MONEY9: ઘઉં પર પ્રતિબંધ લાગતા નિકાસકારો લોટની નિકાસ કરવા માંડ્યા
સરકારે ઘઉંના ઉત્પાદનમાં ઘટાડાને ધ્યાનમાં રાખીને તેની નિકાસ રોકી તો નિકાસકારોએ નિકાસ પર પ્રતિબંધનો તોડ પણ કાઢી નાંખ્યો અને ઘઉંના બદલે સીધા તેના લોટને જ એક્સપોર્ટ કરવા લાગ્યા.
MONEY9: ઘઉંના ઉત્પાદનમાં ઘટાડાને ધ્યાનમાં રાખીને સરકારે તેની નિકાસ શું રોકી નિકાસકારો (EXPORTER)એ નિકાસ પર પ્રતિબંધનો તોડ પણ કાઢી નાંખ્યો અને ઘઉંના બદલે સીધા લોટ (WHEAT FLOUR)ને જ એક્સપોર્ટ કરવા લાગ્યા. આ નિકાસની જ અસર છે કે દેશમાં કેટલીક જગ્યાઓ પર ઘઉંના લોટના ભાવ વધવાના શરૂ થઇ ગયા છે.
સરકારે 13 મેના રોજ ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. અને તે સમયે મધ્ય પ્રદેશના રીવા શહેરમાં લોટનો ભાવ 32 રૂપિયે કિલો હતો જે આજે વધીને 41 રૂપિયા સુધી પહોંચી ગયો છે. જબલપુર, રાજકોટ અને કલબુર્ગીમાં પણ આ જ રીતે કિંમતો વધી છે. લોટની નિકાસના આંકડા એક્સપોર્ટમાં થયેલા વધારાની સાક્ષી પૂરી રહ્યાં છે.
દેશમાંથી ઘઉંની નિકાસ
ગત વર્ષે સમગ્ર નાણાકીય વર્ષ દરમિયાન દેશમાંથી 5.7 લાખ ટન લોટની નિકાસ થઇ હતી. માસિક એવરેજ ગણીએ તો 50 હજાર ટનથી પણ ઓછી ગણાય. જ્યારે આ વર્ષે અઢી મહિના એટલે કે એક એપ્રિલથી 14 જૂન સુધીમાં જ 2.6 લાખ ટન લોટની નિકાસ થઇ ચૂકી છે અને સરકારનું માનવું છે કે 13 મે બાદ નિકાસે વધારે સ્પીડ પકડી છે. લોટની વધેલી કિંમત અને નિકાસમાં થયેલો વધારો હવે સરકારની નજરમાં આવી ગયો છે. અને જો જરૂર પડશે તો સરકાર લોટની નિકાસ પણ બંધ કરી દેશે.
ખાદ્ય સચિવ શું કહે છે
કેન્દ્રીય ખાદ્ય સચિવ સુધાંશુ પાંડેનું કહેવું છે કે લોટની નિકાસ અને તેની કિંમત પર સરકારની બાજ નજર છે. અને જરૂર પડશે તો પગલાં પણ ભરવામાં આવશે. તેમનું કહેવું છે કે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ છે. આવામાં ઘઉંનો લોટ બનાવીને તેની વધુ નિકાસ પ્રોત્સાહિત ન કરી શકાય. જો કે ભારતમાંથી ઘઉંની નિકાસ પર પ્રતિબંધ છતાં દુનિયાના ઘણાં દેશોમાંથી ભારતીય ઘઉં માટે જબરજસ્ત માંગ છે. અને જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સરકારી સ્તરે ભારત ઘઉં મોકલી પણ રહ્યું છે.
આ જ કારણ છે કે અઢી મહિનામાં દેશમાંથી લગભગ 30 લાખ ટન ઘઉંની નિકાસ થઇ ચૂકી છે. અને તેમાં અડધાથી વધુ નિકાસ તો પ્રતિબંધ થયા પછી જ થઇ છે. 13 મેના રોજ નિકાસ પર પ્રતિબંધ બાદ એકલા બાંગ્લાદેશને જ 15 લાખ ટન ઘઉંની નિકાસ થઇ છે. અને ટ્રેડ એક્સપર્ટ જણાવે છે કે બાંગ્લાદેશ પોતાના માટે ભારત પાસે વધારે ઘઉંની માંગ કરી રહ્યો છે. આ ઉપરાંત, ઇન્ડોનેશિયા, ઓમાન, યુએઇ અને યમને પણ ભારતને ઘઉંની સપ્લાય માટે કહ્યું છે.
યુદ્ધની અસર
હકીકતમાં રશિયા-યૂક્રેન યુદ્ધના કારણે વૈશ્વિક બજારમાં ઘઉંની કિંમતો વધી ગઇ છે. ઘઉંની નિકાસના અંદાજે 20 કરોડ ટનના વૈશ્વિક માર્કેટમાં ચોથા ભાગની નિકાસ આ બન્ને દેશોમાંથી જ થાય છે. પરંતુ યુદ્ધના કારણે બન્ને દેશોનો સપ્લાય અવરોધાય તેવી શક્યતા છે. આ જ કારણ છે કે ઘઉંની આયાત કરનારા દેશ ભારતને સપ્લાય વધારવાની માંગ કરી રહ્યા છે. પરંતુ મોસમની મારના કારણે ભારતમાં પણ ઉત્પાદન ઓછું રહ્યું છે. ઉપરાતં સરકારી ગોડાઉનોમાં પણ સ્ટોક ઘટ્યો છે. ત્યારે ભારત પણ એક લિમિટથી વધારે સપ્લાય નહીં કરી શકે. અને આ જ સ્થિતિ ઘઉંના લોટને લઇને પણ છે.