NEETમાં વડોદરાની વિદ્યાર્થિની જીલ વ્યાસે માર્યુ મેદાન, ગુજરાતમાં પ્રથમ અને દેશમાં 9મા સ્થાને રહી મેળવી સફળતા

|

Sep 08, 2022 | 4:25 PM

Vadodara: NEETમાં વડોદરાની વિદ્યાર્થિની ઝીલે મેદાન માર્યુ છે અને ગુજરાતમાં ફર્સ્ટ આવી છે. આ સાથે દેશમાં તે 9માં ક્રમાંકે રહી છે. આ સફળતા પાછળ તે માતાપિતા અને શિક્ષકો પાસેથી મળેલા માર્ગદર્શનને શ્રેય આપે છે.

દેશમાં લેવાયેલી નીટની પરીક્ષામાં વડોદરા(Vadodara)ની વિદ્યાર્થિની ઝળકી ઉઠી છે. નીટ(NEET)ની પરીક્ષામાં વડોદરાની વિદ્યાર્થિનીએ સમગ્ર દેશમાં ડંકો વગાડી દીધો છે અને નવમાં ક્રમાંકે આવી છે. જીલ વ્યાસ નીટમાં દેશમાં નવમાં ક્રમાંકે અને ગુજરાતમાં પ્રથમ ક્રમાંકે આવી છે. જીલ સાથે અમારા સંવાદદાતાએ ખાસ વાતચીત કરી હતી. જેમાં જીલે જણાવ્યુ કે તે અગિયારમાં ધોરણથી જ તૈયારી કરી રહી હતી. આ સફળતા પાછળ તેમણે માતા-પિતા, શિક્ષકોનો ખૂબ મોટો ફાળો રહ્યો હોવાનુ જણાવ્યુ છે. લોકડાઉન દરમિયાન બધી જ તૈયારી ઓનલાઈન કરવાની હોવાથી ઘણી મુશ્કેલી પણ આવતી હતી. છતાં તેમના માતાપિતાનો હરહંમેશ સપોર્ટ મળતો રહ્યો અને તેના ક્લાસિસના ટીચર્સની મદદથી તે આ સફળતા મેળવી શકી તેમ જીલે જણાવ્યુ છે. જીલ વ્યાસે પ્રતિષ્ઠિત મેડિકલ એન્ટ્રન્સ પરીક્ષામાં 720 માંથી 710 માર્ક્સ મેળવ્યા અને ગુજરાત અને વડોદરા શહેરમાં ટોપ કર્યું છે.

કેટલા કલાકનું વાંચન અને તૈયારીઓનું કેવા પ્રકારનું આયોજન?

આ અંગે જીલ જણાવે છે કે તેના વાંચવાના કલાકો એટલા બધા ફિક્સ ન હતા, સ્કૂલ, કોચિંગ અને એ બધુ બાદ કરતા જે સમય મળે તેને નીટની તૈયારી માટે યુટિલાઈજ કરતી હતી. બાકી વીકએન્ડ્સમાં તે નીટ પર વધુ ફોકસ કરતી હતી. જીલ જણાવે છે કે એટલુ સરળ નથી. થોડુ ટફ તો છે અને આજકાલ સોશિયલ મીડિયાનું ડિસ્ટ્રેક્શન પણ વધુ હોય, પરંતુ તે બધાને બાજુ પર રાખીને માત્ર ભણવા પર ફોક્સ કરીએ તો જ આ શક્ય બને છે.

આગળ શું કરવા માગે જીલ?

જીલ જણાવે છે કે હવે તે MBBSમાં જવા માગે છે અને વધુ ઈન્ટરેસ્ટ તેને રિસર્ચમાં છે તો તેમાં આગળ વધવા માગે છે.

સફળતાનો શ્રેય કોને આપવા માગે છે જીલ?

પોતાની મહેનત તો ખરીજ પરંતુ માતા-પિતા અને ટીચર્સને સફળતાનો શ્રેય જીલ આપે છે. તે જણાવે છે કે એ લોકોના સપોર્ટને કારણે જ તે આ સિદ્ધિ મેળવી શકી છે.

ઈનપુટ ક્રેડિટ-યુનુસ ગાઝી- વડોદરા

Published On - 3:42 pm, Thu, 8 September 22

Next Video