તો, PPFમાં રોકાણ યોગ્ય છે. જો તમે 15 વર્ષ સુધી રોકાણ કરી શકો એમ હોવ, તો જ આમાં રોકાણ કરવું જોઈએ કારણ કે, PPFમાં 15 વર્ષનો લૉક-ઈન પીરિયડ છે. એટલે અવારનવાર પૈસાની જરૂર હોય ત્યારે તેમાંથી પૈસા ઉપાડવા નહીં મળે. 

મની નાઈનની સલાહ

  • રિટાયરમેન્ટ માટે ફંડ ભેગું કરવું હોય તો, PPF એક સારો વિકલ્પ છે.
  • બેન્ક એફડીની સરખામણીએ તેમાં સારું વ્યાજ મળે છે.
  • જો તમારો ઈરાદો રિટાયરમેન્ટ માટે બચત કરવાનો હોય, તો તમારા રોકાણ પર આકર્ષક વળતર મળશે અને જોખમ પણ ઓછું રહેશે.
  • રોકાણકારના પોર્ટફોલિયોમાં તમામ પ્રકારનું રોકાણ હોવું જરૂરી છે.
  • જો તમારા પોર્ટફોલિયોમાં લૉન્ગ-ટર્મ રોકાણની કોઈ એસેટ ન હોય, તો PPFને તેમાં સામેલ કરી શકો છો.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati